વડોદરાઃ ટેક મહિન્દ્રાના કન્ટ્રી હેડ અમિત ગુપ્તાને કતારના દોહામાં ઝડપી લેવાતાં મામલો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો છે. અમિત ગુપ્તાને 80 દિવસથી કતાર સ્ટેટ સિક્યોરિટીએ ઝડપી અંધારી કોટડીમાં કેદ કર્યા છે. એમની પર લાગેલા આરોપ અંગે પણ સ્થાનિક સત્તાવાળાઓ સ્પષ્ટતા કરતા નથી અને પત્ની તેમજ બાળકોને મળવા પણ ન દેતા હોવાથી વડાપ્રધાન કાર્યાલય, વિદેશમંત્રી સહિત લોકસભા અધ્યક્ષને આ મામલામાં મધ્યસ્થી કરવા રજૂઆત કરાઈ છે.
અમિત 1 જાન્યુઆરીએ પરિવાર સાથે કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કતાર સ્ટેટ સિક્યોરિટીએ એમની કોઈપણ કારણ આપ્યા વિના ધરપકડ કરી હતી. ત્યાં સુધી કે કતાર પહોંચેલા તેનાં માતા-પિતાને મળવાની પણ છૂટ અપાઈ નથી.
ટેન્ડર પ્રકિયામાં નાણાકીય વ્યવહારનો આરોપ
કતાર દ્વારા અમિત ગુપ્તા પર લાગેલા આરોપ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ કંપની વતી થયેલી ટેન્ડરની પ્રક્રિયામાં નાણાકીય વ્યવહાર થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. જો કે આગળની કાર્યવાહી કે આરોપને લગતા પુરાવા અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.