હરહંમેશ ભારતીય સંસ્કૃતિ અને રિવાજો સાથે વણાયેલા રહેલા ગુજરાત સમાચાર અને પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ દ્વારા વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 68મા અધ્યાયમાં પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરતાં શ્રાદ્ધના મહિમાની ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમની રૂપરેખા બાંધતાં કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કહ્યું કે, 16 દિવસના શ્રાદ્ધપક્ષનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી પિતૃઓનું પૂજન. પૂર્વજોના આત્માની શાંતિ અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરતાં લોકો તર્પણ, પિંડદાન અને બ્રહ્મભોજન કરાવતા હોય છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ છે, શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરાતી પિતૃતર્પણની વિધિ. શ્રાદ્ધથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને મુક્તિ મળે છે. જોકે આજના કળિયુગમાં એક ભજન પ્રચલિત થયું છે, ‘જીવતાં મા-બાપને પાણી ના પીવડાવે, મર્યા પછી ગંગાજળ પાય; આ તો કેવો સંસાર છે, જીવતાં મા-બાપને રોટલોય ના આપે, મર્યા પછી લાડવા ખવાય..! આ તો કેવો અન્યાય છે!!’
આ પ્રસંગે જાણીતાં ગાયિકા મીનાબહેન ત્રિવેદીએ માતા-પિતા અને પિતૃઓને સમર્પિત ગીતરચના ‘ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં’ અને ‘યે તો સચ હૈ કી ભગવાન હૈ’ રજૂ કરીને સૌકોઈને ભાવવિભોર કરી દીધા હતા.
આ ઝૂમ ઇવેન્ટમાં ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટનના વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઈ ટેલર અને મંદિરના પૂજારી હસમુખભાઈ પાઠક ખાસ જોડાયા હતા.
હસમુખભાઈએ શ્રાદ્ધનો મહિમા સમજાવતા કહ્યું કે માતા-પિતા બાળકના જન્મ અને ઉછેર દરમિયાન અનેક કષ્ટ સહન કરે છે, જેનું ઋણ આપણે કદી ચૂકવી શકતા નથી. પિતૃઓના આ જ ઋણને અદા કરવા હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષને વણી લેવાયો છે. પિતૃઓ માટે ચૈત્ર, કારતક ને ભાદરવો મહત્ત્વના છે. એમાં પણ ભાદરવાનો કૃષ્ણપક્ષ પિતૃના શ્રાદ્ધ માટે ખૂબ અગત્યનો છે. શ્રદ્ધાથી જે કાર્ય કરાય તે શ્રાદ્ધ. દેવોને પ્રસન્ન કરવા નવચંડી, લઘુરુદ્ર, મહારુદ્ર કરાય છે તે જ રીતે પિતૃઓને પ્રસન્ન કરવા પિતૃયજ્ઞ, જેમાં નારાયણબલિ અને તર્પણવિધિ સહિત પાંચ વિધિ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. આપણા દ્વારા જે અંજલિ અાય છે તેને પિતૃઓ સુધી પહોંચાડવાનું કાર્ય વસુ અને રુદ્ર નામના બે દેવ દ્વારા કરાય છે. અન્ય દેવો છપ્પન ભોગ કે ભેટોથી પ્રસન્ન થાય, પરંતુ પિતૃઓ માત્ર એક અંજલિથી તૃપ્ત થાય છે. પિતૃઓને આ પ્રકારે યાદ કરવાથી તેઓ જે યોનિમાં હોય ત્યાં આનંદ પામે છે કે ‘મારા વંશજો મને ખૂબ યાદ કરે છે.’ પિતૃકાર્ય કરવાથી શારીરિક, આર્થિક અને મનને મજબૂત બનાવતાં માનસિક રીતે પણ તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ઇશ્વરભાઈ ટેલરે જણાવ્યું કે, શ્રાદ્ધપક્ષ નિમિત્તે પ્રેસ્ટન મંદિરે લોકો મોટા પ્રમાણમાં આવે છે ને વિધિ કરાવે છે. લોકો દ્વારા મોટા પ્રમાણમાં અન્નદાન કરાય છે. જેનો સદ્ઉપયોગ અન્નપૂર્ણા મંદિરમાં થાય છે. આ જ અન્ન દ્વારા રસોઈ અને ભગવાનનો ભોગ ધરાવાય છે.
શ્રાદ્ધપક્ષની માહિતી મેળવ્યા બાદ કોકિલાબહેને 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા નવલાં નોરતાના પર્વે માતાજીનું મહિમાગાન કરવા મીનાબહેન ત્રિવેદીને જણાવ્યું. જેને ધ્યાને લઈ તેમણે પ્રથમ માતાજીને ‘આજ અવસર આવ્યો અનેરો, આવો આવો... પધારો તમે ગરબો વધાવો’ દ્વારા આવકારવામાં આવ્યાં. જે બાદ માતાજીનો સુંદર ગરબો ‘કુમકુમનાં પગલાં પડ્યાં, માડીનાં હેત ઢળ્યાં’, ‘હે રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ...’, ‘સોનલ ગરબો શિરે અંબેમા ચાલો ધીરે-ધીરે...’ ગાઈ સૌકોઈને ડોલાવી દીધા હતા.
કોકિલાબહેને નવરાત્રી અંગે જણાવતાં કહ્યું કે, આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે, ચૈત્ર નવરાત્રી, બે ગુપ્ત નવરાત્રી અને શારદીય નવરાત્રી. આ શારદીય નવરાત્રીની નવેનવ રાત્રી મા દુર્ગાને સમર્પિત છે. આ નવ દિવસ માતાજીની વિધિવત્ આરાધનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. દુર્ગાપૂજા અનિષ્ટ તત્ત્વો પર ધર્મના વિજયનું પ્રતિનિધિત્વ કરે છે. દેવી દુર્ગાના નવ દિવસ મહિસાસુર સાથેના યુદ્ધ અને દશેરાના દસમા દિવસને મહિસાસુર મર્દન તરીકે આપણે ઊજવીએ છીએ. કથા અનુસાર મનાય છે કે, ભક્તને આશીર્વાદ આપવા દેવીદુર્ગા નવરાત્રીના નવ દિવસ પૃથ્વી પર અવતરણ લે છે. દેશના વિવિધ પ્રાંત અને વિદેશમાં પણ નવરાત્રીને વિવિધ તરીકે ઊજવાય છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા આનંદથી ઊજવાય છે. આ બંને તહેવારો એટલે ખરાબ પર સારપનો વિજય. માતાજીની આ જ શક્તિનું વર્ણન કરતાં આપણે એટલે જ આરતી બાદ ‘સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે’ સ્રોત લલકારીએ છીએ.
ગરબા એ મોજમસ્તીનું પર્વ નથી. તે માતાજીનાં ગુણગાન ગાવાનો, આરાધના કરવાનો, તેમાંથી હિંમત મેળવવાનો, સ્ત્રીઓને શક્તિરૂપે જોવાનો આપણો દૃષ્ટિકોણ કેળવે છે.
નવરાત્રિની સુંદર રજૂઆત બાદ ઓપરેશન્સ હેડ-યુકે પૂજાબહેન રાવલે જણાવ્યું કે, ગુજરાત સમાચાર – એશિયન વોઇસની 53 વર્ષની સફરને અમે ‘સ્મૃતિગ્રંથ – અ ટાઇમલેસ ટ્રેઝર’ પુસ્તકમાં સમાવી છે. જેમાં અમે સફળ બિઝનેસમેન, લેખકો, સ્થળાંતર કરેલા વડીલોની વ્યથાકથા અને અમારી પોતાની સફરને સુપેરે વણી છે. અમારા આ પુસ્તકને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, હજુ પણ ઘણા ગ્રાહકો દ્વારા અમારો સંપર્ક કરાય છે. આ સાથે અમે દિવાળી માટે પણ ખાસ અંક બહાર પાડી રહ્યા છીએ. આવા વિશેષાંક, પુસ્તકો ને દિવાળી અંક માટે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આ વિશેષ વાંચન સરળતાથી મળી શકે.
કાર્યક્રમના સમાપન પ્રસંગે સી.બી. પટેલે કહ્યું, ઉત્સવો સનાતન સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. આપણે નસીબદાર છીએ કે આપણે સનાતની છીએ, કારણ કે ગીત, સંગીત અને નૃત્ય આપણને સંસ્કાર - વારસામાં મળ્યાં છે. 10 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ત્યારે તેમના નવરાત્રીના ઉપવાસ હતા. આ સમયે બધા ભોજન લેતા, ત્યારે વ્રતને વરેલા નરેન્દ્રભાઈ માત્ર ઉકાળેલું પાણી પીતા હતા. પ્રેસ્ટનમાં સ્થાયી થયેલો ગુજરાતી સમાજ માત્ર ગુજરાતી જ નહીં, ભારતીયોની ઉદારતા દર્શાવે છે. પરોપકારી ગામ પ્રેસ્ટનમાં દીર્ઘદૃષ્ટા ગુજરાતીઓએ એક સંસ્થા બનાવી ‘ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન’ અને 25 વર્ષ પહેલાં શિખર મંદિર પણ બનાવ્યું. આ કાર્યો તેમના મક્કમ મનોબળને દર્શાવે છે, જે માતાજીની કૃપા જ છે.
આ સાથે માયાબહેન દીપક દ્વારા ‘સોળ કળાનો ચાંદલો, તારલિયાની ધાર’ ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી.

