વોશિંગ્ટનઃ અમેરિકાએ મંગળવારે એક મોટું એલાન કરતાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન સાથે અનેક મહત્ત્વના મુદ્દે સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. આ સમજૂતી બાદ હવે બ્લેક-સી વિસ્તારમાં સીઝફાયર લાગુ થશે અને યુક્રેનમાં ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલા પણ બંધ થઈ જશે. આ સમજૂતી પહેલાં સાઉદી અરબમાં રશિયા-અમેરિકામાં અનેક તબક્કા પર ચર્ચા થઈ હતી, જે દરમિયાન ટ્રમ્પ અને પુતિને પણ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.
આ ઐતિહાસિક કરાર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વીડિયો મીટિંગ બાદ થયા છે. વ્હાઇટ હાઉસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, અમેરિકા અને ટ્રમ્પ ઇચ્છી રહ્યાં છે કે રશિયા અને યુક્રેન સંઘર્ષમાં બંને પક્ષોની હત્યા બંધ થવી જોઈએ, કારણ કે એક સ્થાયી શાંતિ સમજૂતીની દિશામાં આ એક હરણફાળ છે.
રશિયાને ગ્લોબલ માર્કેટમાં અમેરિકા મદદ કરશે
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા હવે રશિયાને વૈશ્વિક કૃષિ અને ફર્ટિલાઇઝર માર્કેટમાં ફરી સ્થાપિત કરવામાં મદદ કરશે અને સ્થાયી શાંતિચર્ચાને પણ પ્રોત્સાહિત કરશે. આ સમજૂતી તે ચર્ચાઓનું પરિણામ છે, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થયા છે.