લોકસભામાં ફાઇનાન્સ બિલ-2025 પાસ

Wednesday 26th March 2025 05:58 EDT
 
 

મંગળવારે લોકસભામાં ફાઇનાન્સ બિલ-2025 પાસ થઈ ગયું છે, જેને નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ સંશોધિત બિલમાં ઓનલાઇન જાહેરાત પર 6 ટકા ડિજિટલ ટેક્સ અથવા ગૂગલ ટેક્સને પૂર્ણ કરવાની પણ જોગવાઈ છે. આ સિવાય ફાઇનાન્સ બિલ-2025માં અન્ય 34 સંશોધન પણ કરવામાં આવ્યાં છે. આ બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

• ઉત્તરાખંડમાં 136 મદરેસા સીલઃ ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ રાજ્યમાં 136 મદરેસા સીલ કર્યા પછી સોમવારે આ સંસ્થાઓને મળતા ફન્ડિંગનો સ્ત્રોત તપાસવા આદેશ આપ્યો હતો. માર્ચમાં શિક્ષણ વિભાગ કે મદરેસા બોર્ડ સમક્ષ ન નોંધાયેલા મદરેસા સામે પગલાં લેવાઈ રહ્યાં છે. સરકારી અંદાજ મુજબ રાજ્યમાં 450 રજિસ્ટર્ડ મદરેસા અને લગભગ 500 જેટલી મંજૂરી વગર ચાલતા મદરેસા છે.

• બીજાપુર અને કાંકેરમાં 30 નક્સલવાદી ઠારઃ છત્તીસગઢમાં બીજાપુર અને કાંકેર ખાતે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 30થી વધુ નક્સલીને ઠાર કર્યા છે. ગુરુવારે વહેલી સવારે બીજાપુરના ગંગાલુરમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 26 નક્સલીને ઠાર કરાયા હતા, જેમાં એક જવાન શહીદ થયો હતો. તો કાંકેરમાં થયેલી અથડામણમાં 4 નક્સલી ઠાર મરાયા હતા.

• કર્ણાટકમાં મુસ્લિમ અનામત મુદ્દે સંસદમાં હંગામોઃ સંસદમાં સોમવારે કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે 4 ટકા અનામતના મુદ્દે હંગામો મચ્યો હતો. કર્ણાટક કોંગ્રેસના સાંસદ ડી.કે. શિવકુમાર દ્વારા મુસ્લિમ અનામત માટે જરૂર પડે તો બંધારણ બદલવાની વાત કરતાં મામલો ગરમાયો હતો. આ મુદ્દે ગૃહમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી અને કોંગ્રેસ પાસે તેનો જવાબ માગ્યો હતો.

• લોકસભા ચૂંટણીમાં કુલ રૂ.3,861 કરોડનો ખર્ચઃ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર પાછળ ધૂમ ખર્ચો કર્યો હતો. એક અનુમાન અનુસાર આ ચૂંટણીમાં મુખ્ય 22 પક્ષ દ્વારા લગભગ રૂ. 3861 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેમ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના એક અભ્યાસમાં અનુમાન લગાવાયું છે. રિપોર્ટ અનુસાર કેટલાક પક્ષોએ તો પોતાના ખર્ચાનો પૂરો હિસાબ આપ્યો છે પણ અનેક પક્ષ એવા પણ છે કે જેમણે હજુ સુધી જણાવ્યું નથી કે તેમણે કેટલાં નાણાંનો ખર્ચ કર્યો હતો.

• ભાજપ નેતાની હત્યા બદલ 8 CPI કાર્યકરોને આજીવન કેદઃ કેરળની કોર્ટે બે દાયકા પહેલાં ભાજપના કાર્યકરની હત્યાના કેસમાં 8 સીપીઆઇ (એમ)ના કાર્યકરોને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે દોષિતો પર રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. રાજકીય દુશ્મનાવટને કારણે 2005માં કન્નુર ભાજપના કાર્યકર ઇલમબિલાય સુરાજની હત્યા કરાઈ હતી.

• ઇઝરાયલ- હુમલાથી ગાઝામાં 50 હજારથી વધુ મોતઃ ઇઝરાયલ-હમાસ વચ્ચે છેલ્લા 17 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોનાં મોત થયાં હોવાનું પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. મંત્રાલયના નિવેદન મુજબ ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 50,021 પેલેસ્ટિનીઓનાં મોત થયાં છે અને 1,13,274 લોકો ઘવાયા છે. ઇઝરાયલ આવનારા દિવસોમાં હુમલા વધારવાની ચેતવણી પણ આપી ચૂક્યું છે.

• પાકિસ્તાન કાશ્મીર તરત જ ખાલી કરેઃ ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પાકિસ્તાને PoK ખાલી કરવું પડશે. પાકિસ્તાને PoK પર ગેરકાયદે કબજો કર્યો છે. મંગળવારે ભારતે શાંતિ જાળવણી સુધારા પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. ભારતીય રાજદૂત પાર્વથાનેની હરીશે કહ્યું હતું કે, વારંવાર ખોટી ટિપ્પણી કરવાથી પાકિસ્તાનના ગેરકાયદે દાવા સાચા નહીં થાય.

• પાક. આર્મીનું બલોચ દેખાવકારો પર ફાયરિંગઃ બલોચ આર્મી સામે લડવામાં અસમર્થ પાકિસ્તાન સૈન્યએ બદલો લેવા બલોચ દેખાવકાર મહિલા અને બાળકો પર લાઠીચાર્જ અને ફાયરિંગ કર્યું છે, જેમાં કેટલાક લોકોનાં મોત નીપજ્યાં હતાં. વધુમાં પાકિસ્તાની સૈન્યે બલોચ આંદોલનનો ચહેરો ડો. મહરંગ બલોચ સહિત સેંકડો લોકોની ધરપકડ કરી હતી.


comments powered by Disqus