સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે થયેલા એગ્રિમેન્ટે ન કેવળ મીડલઇસ્ટના પરંતુ સાઉથ એશિયાના સમીકરણો પણ બદલી નાખ્યાં છે. આ કરારને પગલે પાકિસ્તાન સુરક્ષાની બાંયધરી આપતા દેશ તરીકે ઉભરી આવ્યો છે તો સાઉદી અરબની સાઉથ એશિયાના જિઓપોલિટિક્સ અને વિવાદોમાં સીધી એન્ટ્રી થઇ ગઇ છે. કરારની સૌથી મહત્વની વાત એ છે કે બંનેમાંથી કોઇપણ દેશ પરના બાહ્ય હુમલાને તેઓ પોતાના પરનો હુમલો ગણશે. આ કરારને પગલે રિયાધના ભારત સાથેના સંબંધો પર પણ ગંભીર અસર થઇ શકે છે.
તાજેતરમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાઉદી અરબ સાથે ભારતના સંબંધો નવા આયામ પર પહોંચ્યા છે. ભારત કુલ ક્રુડ આયાતની 18 ટકા આયાત સાઉદી પાસેથી કરે છે. બંને દેશની સેનાઓ વચ્ચે નિયમિત રીતે સંયુક્ત કવાયતો પણ યોજાતી રહે છે. પરંતુ સાઉદીના પાકિસ્તાન સાથેના કરારને પગલે ચેતવણીની ઘંટડીઓ રણકવા લાગી છે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ધરતી પર સક્રિય આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં સાઉદી અરબ સીધો સામેલ થઇ શકે છે. આવી સ્થિતિમાં ભારત અને સાઉદી અરબ વચ્ચેનો કૂટનીતિક વિશ્વાસ જોખમાઇ શકે છે.
સુરક્ષા નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે સાઉદી સાથેના કરારને પગલે ભારત સાથેની દુશ્મનાવટમાં પાકિસ્તાન વધુ મજબૂત બનશે. આમ તો સાઉદીના સત્તાવાળા આ કરાર ભારત વિરોધી નહીં હોવાનું રટણ કરી રહ્યાં છે પરંતુ રિયાધની જે રીતે પાકિસ્તાન સાથેની નિકટતા વધી રહી છે તેની અવગણના થઇ શકે નહીં. હવે ભારતે આ મામલામાં અત્યંત સાવધાનીપુર્વક આગળ વધવું પડશે..
