ત્રિપુરા ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય

Wednesday 25th June 2025 08:08 EDT
 
 

ત્રિપુરા સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે અગરતલામાં એક કાર્યક્રમમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પહેલા મિઝોરમ અને ગોવાએ રાષ્ટ્રીય સ્તરે નક્કી કરાયેલા 95% સાક્ષરતા ધોરણોને પાર પાડ્યા છે.

• પાન સાથે આધાર લિન્ક જરૂરીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે 1 જુલાઈથી નવા પાન કાર્ડ માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કર્યું છે. જેથી હવે કોઈપણ કરદાતા પોતાના પાન અને આધાર કાર્ડ લિન્ક નહીં હોય તો રિટર્ન ફાઈલ કરી શકશે નહીં.

• ટેસ્લાની જુલાઈમાં ભારતમાં એન્ટ્રીઃ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા જુલાઈમાં ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. મધ્ય જુલાઈ સુધી મુંબઈમાં પ્રથમ શોરૂમ ખોલવામાં આવી શકે છે, જે બાદ દિલ્હીમાં શોરૂમ ખોલાશે. ટેસ્લાએ ચીનના પ્લાન્ટમાં બનેલી મોડલ 'વાઇ' કારોને ભારત મોકલી છે.

• આખું યુક્રેન રશિયાનું છેઃ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનની જમીનનાં એક મોટા હિસ્સા પર કબજો જમાવેલો છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચોંકાવનારું નિવેદન કરી કહ્યું છે કે, આખું યુક્રેન રશિયાનું છે.

• જસ્ટિસ વર્માના સ્ટાફે સળગેલી રોકડ સગેવગે કરીઃ જસ્ટિસ યશવંત વર્માની તપાસ માટે નિર્મિત ત્રણ સભ્યોની સમિતિના રિપોર્ટ પ્રમાણે સ્ટોર રૂમમાં સળગેલી અને અડધી બળેલી કરન્સી તેમના અંગત સ્ટાફ દ્વારા સગેવગે કરવામાં આવી હતી.

• ઓમાન ઇન્કમટેક્સ લાગુ કરનારો ખાડીનો પહેલો દેશઃ ક્રૂડની નિકાસ મારફતે થતી આવક પર નિર્ભરતાને ઘટાડવા ઓમાન આવકવેરો લાગુ કરનારો પહેલો ખાડી દેશ બનશે. શાહી હુકમનામું દ્વારા જારી કરાયેલા આ ગલ્ફ કો.ઓપરેશન કાઉન્સિલના 6 સભ્યોએ જાહેર કરેલો આ પહેલો નિર્ણય છે.


comments powered by Disqus