જ્યારે પણ મુશ્કેલી ગંભીર બની છે ત્યારે ભારતે આર્થિક સુધારાનો વિકલ્પ અપનાવ્યો છે. 1991માં ભારતીય અર્થતંત્ર ગંભીર મુશ્કેલીમાં મૂકાયું ત્યારે સ્વ. ડો. મનમોહનસિંહના માર્ગદર્શન હેઠળ ભારતીય બજારોને ખુલ્લાં મૂકી દેવાયાં હતાં. આટલા વર્ષો બાદ 2025માં ફરી એકવાર ભારત માટે પસંદગી કરવાનો પડકાર આવ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી એપ્રિલના રોજ ટિટ ફોર ટેટ ટેરિફ જાહેર કરે તેવી સંભાવના છે જેમાં ભારતીય ઉત્પાદનો પર પણ ઊંચો ટેરિફ લદાય તેવી સંભાવના છે.
તેથી અહીં મહત્વનો સવાલ એ છે કે પોતાના અર્થતંત્રને વધુ ખુલ્લું કરવાની આ મોટી તકને ઝડપી લઇને વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર સંરક્ષણવાદનો ત્યાગ કરશે? 3 દાયકા અગાઉની જેમ ભારત ફરી તકનો સદ્દુપયોગ કરી લેશે?
ટ્રમ્પ વારંવાર કહી રહ્યાં છે કે ભારત ટેરિફ કિંગછે અને દ્વિપક્ષીય વેપાર સંબંધોનો સૌથી વધુ દુરુપયોગ કરનારો દેશ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના આંકડા પણ ટ્રમ્પના આ આરોપને સમર્થન આપે છે. આયાતો પરના સરેરાશ ટેરિફની વાત કરીએ તો અમેરિકામાં 2.2 ટકા, ચીનમાં 3.0 ટકા અને જાપાનમાં 1.7 ટકા જકાત જ વસૂલાય છે જેની સામે ભારતમાં આયાતો પરની સરેરાશ જકાત 12 ટકા પર પહોંચી જાય છે.
હકીકત એ પણ છે કે ઊંચી જકાતોના કારણે ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારોની સ્પર્ધામાં ટકી શક્તી નથી. એટલું જ નહીં વિદેશી ગ્રાહકોની સરખામણીમાં ભારતીયોને આયાતી માલસામાન માટે વધુ નાણા ખર્ચવા પડે છે. અર્થતંત્રની દ્રષ્ટિએ વાત કરે તો સર્વિસ સેક્ટરના કારણે ભારતની નિકાસોમાં વધારો તો થઇ રહ્યો છે પરંતુ ભારતની વેપાર ખાધ ઘણી વિકરાળ છે. તેનું કારણ એ છે કે વૈશ્વિક નિકાસોમાં ભારતીય ઉત્પાદનોનો હિસ્સો 1.5 ટકા જેટલો નજીવો છે. તેના કારણે ભારતીય અર્થતંત્ર સામેના પડકારોના સંદર્ભમાં તાકિદે પગલાં આવશ્યક બની જાય છે.
હાલ સવાલ એ છે કે ટ્રમ્પનું ટેરિફ વોર ભારતને વધુ મુક્ત બજારની ફરજ પાડશે કે તેના સંરક્ષણવાદને વધુ બમણો બનાવી દેશે? અત્યાર સુધી સંરક્ષણાત્મક વલણના કારણે ટીકાપાત્ર બની રહેલી નરેન્દ્ર મોદી સરકાર હવે તેના ગિયર બદલી રહી હોવાના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. મોદીની અમેરિકા મુલાકાત પહેલાં ભારતે કેટલાક અમેરિકી ઉત્પાદનો પરના ટેરિફમાં ઘટાડો કર્યો હતો.
બીજી એપ્રિલે ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર વળતો ટેરિફ નાખવામાં આવશે તો ભારતને પ્રતિ વર્ષ 7 બિલિયન ડોલરનું નુકસાન થઇ શકે છે. ટ્રમ્પના ટેરિફના કારણે ભારતના મેટલ્સ, કેમિકલ્સ, જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઇલ્સ અને ફૂડપ્રોડક્ટ્સ જેવા સેક્ટરોને અસર થઇ શકે છે.
ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે છેલ્લા એક દાયકાથી મોદી સરકાર દ્વારા અપનાવાઇ રહેલી સંરક્ષણવાદી નીતિઓના કારણે મેન્યુફેક્ચરિંગ અને નિકાસોને વેગ આપવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ઊંચા ટેરિફને કારણે ભારતીય ઉદ્યોગજગતના ઘણા સેક્ટરમાં સંરક્ષણવાદને પ્રોત્સાહિત કર્યો છે તેથી મૂડીરોકાણમાં ઘટાડો થઇ રહ્યો છે. તેમનું માનવું છે કે જો ભારતમાં ઔદ્યોગિક સંતુલન જાળવવું હોય તો વૈશ્વિક વેપારમાં ભારતની હિસ્સેદારી વધારવા આયાતો પરની ટેરિફને ઘટાડવી જ પડશે. ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારાના પગલાંની સામે ભારત સરકાર પણ ટેરિફ વધારશે તો તે ભારતીય ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક પૂરવાર થઇ શકે છે. તેનો સીધો અર્થ એ થયો કે ભારતે તેની નિકાસોમાં વધારો કરવો જ પડશે. જેવા સાથે તેવાની ટેક્સ નીતિથી ભારતને કોઇ મદદ મળશે નહીં. ચીન આવું કરી શકે છે કારણ કે તેની નિકાસો પ્રચંડ છે. ભારત માટે તે શક્ય નથી.