ગુજરાત, મોદી અને માપદંડોમાં ઉણું ઉતરતું ‘ધ ઈકોનોમિસ્ટ’

મારી નજરે

- સી.બી. પટેલ Wednesday 25th June 2025 06:24 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દાયકાઓથી ‘ધ ઈકોનોમિસ્ટ‘નો સબસ્ક્રાઈબર હોવા સાથે મેં તેને હંમેશાં વિશ્વના સૌથી સારાં પબ્લિકેશન્સમાં એક, સાચા અર્થમાં વૈશ્વિક મેગેઝિન તરીકે માન્યું છે. સંતુલિત જર્નાલિઝમ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા, કઠોર વિશ્લેષણ અને વૈશ્વિક મુદ્દે તેના મંતવ્યો માટે આદર આપ્યો છે. તેનું લવાજમ સસ્તું કે ઓછું ખર્ચાળ નથી, પરંતુ તેના સંસ્થાપક જેમ્સ વિલ્સન અને લેજન્ડરી એડિટર વોલ્ટર બેગહોટ દ્વારા પ્રસ્થાપિત તેના મૂલ્યો, વિઝન અને એડિટોરિયલ માપદંડોના કારણે પ્રત્યેક પેની વસૂલ થાય છે. સમગ્રતયા મારે કહેવું જ જોઈએ કે વર્તમાનમાં વ્યાપક વૈશ્વિક એડિશન્સની સાથે ‘ધ ઈકોનોમિસ્ટ’ વર્ષો દરમિયાન માપદંડો જાળવી રાખ્યા છે અને તેની ચિરસ્થાયી વિરાસતને આદર આપી રહ્યું છે.
જોકે, તાજેતરમાં મેગેઝિનની બન્યન (Banyan) કોલમમાં ‘પ્રોમિસીસ મેઈડ, પ્રોમિસીસ કેપ્ટ’ ટાઈટલ હેઠળના આર્ટિકલથી મને ઘોર નિરાશાનો અનુભવ થયો છે. આ લેખમાં આર્થિક વૃદ્ધિ, સુધારાઓ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી કાર્યક્ષમતાને હાઈલાઈટ કરવા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરીએ કેવી રીતે ભારતને ગુજરાતના ઢાળમાં આકાર આપ્યો છે તેની ચકાસણી કરી છે. સાથોસાથ વધી રહેલાં સાંપ્રદાયિક વિભાજન, ધાર્મિક તણાવ અને કોસ્મોપોલિટન -વિશ્વવ્યાપી મૂલ્યોની પડતીનો પણ ઉલ્લેખ કરાયો છે. વેપારવણજમાં પ્રતિષ્ઠાથી આગળ વધી તેમાં ગુજરાતની જટિલ ઐતિહાસિક ઓળખ વિશે પણ ચિંતન કરાયું છે.
આર્ટિકલ તેના પ્રથમ પેરેગ્રાફથી જ ચોંકાવી દેનારો રાગ આલાપે છે. દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે તેમણે દેશના 565 રજવાડાંને ‘મનાવીને’ (અથવા ધાકધમકીથી) સંઘમાં ભેળવી દીધા હતા. આમાં કોઈ આદર કે ચોકસાઈ દર્શાવાઈ નથી. આટલી અવમાનના સાથે સરદાર પટેલનો ઉલ્લેખ કરાયો છે જેનાથી નવા સ્વતંત્ર રાષ્ટ્રને એક કરવામાં તેમણે ભજવેલી અસાધારણ ભૂમિકાની ઉપેક્ષા જ કરાઈ છે. ભારતમાં બ્રિટિશ સરકારના આખરી વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનના સંપૂર્ણ સહકાર સાથે સરદાર વલ્લભભાઈ પટેલે 1947ના ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ હેઠળ 560થી વધુ રજવાડાંનું જોડાણ ભારત સંઘ સાથે કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મજબૂત અને સંયુક્ત ભારતનો પાયો રચવામાં તેમની નેતાગીરી કારણભૂત હતી. આથી જ, ‘ધ ઈકોનોમિસ્ટ’ જેવી મહત્તા ધરાવતા પ્રકાશનને તેના એડિટોરિયલ માપદંડોથી ઉણી ઉતરતી ટિપ્પણીઓ કરતું નિહાળવા સાથે ઐતિહાસિક ચોકસાઈ અને સાંસ્કૃતિક સંવેદનશીલતાનો અભાવ જોઈને પણ નિરાશા ઉપજી છે.
આર્ટિકલ એમ પણ જણાવે છે કે, ‘મોદી જ્યારે 2014માં વડા પ્રધાન બન્યા ત્યારે અદાણીના પ્રાઈવેટ જેટમાં ઉડીને દિલ્હી ગયા હતા.’ આ વિગત તદ્દન અપ્રસ્તુત છે, એટલું જ નહિ તેને વિશેષ ઈરાદાસર લેખમાં મૂકાઈ હોય તેમ જણાય છે. બીજી તરફ ગુજરાતીઓને ‘નિસ્તેજ કે આળસી’ તરીકે ગણાવવાની બાબત પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભાવ જાહેર કરે છે. આવા દાવાઓ કરતાં પહેલા વ્યક્તિએ સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ દ્વારા કરાયેલા દીર્ઘદર્શી યોગદાનો વિશે જાણી લેવું આવશ્યક છે. ‘ભારતના વિચારનું નિર્માણ જ એંગ્લોફાઈલ બૌદ્ધિકો અથવા પ્રખર પ્રબુદ્ધ બંગાળી વર્ગ’ દ્વારા જ કરાયું હોવાનું સ્ટેટમેન્ટ સ્પષ્ટપણે એકપક્ષી છે. બંગાળી અને એંગ્લોફાઈલ બૌદ્ધિકોએ નિઃશંકપણે આધુનિક ભારતના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ ગુજરાતીઓ તેમજ અન્ય ભારતીય એન્ટ્રેપ્રીન્યોર્સ, સુધારકો, રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓના પ્રચંડ યોગદાનોની ઉપેક્ષા કરવી તે ગેરમાર્ગે દોરનારી બાબત છે.
વિચિત્રતા તો એ છે કે આર્ટિકલના પાછલા ભાગમાં મુંબઈથી આફ્રિકા ને યુરોપથી માંડી અમેરિકા સુધી વેપારવણજ અને કોમ્યુનિટી નિર્માણમાં ગુજરાતીઓની વૈશ્વિક પ્રસિદ્ધિનો સ્વીકાર કરાયો છે.
આ ઉપરાંત, લેખમાં શાકાહાર વિરુદ્ધ માંસાહાર જેવી સાંસ્કૃતિક વિસંગતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે વહીવટ અને વિકાસના સંદર્ભે તદ્દન ક્ષુલ્લક કહી શકાય. ગુજરાતીઓ અને અન્ય ભારતીયોના જીવનમાં ઘરઆંગણે અને પરદેશમાં પણ સનાતન મૂલ્યો અને પરંપરાઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાના ઈતિહાસનું જે રીતે ચિત્રણ કરાયું તે ખૂબ જ ચિંતાપ્રેરક છે.
લેખક 19મી સદી સુધીના સમયગાળાની અશાંતિનો અસ્પષ્ટ ઉલ્લેખ કરે છે, પરંતુ કોઈ ચોકસાઈપૂર્ણ ડેટા અથવા સુક્ષ્મ સમજ આપી શકતા નથી. છેલ્લા 25 વર્ષના સમયગાળામાં ગુજરાતમાં સાંપ્રદાયિક સંવાદિતા જોવા મળી છે અને સામાજિક તથા આર્થિક વિકાસની નોંધપાત્ર પ્રગતિ સધાઈ છે.
નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે લગભગ 13 વર્ષના કાર્યકાળના ચિત્રણમાં પણ કોઈ સમતુલા જણાતી નથી. આર્ટિકલમાં રાજ્યના આર્થિક વૃદ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પ્રગતિ અને બિઝનેસ કરવામાં સરળતાનો સ્વીકાર ખચકાટ સાથે કરાયો છે, છતાં 2002ના રમખાણોની પ્રશ્ચાદભૂ સાથે તેને સાંકળવાનું જરા પણ રોકી શકતા નથી અને હિંસાનો પલીતો ચાંપવામાં ગોધરા ટ્રેનને સળગાવી નાખવાની કરૂણાંતિકા જવાબદાર હોવાનો ઉલ્લેખ સુદ્ધાં નથી. પ્રામાણિક વર્ણનમાં કારણ અને પરિણામોનો સ્વીકાર થવો જ જોઈએ. પસંદગીયુક્ત રિપોર્ટિંગ વિશ્વસનીયતાને નુકસાન કરે છે. કોઈપણ સાંપ્રદાયિક ઘટનાને કદી વાજબી ઠરાવી શકાય નહિ. 2002ની કરુણ ઘટનાઓ ભારે પીડાદાયક રહી છે અને ‘ધ ઈકોનોમિસ્ટ’ વારંવાર એક કોમ્યુનિટીના સંદર્ભમાં આ પ્રકરણને ઉખેળે છે અને ઘણી વખત તેનો સંપૂર્ણ સંદર્ભ અપાતો જ નથી.
એક બાબતને યાદ કરવી મહત્ત્વની છે કે ડો. મનમોહનસિંહના નેતૃત્ત્વ હેઠળની UPA સરકારના કાર્યકાળ અને સોનિયા ગાંધીની નેતાગીરીમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે સઘન તપાસ હાથ ધરાઈ હતી. UPA સરકાર દ્વારા નિયુક્ત ઉચ્ચસ્તરીય અધિકારીઓએ નવ કલાકથી વધુ સમય સુધી આકરી પૂછપરછ કરી હતી. આના પરિણામે, ભારતીય સંસદમાં વિગતવાર રિપોર્ટ રજૂ થયો હતો જેમાં નરેન્દ્ર મોદીને 2002ના રમખાણોમાં કોઈ પ્રકારની પ્રત્યક્ષ કે પરોક્ષપણે સંડોવણી મુદ્દે નિર્દોષ જાહેર કરાયા હતા. આ સત્તાવાર રિપોર્ટ આજે પણ જાહેર રેકોર્ડ્સનો હિસ્સો છે. આ બાબત કોઈ રાજકીય વ્યક્તિત્વનો બચાવ કરવા કે ગુજરાતી અથવા અન્ય કોઈ ચોક્કસ કોમ્યુનિટીનું પ્રતિનિધત્વ કરવાને સંબંધિત નથી. મુદ્દો તો સત્યના હાર્દરૂપ મૂલ્યો અને જવાબદાર જર્નાલિઝમનું સમર્થન કરવાનો છે.
હું ‘ધ ઈકોનોમિસ્ટ’ના એડિટરને બહુ આદર સાથે યાદ અપાવવા માંગુ છું કે કોઈ પણ પ્રકાશનની પ્રતિષ્ઠાના પાયામાં હોય છે તથ્ય અને સત્ય. કેટલાક લોકો તેને હિંમતવાન અથવા તો જજમેન્ટલ તરીકે પણ નિહાળશે, આ તો સ્ટાઈલની બાબત છે. વાસ્તવમાં તો ચોકસાઈ અને વાજબીપણા પ્રતિ કટિબદ્ધતાનું જ મહત્ત્વ છે. એડિટોરિયલ વિષયતત્વ કોઈ પ્રકારે પૂર્વગ્રહ પ્રદર્શિત કરતું ન હોવું જોઈએ અને તેમાં સંતુલિત અને સારી રીતે સંશોધન કરાયેલું પરિપ્રેક્ષ્ય પ્રતિબિંબિત થવું જોઈએ. ગુજરાતી ઓળખ વિશે આ લેખના વિચારો ગૂંચવણભર્યા છે. તેમાં વિશ્વવ્યાપકતા અને એન્ટ્રેપ્રીન્યોરશિપ માટે ગુજરાતીઓની પ્રશંસા કરાઇ છે, છતાં તેમના પર સંકુચિતતા અને સાંસ્કૃતિક અવનતિના આક્ષેપો પણ લગાવાયા છે. આ મિશ્ર સંદેશાઓ દલીલોને મજબૂત કરવાના બદલે તેને નબળી પાડે છે.
આજે ગુજરાત ‘વધતા સાંપ્રદાયિક વિભાજન’નું પ્રતીક બની રહ્યું હોવાનું સૂચવવું તે ગેરમાર્ગે દારનારું જ નહિ મેગેઝિન દ્વારા ભૂતકાળના ખોટા નિર્ણયોનો પડઘો પાડે છે. 2000ના દાયકાની શરૂઆતમાં ‘ધ ઈકોનોમિસ્ટ’ દ્વારા ગુજરાતનું વર્ણન ઘણી વખત ‘જીનોસાઈડ-નરસંહાર’ના સ્થળ તરીકે અને મોદીનું ચિત્રણ લોકલાગણી ઉશ્કેરનારા હિન્દુ રાષ્ટ્રવાદી નેતા તરીકે કરાયું હતું. તે સમયે મેં એડિટરને ઘણા પત્રો પાઠવ્યા હતા અને આ રિપોર્ટ વિશે ‘ગુજરાત સમાચાર’ અને Asian Voiceમાં પણ પ્રસિદ્ધિ આપી હતી.
મેગેઝિનને એટલો યશ આપવો રહ્યો કે તેણે પ્રતિક્રિયા આપી હતી તેમજ ‘ધ ઈકોનોમિસ્ટ’ના સીનિયર જર્નાલિસ્ટે મારી ઓફિસની મુલાકાત લીધી હતી તેમજ પ્રગતિ અને ભૂમિગત વાસ્તવિકતાની નોંધ લીધી હતી. ઈકોનોમિસ્ટે 2010માં તેમની મુંબઈ ઓફિસના વરિષ્ઠ પત્રકારને વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં પણ મોકલ્યા હતા અને અમારા બંનેનું રોકાણ એક જ હોટેલમાં હતું. એ સંવાદદાતાએ તદ્દન અલગ ગુજરાતને નિહાળ્યું હતું, એ ગુજરાત મોટા ભાગે આંતરરાષ્ટ્રીય મીડિયા વિકૃત ચિત્રણ કરાતી રજૂઆતથી વિપરીત વિકાસ, આશાવાદ અને સહઅસ્તિત્વથી પરિપૂર્ણ હતું.
મોદીની ગતિશીલતા મંદ પડી છે?
અસામાન્યપણે, 2025ના 14 જૂન ઈસ્યુની આ જ ‘બન્યન’ કોલમમાં વડા પ્રધાન મોદી વિરુદ્ધ વધુ ટીકા કરતો મારો ચલાવાયો હતો. ‘ ફેડિંગ મોદી-મોમેન્ટમ’ એટલે કે મોદીની ગતિશિલતા મંદ પડવા વિશેના મથાળા સાથેના આ બીજા લેખમાં અગાઉના નકારાત્મક મુદ્દાઓનું પુનરાવર્તન કરાયું હતું તેમજ નવું વિશ્લેષણ રજૂ કરવાના બદલે લોકપ્રિય અને વિઝનરી નેતાને બેઈજ્જત કરવાના પ્રયાસ તરીકે વધુ લાગતું હતું. તેમાં ભારતની આર્થિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય પ્રગતિ વિશે સંક્ષિપ્ત ઉલ્લેખો સિવાય તેનો સમગ્રતયા સૂર નકારાત્મક અને ઉપેક્ષાપૂર્ણ જ હતો. આર્ટિકલમાં મોદીના નેતૃત્વ હેઠળ ભારતે જે પ્રકારે પરિવર્તન નિહાળ્યું છે, ડિજિટલ સમાવેશિતા, નિર્ણાયક વિદેશનીતિ, સશક્તિકરણ યોજનાઓ અને રાષ્ટ્રની આત્મનિર્ભરતા - આત્મવિશ્વાસ તરફના અભિગમની અવગણના જ કરાઇ છે. પ્રથમ લેખની નિકટતા સાથે આ બીજા લેખને વિચારીએ તો ગુજરાત, ભારત અને મોદી પ્રત્યે મેગેઝિનના સંપાદકીય ઈરાદા વિશે સ્વાભાવિક પ્રશ્નો ઉભા થાય છે.
વૈશ્વિક ભારતીય સમુદાય અને ખાસ કરીને ગુજરાતીઓ, ભારતની ઉદ્યોગસાહસિકતાની ભાવના અને સાંસ્કૃતિક સ્થિતિસ્થાપકતાના પ્રતીક તરીકે ઉભા રહ્યા છે. ઈસ્ટ આફ્રિકાથી યુકે, યુએસ, મિડલ ઈસ્ટ તેમજ ઓસ્ટ્રેલિયા અને કેનેડા સુધી ગુજરાતી સતત બિઝનેસ લીડર્સ, પ્રોફેશનલ્સ, અને પરોપકારીઓ તરીકે શ્રેષ્ઠતા દર્શાવતા રહ્યા છે. તેમનું યોગદાન ઈકોનોમિક્સથી પણ આગળ છે. દેવસ્થાનો, કોમ્યુનિટી સેન્ટર્સના સ્થળોની સ્થાપના તેમજ નવરાત્રિ અને દિવાળી જેવા ઉત્સવોની શાનદાર ઊજવણી થકી તેમણે ભારતીય સંસ્કૃતિનું વિદેશમાં જતન અને સંવર્ધન કર્યું છે. આ ઉપરાંત, વ્યાપક વૈશ્વિક સ્તરે ભારતીય કળા, સંગીત, યોગ ને ધ્યાન વિશે તેમના સપોર્ટે ભારતના સોફ્ટ પાવર અને આંતરરાષ્ટ્રીય છબી મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતી પ્રજા ગાઢપણે માનવતાવાદી ઉદ્દેશો-લક્ષ્યો સાથે પ્રતિબદ્ધ છે. તેઓ માત્ર ભારતમાં જ નહિ, વિશ્વના અન્ય વિસ્તારોમાં પણ રાહત-વિકાસકાર્યોના પ્રયાસોને નોંધપાત્ર સમર્થન પુરું પાડે છે.
આ જ પ્રમાણે, વડા પ્રધાન મોદીના નેતૃત્વને તેમના પ્રાદેશિક મૂળિયાં એટલે કે ગુજરાત પૂરતું મર્યાદિત ન રહેવા દેવું જોઈએ. તે સમગ્ર ભારતની મહેચ્છાઓનું પ્રતિબિંબ પાડે છે. તેમની નેતાગીરી હેઠળ ભારતે વિક્રમજનક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ડિજિટલ ઈનોવેશન અને બિઝનેસ કરવાની સરળતામાં વૃદ્ધિને નિહાળી છે. 2016ના ઉરી ત્રાસવાદી હુમલા સામે નિર્ણાયક પ્રતિક્રિયા, આ પછી કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક્સ નવા વળાંક સમાન હતી જેનાથી ઉશ્કેરણીને સહન કરી લેવાની અનિચ્છા ધરાવતા નવા અને આત્મવિશ્વાસી ભારતની છબી ઉપસી. આ ઉપરાંત, તાજેતરના ઓપરેશન સિંદૂરથી આત્મવિશ્વાસી અને સક્રિય વૈશ્વિક ખેલાડી તરીકે ભારતનો દરજ્જો વધૂ મજબૂત બન્યો છે. મોદીએ વિશ્વતખતા પર ભારતના સ્થાનની નવી વ્યાખ્યા રજૂ કરી છે. ભારત માત્ર ઉભરતું અર્થતંત્ર નથી, પરંતુ નિર્ભય, અને અતિ સક્રિય દેશ છે. તેઓ સાવચેતીપૂર્ણ પ્રાદેશિક ખેલાડીમાંથી સત્તા, મૂલ્યો અને ગૌરવના સાર્વભૌમ અવાજ સ્વરૂપે ભારતના રૂપાંતરનું પ્રતિનિધિત્વ કરે છે. મોદીને માત્ર ગુજરાતની આડપેદાશ તરીકે નિહાળવા અથવા ગુજરાતી યોગદાનોને અલગ તરીકે નિહાળવા તે વિવિધતામાં એકતા અને વિશ્વતખતા પર તેની વધી રહેલી મજબૂત ભૂમિકાના વિશાળ ચિત્રને નજરઅંદાજ કરવા સમાન છે.
આ લેખ તેના ઈરાદામાં જ વિરોધાભાસ દર્શાવે છે. એક તરફ, તથ્યહીન અને ગેરમાર્ગે દોરનારી ટીકાઓ છે તો બીજી તરફ, દાઝેલા મનથી વિકાસની પ્રશંસા છે. આ મુદ્દાઓ પરત્વે ‘ધ ઈકોનોમિસ્ટ’ના ભૂતકાલીન સહભાગિતા તેમજ ગહન ચિંતન-મનનના તેના આગવા ઈતિહાસને ધ્યાનમાં લેતા આવા જરીપુરાણા સ્ટિરીયોટાઈપ્સ તરફ પાછાં વળવાનું ખરેખર દિલ તોડનારું છે. મેગેઝિને તેના પ્રસ્થાપિત સિદ્ધાંતો, હકીકતો પ્રતિ આદર, બૌદ્ધિક પ્રામાણિકતા અને નિષ્પક્ષ રિપોર્ટિંગને જાળવવાં જ જોઈએ. વિલ્સન અને બેગહોટની વિરાસતને આનાથી ઓછું કશું નહિ ખપે.
ધ્રુવીકરણયુક્ત મીડિયા અને વધુપડતા સરળ નેરેટિવ્ઝ-કથાનકોના આ યુગમાં ‘ધ ઈકોનોમિસ્ટ’એ વિચારપૂર્ણ અને સંતુલિત જર્નાલિઝમની દીવાદાંડી બની રહેવું જોઈએ. નરેન્દ્ર મોદી હવે માત્ર નામ નથી, તેઓ બ્રાન્ડ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે, રાષ્ટ્રના નોંધપાત્ર રૂપાંતરનું પ્રતીક છે. આ સમયે મને ‘ધ ઈકોનોમિસ્ટ’ના ડિસેમ્બર 2015 અંકના વિસ્તૃત ફીચર ‘ધ ગુજરાતી વેઃ ગોઈંગ ગ્લોબલ’ની યાદ આવી રહી છે. તેમાં ગુજરાતીઓના વૈશ્વિક પ્રભાવનું ઊંડાઈ અને કદર સાથે ચિત્રણ કરાયું હતું. તેમના તાજેતરના આર્ટિકલમાં ગુજરાત અને ગુજરાતીઓ માટેના સૂરમાં આ બદલાવ શાથી આવ્યો હશે તેનું આશ્ચર્ય અવશ્ય થાય છે.
‘ધ ઈકોનોમિસ્ટ’ સારી રીતે સમજે છે કે ભારતીય ડાયસ્પોરા એજ્યુકેશન, અન્ટ્રેપ્રીન્યોરશિપ અને મુખ્ય પ્રવાહના સમાજમાં ઓતપ્રોત થવાને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત, તેઓ કાયદાપાલક નાગરિકો છૈ જેઓ પોતાનું ઘર કહી શકે તેવા દેશોને સક્રિય યોગદાન આપતા રહે છે. આપણે ભારતની સમૃદ્ધ વૈવિધ્યતાની ઊજવણી કરીએ, ગુજરાત અને તેના લોકોએ વિશ્વભરમાં પ્રચંડ યોગદાન કર્યું છે તેની કદર કરીએ તેમજ આ મહાન રાષ્ટ્રની ઉભરતી વિકાસકથાને ચોકસાઈ, પ્રામાણિકતા, સહજતા અને સંસ્કારિતા સાથે સહભાગી બનાવવાનું ચાલુ રાખીએ!


comments powered by Disqus