ચાન્સેલર રેચલ રીવ્ઝ બુધવારે સ્પ્રિંગ સ્ટેટમેન્ટ રજૂ કરે તે પહેલાં જ સરકાર દ્વારા બેનિફિટ્સ અને કલ્યાણ યોજનાઓમાં 5 બિલિયન પાઉન્ડના કાપની જાહેરાત થઇ ચૂકી છે. ટ્રેઝરી દ્વારા સરકારી વિભાગો અને સ્થાનિક સત્તામંડળોને પણ સંકેત આપી દેવાયો છે કે તેમને થતી રોકડ ફાળવણીઓમાં 5.8 ટકાનો સીધો કાપ આવી શકે છે. તેવી જ રીતે સરકારના ખર્ચમાં 11.3 ટકા જેટલો મહાકાય કાપ પણ સંભવિત બની શકે છે. અર્થતંત્રની સ્થિતિ જોતાં ચાન્સેલરે ખરાબ અને બદતર એમ બે વિકલ્પમાંથી જ પસંદગી કરવાની હોવાથી ખર્ચામાં કાપ મૂક્યા વિના આરો પણ નથી. તેથી જ હવે લેબર સરકારની છાપ કરકસર કરતી સરકાર તરીકે ઉભરી રહી છે.
જોકે રીવ્ઝ અને તેમના સલાહકારો કરકસરની સરકારના લેબલને નકારી રહ્યાં છે. બજેટનો હવાલો આપતાં તેઓ કહે છે કે તેમણે પ્રતિ દિવસ ખર્ચ 190 બિલિયન પાઉન્ડ અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં 100 બિલિયન પાઉન્ડ સુધીનો વધારો કર્યો છે.
એ વાતમાં કોઇ શંકા નથી કે રીવ્ઝની નીતિઓને 10 ડાઉનિંગ સ્ટ્રીટનું સંપુર્ણ સમર્થન છે. તેમ છતાં એક મહત્વનો સવાલ એ છે કે જુલાઇ 2024માં સત્તામાં આવ્યા પછી ચાન્સેલર રેચલ રીવ્ઝે જનતા માટે શું કર્યું. રીવ્ઝના પ્રથમ બજેટમાં જ જનતા પર 41.5 બિલિયન પાઉન્ડના કરવેરાનો બોજ લાદી દેવાયો હતો. રીવ્ઝ લઘુત્તમ વેતન 12.21 પાઉન્ડ પ્રતિ કલાક કરવા, એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા, પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે બ્રેકફાસ્ટ જેવાં પગલાંની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેમનો અભિગમ હંમેશા સુરક્ષિત અર્થતંત્ર તરફનો રહ્યો છે.
આવા અભિગમ છતાં રીવ્ઝ સામેના પડકારોનો અંત આવ્યો નથી. ઇન્કમ ટેક્સ અને નેશનલ ઇન્શ્યુરન્સ અથવા વેટ પર ટેક્સ લોકથી એવી આશા હતી કે અર્થતંત્રની ગાડી વિકાસના પાટા પર દોડવાનું શરૂ કરશે. પરંતુ તેના ધાર્યા પરિણામ મેળવી શકાયા નથી. લેબર સરકાર સત્તામાં આવી ત્યાર પછીના 7માંથી 4 મહિનામાં જીડીપી વિકાસદર ઘટ્યો હતો.
સરકારી ખર્ચમાં કાપ તેમ છતાં જાહેર સેવાઓની સાતત્યતા રીવ્ઝ સામેનો મોટો પડકાર છે. કુદરતના સરળ નિયમ પ્રમાણે તો જેટલું મોણ નાખો એટલો શીરો મીઠો બને પરંતુ ઓછા નાણામાં જાહેર વ્યવસ્થાઓની જાળવણી કરવી લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. નજર હવે સ્પ્રિંગ સ્ટેટમેન્ટ પર છે. રીવ્ઝ અર્થતંત્રને ટકાવી રાખવા કેવા પાસા નાખે છે તે જોવું રહ્યું.