સમાજને એકસંપ કરવા અને સનાતનનો ધ્વજ લહેરાતો રહે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 51મા અધ્યાયનું આયોજન કરાયું. જે અંતર્ગત પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના નેતૃત્વમાં સનાતન અગ્રણી શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ યુકે, હોળીના તહેવાર અને તેના મહાત્મ્ય અંગે ચર્ચા ચાલી હતી. કાર્યક્રમનું સંચાલન કરતાં કોકિલાબહેન પટેલે કહ્યું કે, આજે દેશની સાથે સમગ્ર વિશ્વમાં હોળીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. વેમ્બ્લીના શિરમોરસમા શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટનું સનાતન મંદિરમાં પણ હજારો લોકો ઊમટ્યા છે, જ્યાં હોળિકાદહનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વલ્લભનિધિ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્રભાઈ ઠકરાર આજે ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે.
નરેન્દ્રભાઈ શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટની સ્થાપના કેવી રીતે અને ક્યારે થઈ?
નરેન્દ્રભાઈઃ સૌપ્રથમ આપ સર્વેને હોળીના ખૂબખૂબ અભિનંદન. સનાતન હિન્દુ મંદિર માટે સી.બી. પટેલ નવા નથી. 1978-79માં ચર્ચ આપણે વેચાતું લીધું ત્યારથી તેઓ આ સંસ્થા સાથે વણાયેલા છે. હું 2008માં પ્રેસિડેન્ટ પદે જોડાયો. આ ચર્ચમાં આપણે બે મંદિર બનાવ્યાં - શ્રીનાથજી અને સનાતન મંદિર. સૌપ્રથમ કૃષ્ણશંકર શાસ્ત્રી- દાદાજી આપણા પ્રથમ પ્રેસિડેન્ટ હતા., શ્રી વલ્લભનિધિ નામ પણ તેમના દ્વારા જ આપવામાં આવ્યું છે.
મંદિરનું ઉદઘાટન કર્યું ત્યારે ઇન્દિરાબેટીજીને આમંત્રણ અપાયું હતું. એમના થકી આપણે કથા ઉપરાંત શ્રીનાથજીની સ્થાપના કરી હતી. બસ ત્યારથી તેનું નામ શ્રીનાથજી સનાતન મંદિર છે. આગળ જતાં 1992માં વેમ્બ્લીમાં 1.9 મિલિયન પાઉન્ડમાં જમીન લીધી, જેમાં એપ્લિકેશન કરી મંજૂરી મેળવી હતી. આગળ જતાં નાણાકીય તકલીફ થતાં રામબાપા, પ્રમોદભાઈ પટેલ, નલિનીકાંત પંડ્યા, હરિભાઈ સામાણી, છોટુભાઈ સોની અને પ્રાણલાલ શેઠ સહિતના શ્રદ્ધાળુઓએ કથા યોજીને ભંડોળ ઊભું કર્યું હતું. એ સમયે આપણા મંદિરને તે નાણાંની ખૂબ જરૂર હતી. આ સમયે 4થી 5 ટ્રસ્ટીઓએ નક્કી કર્યું હતું કે આપણે 8થી 10 ઓર્ગેનાઇઝેશનને સિલેક્ટ કરી 5 હજારથી 25 હજાર પાઉન્ડનું ડોનેશન કરીએ. આમ રામબાપા સહિત બે-ત્રણ વ્યક્તિની ઇચ્છા હતી કે આપણે મંદિર બાંધવું છે તો વધારેમાં વધારે પૈસા સનાતન મંદિરમાં જાય તો સારું, આમ પ્રથમ દાન તે લોકો દ્વારા 2 લાખ પાઉન્ડનું આપવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના પ્રથમ પ્રેસિડેન્ટ કૃષ્ણશંકર શાસ્ત્રી- દાદાજી રિટાયર્ડ થયા બાદ મહત્ત્વના ગણાતા રમણભાઈ પટેલ પ્રેસિડેન્ટ પદે આવ્યા. તેમણે આ માટે ખાસ ભારતની મુલાકાત લઈ 30થી 40 મંદિરની મુલાકાત લીધી તે તમામ મંદિરથી જુદાજુદા કોતરકામ-મૂર્તિઓ સહિતના આઇડિયા લઈ નક્કી કર્યું કે કઈ પ્રકારનું સનાતન મંદિર ઊભું કરવું જોઈએ. આ સમયે સી.બી. પટેલ અમારી સાથે ખભેખભો મેળવીને ઊભા રહ્યા હતા, જે અમે ભૂલી ન શકીએ.
મંદિરના નિર્માણકાર્ય માટે અમે ભારતથી 80થી 100 માણસ લાવ્યા હતા, જેમણે પાયો નાખ્યો. આ સમયે રામબાપા, હરિભાઈ સામાણી અને સી.બી. પટેલ સહિતના દિગ્ગજ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. આપણે ભૂલવું ન જોઈએ કે દાદાજીએ આપણને 14થી 15 એકર જગ્યા નિઃશુલ્ક આપી, જેનો સનાતન હિન્દુ મંદિરે ઉપયોગ કરી ત્યાં ઓફિસ, શેડ બાંધવા ઉપરાંત 400 માણસોના રહેવાની સગવડ કરી છે. મોરારિબાપુ અને રમેશભાઈ ઓઝાએ પણ કહ્યું છે કે અહીં જેવું સિસ્ટેમેટિક મંદિર આપ દ્વારા બનાવાયું છે, તેવું ભારતમાં પણ નથી.
2004માં રમણભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ હરિશભાઈ રુઘાણી આવ્યા, તેમણે પણ 4થી 5 વર્ષ સુધી ખૂબ મહેનત કરી. જો કે 2008માં તેમની પણ તબિયત બગડી અને તેઓ પરલોક સિધાવ્યા. 2006માં હું ટ્રસ્ટી તરીકે જોડાયો અને 2008માં મને ચેરમેનશિપ માટે કહેવામાં આવ્ય અને મેં વગર વિચાર્યે હા પાડી દીધી.
મેં મારો કાર્યકાળ શરૂ કર્યો તે નાણાકીય રીતે ખૂબ કપરો કાળ હતો. બેન્ક એકાઉન્ટ ક્લોઝ થયાં હતાં. આ સમયે ઘણાબધા હિતેચ્છુઓ અને દાતાઓએ મારો મદદ કરવા માટે સંપર્ક કર્યો હતો. પ્રથમ વર્ષે આપણે 2 મિલિયન પાઉન્ડ એકત્ર કરી લીધા હતા અને સમયાંતરે અન્ય રકમ એકત્ર કરીને 2 વર્ષમાં મંદિરનું કામ પૂર્ણ કર્યું. આમ મે 2010માં અમે ધામધૂમથી મંદિરનું લોકાર્પણ કર્યું.
નરેન્દ્રભાઈ ઠકરાર દ્વારા મંદિરના પાયાથી શિખરની કહાણી જાણ્યા બાદ મીનાબહેન ત્રિવેદી દ્વારા હોળી ગીતોનો આસ્વાદ કરાવાયો હતો. આ પછી મિહિરભાઈ કિરીટકુમાર પટેલે મંદિર સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો કરી હતી.
મિહિરભાઈઃ સનાતન ધર્મ - ટ્રસ્ટની વાત કરીએ તો મનુભાઈ માધવાણીને કેમ ભુલાય? તેમના વિના સમગ્ર યુકેમાં કોઈ ધાર્મિક કાર્ય સંભવ જ નહોતું. જેમાં રમેશભાઈ પટેલ – ગુણિયા, જશવંત નાકર અને નાકર પરિવાર પણ આવે છે.
લેટનસ્ટોનમાં મંદિરનું નિર્માણ થયું હતું ત્યારે તમામ પુષ્ટિમાર્ગીય મહારાજે કહ્યું હતું કે, શ્રીજીબાવાની સમુદ્રપાર પ્રાણપ્રતિષ્ઠા અમારા સંપ્રદાયની વિરુદ્ધ છે. આ સમયે જીજીએ આવી નંદાલયમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ સમયે 1997માં જશવંતભાઈ - સુશીલાબહેન સહિત નાકર પરિવારે 11 હજાર પાઉન્ડની સેવા કરી હતી. આમ ફૂલની પાંખડીઓથી લેટનસ્ટોન મંદિરનું નિર્માણ થયું છે. શ્રી વલ્લભનિધિ યુકે એટલે કૃષ્ણશંકર શાસ્ત્રી-દાદાજીના પ્રયાસોથી સનાતન મંદિર ઊભું થયું હતું, જેને સનાતનધર્મીઓ માટે ખૂબ સારું કાર્ય ગણી શકાય.
આ પ્રસંગે બ્રાઇટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના પૂર્વ પ્રમુખ અને સક્રિય કાર્યકર તથા એનસીજીઓના કમિટી મેમ્બર ધીરુભાઈ ગઢવીએ હોળી અને તેનું મહાત્મ્ય રજૂ કર્યું હતું.
ધીરુભાઈ ગઢવીઃ હોળીનો પ્રસંગ ઊજવવાની અનેક માન્યતા છે, જેમાંથી એક ફાગણ છે. અન્ય માન્યતામાં કૃષ્ણ અને રાધાનો રાસ અને સૌથી ખાસ માન્યતા બ્રહ્માજીને પ્રસન્ન કરી ‘હું દિવસે પણ ન મરું અને રાત્રે પણ ન મરું, હું માણસથી ન મરું અને જાનવરથી ન મરું, હું બહાર ન મરું અને અંદર ન મરું, હું લીલે ન મરું અને સૂકે પણ ન મરું, હું કોઈ હથિયારથી પણ ન મરું’નું વરદાન પ્રાપ્ત કરનારા હિરણ્યકશિપુની છે.
ભગવાન વિષ્ણુનું નામ કોઈને પણ ન લેવા દેતા હિરણ્યકશિપુના ઘરે સમય જતાં પ્રહલાદ નામના પુત્રનો જન્મ થાય છે, જે ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે. હિરણ્યકશિપુની બહેન હોળિકાને વરદાન હતું કે, ‘તને અગ્નિ સ્પર્શ ન કરી શકે.’ પ્રહલાદને અનેક વખત ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા ઇનકાર કર્યા બાદ આખરે હિરણ્યકશિપુએ હોળિકાને હુકમ કર્યો કે તું પ્રહલાદને તારા ખોળામાં લઈ અગ્નિમાં બેસ. જો કે હોળિકા એ વસ્તુ ભૂલી ગઈ કે તે એકલી બેસે તો જ તેને અગ્નિ સ્પર્શ ન કરી શકે. આમ પ્રહલાદની સાથે હોળિકા અગ્નિમાં બેઠી, પરંતુ તેનું જ દહન થયું, જ્યારે વિષ્ણુભક્ત પ્રહલાદને ઊની આંચ ન આવી. આ પ્રસંગના ભાગરૂપે પણ આપણે હોળીની ઉજવણી કરીએ છીએ. દક્ષિણ ભારતમાં અન્ય એક માન્યતા પણ છે. ભગવાન શિવે કામદેવનો વધ કરી ભસ્મીભૂત કર્યા હતા.
પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કાર્યક્રમના અંતે આભારવિધિ કરતાં જૂના દિવસો યાદ કરતાં કહ્યું કે, આજે આપણે સુંદર રીતે શ્રીવલ્લભનિધિ ટ્રસ્ટ યુકેની વાત કરી, પ્રહલાદ અને હોળીના મહત્ત્વની પણ સુંદર ચર્ચા થઈ. શાસ્ત્રોમાં ભક્તિ-શ્રદ્ધા-સમર્પણની વાત કરીએ તો બાળ પ્રહલાદનું નામ પ્રથમ આવે. શ્રી વલ્લભનિધિ યુકેની ગૌરવગાથા ખૂબ પ્રબળ છે. 1974માં વૈષ્ણવ સંપ્રદાયનો લોટી મહોત્સવ યોજાયો હતો, જેનું આયોજન શાંતાબહેન મૂળજીભાઈ પટેલે કર્યું હતું, જેમાં પરમપૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી-દાદાજી પધાર્યા હતા અને એ જમાનામાં બહુ રંગેચંગે તે ઉત્સવ થયો. બીજા દિવસે મીટિંગ હોલમાં રામબાપા, શાસ્ત્રીજી મહારાજ, રસિકાબહેન પટેલ, હરિભાઈ સામાણી સહિતના લોકો હાજર હતા. તે વેળા કૃષ્ણશંકરદાદાએ સંકલ્પ લેતાં કહ્યું કે, વહેલા-મોડા લંડનમાં કંઈ ધર્મસ્થળ હોવું જ જોઈએ. સી.બી. પટેલે કહ્યું કે, જો આજે વલ્લભનિધિ મંદિર હોય તો તેમાં તમારો અને તમારા પરિવારનો સૌથી મોટો ફાળો છે. ગોકળ પરિવારે આપણને બિનશરતી બે મિલિયન પાઉન્ડ આપ્યા છે, પ્રદીપભાઈ ધામેચાનું નામ, આવડત અને પ્રભાવ એ પણ વલ્લભનિધિનું એક મજબૂત પાસું છે. આ સિવાય રમેશભાઈ પટેલ, રામબાપા, રમેશભાઈ ઓઝા, સચ્ચિદાનંદ સ્વામી સામે આવ્યા અને અનેક રીતે વલ્લભનિધિ મંદિરના નિર્માણમાં મદદ કરી છે.