સર કેર સ્ટાર્મરની સરકાર સત્તામાં આવી ત્યારથી એક સાંધતાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં સપડાઇ રહી છે. વડાપ્રધાન અને તેમના ચાન્સેલર રેચલ રીવ્ઝ દ્વારા લેવાયેલાં તમામ પગલાં બૂમરેંગ પૂરવાર થઇ રહ્યાં છે જેના પગલે તેમને નિર્ણયો ઉલટાવવાની ફરજ પડી રહી છે. વિન્ટર ફ્યુઅલ બેનિફિટ્સના મામલામાં તો સરકારની એવી ફજેતી થઇ કે તેને નિર્ણય ઉલટાવી નાખવાની ફરજ પડી છે.
આવી જ સ્થિતિ નોન ડોમ્સની વિશ્વવ્યાપી સંપત્તિ પર ઇનહેરિટન્સ ટેક્સ નાખવાના નિર્ણયની પણ છે. એવું નથી કે અગાઉની કન્ઝર્વેટિવ સરકારોએ પણ નોન ડોમ્સ પર તરાપ મારવાનો પ્રયાસ કર્યો નથી. 2017માં કન્ઝર્વેટિવ ચાન્સેલર જ્યોર્જ ઓસબોર્ને નોન ડોમ્સ માટેના નિયમો આકરાં બનાવ્યાં હતાં. તેમના અનુગામી બનેલા જેરેમી હન્ટે પણ એપ્રિલ 2025થી નોન ડોમ રિજિમ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. લેબર સરકારે પણ સત્તામાં આવ્યાના તુરંત બાદ 200 વર્ષ જૂની નોન ડોમ રિજિમ પર તરાપ મારી દીધી હતી પરંતુ તેના વરવા પરિણામ જોવા મળી રહ્યાં છે.
જેના પગલે નોન ડોમ સ્ટેટસ ધરાવતા અમીરોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. હજારો મિલિયોનર્સ બ્રિટનને અલવિદા કહી ઓછા કરવેરા ધરાવતા દેશોમાં સ્થળાંતર કરી ગયાં છે અને આગામી સમયમાં કેટલાં સ્થળાંતર કરશે તેનો અંદાજ માંડવો મુશ્કેલ છે.
હવે રિફોર્મ યુકેના નાઇજલ ફરાજ પણ નોન ડોમ માટે રોબિન હૂડ સ્ટાઇલની ટેક્સ પોલિસી લાવવાની વાતો કરી રહ્યાં છે. તેમની પ્રસ્તાવિત પોલિસી અંતર્ગત જે નોન ડોમ ટેક્સમાંથી બચવા માગતા હશે તેમણે 2,50,000 પાઉન્ડ ફી ચૂકવવી પડશે. એકવાર આ ફી ચૂકવનારને બ્રિટાનિયા કાર્ડ અપાશે જે મેળવ્યા પછી નોન ડોમને વિદેશી આવક પર કોઇ પ્રકારનો ટેક્સ ચૂકવવો નહીં પડે. ફરાજની આ યોજનાએ લેબર સરકારમાં ગભરાટ ફેલાવ્યો છે કારણ કે આજે લોકપ્રિયતાના મામલે ફરાજની પાર્ટી ટોચ પર છે અને જો હાલ ચૂંટણી યોજાય તો ફરાજની પાર્ટી સત્તા હાંસલ કરી શકે છે. આવી સ્થિતિમાં રેચલ રીવ્ઝને પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરવાની ફરજ પડી રહી છે. સત્તા અને અર્થતંત્રને બચાવવા રીવ્ઝે ફરી એકવાર ગુલાંટ મારવી જ પડશે.