ઇરાનને તેણે જ શરૂ કરેલું પ્રોક્સી વોર ભારે પડી રહ્યું છે...

Wednesday 25th June 2025 06:37 EDT
 

મીડલ ઇસ્ટમાં પ્રભુત્વ માટેનો ખેલ એક ભયાનક યુદ્ધમાં પલટાઇ ગયો છે. આમ તો મીડલ ઇસ્ટના મોટાભાગના આરબ દેશો અમેરિકાની પડખે રહ્યાં છે પરંતુ ઇરાન, ઇરાક, યમન, સીરિયા અને લેબેનોન અમેરિકા - ઇઝરાયેલની ધરી માટે પડકાર બની રહ્યાં હતાં. તેમાં પણ ઇરાને છેલ્લા કેટલાક દાયકાથી જે રીતે ઇઝરાયેલ સામે પ્રોક્સી વોર ચલાવી રહ્યો હતો તેના કારણે જ આજે આ ક્ષેત્ર ફરી એકવાર ભયાનક યુદ્ધમાં સપડાઇ ગયું છે.
7 ઓક્ટોબર 2023ના રોજ જે રીતે ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસના ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો તેના પગલે ઇઝરાયેલ ઇરાનના પ્રોક્સી વોર સામે અંતિમ યુદ્ધ લડી લેવા મેદાનમાં આવી ગયો હતો. ગાઝા પટ્ટીમાં હમાસના નેતાઓ અને લડાકુઓનો સફાયો કરવામાં ઇઝરાયેલે કોઇ કસર બાકી રાખી નથી. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ લડાઇમાં હમાસની કમર ભાંગી ગઇ છે પરંતુ યુદ્ધની આ ભયાવહતાએ હજારો નિર્દોષ લોકોનો પણ ભોગ લીધો છે. ઇરાને ફક્ત હમાસને જ નહીં પરંતુ સીરિયાના ઇરાન સમર્થક લડાકુઓ, લેબેનોનના હિઝબુલ્લા, યમનના હૂથીઓને વર્ષોથી પાળીપોષી શસ્ત્રસજ્જ કર્યાં હતાં અને આ તમામ એકજૂથ થઇ ઇઝરાયેલ સામે લડી રહ્યાં હતાં. ઇઝરાયેલે ઓક્ટોબર 2023ના હુમલા બાદ જાણે કે આ તમામનો સફાયો કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ એક પછી એક દુશ્મને ખતમ કરતો રહ્યો છે. સીરિયામાંથી હુમલા કરતાં ઇરાન સમર્થક લડાકુઓને નેસ્તનાબૂદ કર્યા બાદ લેબેનોનમાંથી સક્રિય હિઝબુલ્લાને કદ પ્રમાણે વેતરી નાખવામાં ઇઝરાયેલ સફળ રહ્યો છે. એટલી હદે કે પોતાના આકા ઇરાન પર ઇઝરાયેલ અને અમેરિકાના ભયાનક હુમલાઓ બાદ પણ હિઝબુલ્લા માથું ઉંચકી રહ્યું નથી.
બીજી તરફ અમેરિકાએ યમનમાંથી ઇઝરાયેલ પર હુમલા કરી રહેલા હૂથી ઉગ્રવાદીઓને સાણસામાં લીધા અને તેની ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચાડ્યું. આજે દેકારા પડકારા કરતા હૂથી ઉગ્રવાદીઓ પણ બણગા ફૂંકવા સિવાય બીજું કશું કરી શક્તાં નથી. ઇરાન દ્વારા અપાતી આર્થિક અને શસ્ત્ર સહાયના જોરે જ આ તમામ સંગઠનો ઇઝરાયેલ સામે પ્રોક્સી વોર લડી રહ્યાં હતાં. અમેરિકા અને ઇઝરાયેલે સીરિયામાં તખ્તા પલટ કરાવી દેતાં હવે ત્યાંના ઇરાન સમર્થકો પણ ઠંડા થઇ બેસી ગયાં છે.
આમ ઇરાનના પ્રોક્સી વોરનો કાયમી અંત લાવવા ઇઝરાયેલ દ્વારા પ્રોક્સી વોરના જન્મદાતા ઇરાનનો જ ઘડો લાડવો કરી નાખવાનું અભિયાન આદર્યું અને આજે બંને દેશ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. પરમાણુ બોંબ હાંસલ કરવાની ઇરાની સત્તાવાળાઓની ઘેલછાએ આ યુદ્ધની આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને અમેરિકા જેવી મહાસત્તાએ પણ તેમાં ઝંપલાવી દીધું.
આમ તો ઇરાનને સમર્થન આપનારા દેશો પણ ઘણા છે પરંતુ અમેરિકાના હુમલા બાદ કોઇ ખુલીને ઇરાનની પડખે આવી રહ્યું નથી. તૂર્કીમાં ઇસ્લામિક દેશોના સંગઠનમાં પણ ઇરાનને જોઇએ એટલું સમર્થન હાંસલ થયું નથી. રશિયા, ચીન અને આરબ દેશો ફક્ત નિવેદનો આપીને ચૂપ બેસી ગયાં છે. ઇરાકમાં ઇરાન સમર્થક સંગઠનો પણ ઇઝરાયેલ અને અમેરિકા સામે બાથ ભીડવા તૈયાર હોય તેમ લાગતું નથી.
આમ વૈશ્વિક મોરચા પર ઇરાન એકલો અટૂલો પડી ગયો છે. ઇરાનને તેના પ્રોક્સી વોરે જ ડૂબાડ્યો છે. દાયકાઓથી ઇઝરાયેલના પાડોશી દેશોમાં ઉગ્રવાદીઓ તૈયાર કરીને પરદા પાછળથી લડવાની નીતિ તેને ભારે પડી રહી છે. કદાચ એટલે જ ઇરાનના સાથી ગણી શકાય તેવા દેશો પણ આજે મદદ માટે આગળ આવી રહ્યાં નથી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું એક વાક્ય યાદ આવે છે કે હું આ રમતનો અંત લાવીને જ રહીશ. ઇરાનની પ્રોક્સી વોરની રમતે ફરી એકવાર મીડલ ઇસ્ટને યુદ્ધમાં ધકેલી દીધું છે.


comments powered by Disqus