નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. લગભગ બે વર્ષના તણાવ પછી કેનેડાએ મોટો ખુલાસો કર્યો છે. કેનેડિયન ગુપ્તચર એજન્સી (CSIS) એ સ્વીકાર્યું છે કે, કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ (આતંકવાદી) ભારત વિરુદ્ધ હિંસા, પ્રચાર અને ભંડોળ એકત્ર કરવા માટે તેની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે.
આ વાત ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ની G7 સમિટ દરમિયાન મળ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધોને પાટા પર લાવવા ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં વાત કરી હતી. ભારત લાંબા સમયથી કેનેડા પર ખાલિસ્તાની અલગતાવાદીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યું છે. હવે કેનેડા સરકારના આ સત્તાવાર અહેવાલે ભારતની ફરિયાદને યોગ્ય ઠેરવી છે.
CSIS એ પણ સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન કેનેડાની ધરતીથી ભારત વિરુદ્ધ ચાલતી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત છે. પીએમ મોદીની કેનેડા મુલાકાત દરમિયાન ખાલિસ્તાની જૂથોએ તેમને ધમકી આપવાની હિંમત પણ કરી હતી. કેનેડામાં તેમના સહાનુભૂતિ ધરાવતા લોકોના સમર્થન અને પાકિસ્તાનના સમર્થન વિના તેમણે ક્યારેય આવી હિંમત એકઠી કરી ન હોત.
કેનેડિયન ગુપ્તચર એજન્સી CSIS ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડાથી ભારત વિરુદ્ધ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. અહેવાલમાં 1985ના એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટનો પણ ઉલ્લેખ છે. આ અહેવાલથી ભારતના દાવાને મજબૂત બનાવાયો છે.