તાજેતરમાં દુબઇ ખાતે આયોજિત એર શોમાં ભારત દ્વારા નિર્મિત યુદ્ધ જહાજ તેજસ ક્રેશ થતાં ભારતના સ્વદેશી યુદ્ધ વિમાનના અભિયાનને મોટો ફટકો પડ્યો છે. ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના નિર્માણના પ્રયાસ ચાલી રહ્યાં છે. ભારતનો આ યુદ્ધવિમાન પ્રોજેક્ટ મહત્વાકાંક્ષા, ટેકનોલોજિકલ પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવનો પણ પ્રતીક છે. સવાલ એ છે કે શું ભારત તેના સ્વદેશી યુદ્ધવિમાનના પ્રોજેક્ટમાં નિષ્ફળ ગયો છે. આમ તો તેજસનું પ્રોટોટાઇપ તૈયાર છે પરંતુ પ્રોજેક્ટમાં થઇ રહેલો વિલંબ અત્યંત ગંભીર છે. યુદ્ધવિમાનની ક્ષમતાઓ સાથે અત્યાર સુધી કરાયેલા સમાધાનો અને માળખાકીય પડકારોએ તેની વ્યૂહાત્મક અસરોને ઘટાડી દીધી છે. તેજસ પ્રોજેક્ટમાં એવી તો કઇ ખામીઓ રહી ગઇ છે કે જેણે ભારતની સંરક્ષણ તૈયારીઓ પર પણ ગંભીર અસરો ઊભી કરી છે. તેજસ પ્રોજેક્ટમાં સૌથી મોટી સમસ્યા તેમાં થયેલા અક્ષમ્ય વિલંબની છે. ભારતીય એરફોર્સમાં મિગ-21નું સ્થાન લે તેવા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટને વિકસાવવા વર્ષ 1983માં આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જો નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે તેજસને ડેવલપ કરી શકાયું હોત તો 1990ના મધ્યભાગમાં આ યુદ્ધવિમાન ભારતીય એરફોર્સમાં સામેલ પણ થઇ ગયું હોત. ટેકનોલોજીમાં અનુભવહિનતા, ભારતીય એરફોર્સની બદલાતી જરૂરીયાતો અને લાલફિતાશાહીના કારણે આ પ્રોજેક્ટમાં 30 વર્ષનો વિલંબ થયો અને છેક 2016માં પ્રથમ સ્ક્વોડ્રન એરફોર્સમાં સામેલ કરાઇ હતી.
તેજસ પ્રોજેક્ટમાં વિલંબમાં બીજું સૌથી મહત્વનું કારણ સ્વદેશી કાવેરી એન્જિન વિકસાવવામાં નિષ્ફળતા છે. આજે ભારતને તેજસના નિર્માણ માટે અમેરિકામાં નિર્મિત જીઇ એફ404 અને એફ414 એન્જિનો પર જ આધારિત રહેવું પડે છે. તેના કારણે આત્મનિર્ભરતાના લક્ષ્યાંકને મોટો ફટકો પડ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આજે પણ વિદેશી સપ્લાયરો પર આધારિત રહેવું પડે છે.
તે ઉપરાંત વિમાનની કામગીરીના મુદ્દે થઇ રહેલા સમાધાનો પણ પ્રોગ્રામને વધુ જટિલ બનાવી રહ્યાં છે. એરફોર્સની વધી રહેલી જરૂરીયાતોના કારણે વિમાનમાં વધારાની સિસ્ટમો ઉંમેરવામાં આવી રહી છે જેને પહોંચી વળવા માટે હાલ ઉપલબ્ધ એન્જિનો શક્તિશાળી નથી. તેના કારણે તેજસ વિમાનની ક્ષમતાઓમાં પણ ઘણી મર્યાદા આવી ગઇ છે. આજે સ્થિતિ એ છે કે સ્વદેશી યુદ્ધવિમાનના ઉત્પાદનમાં ચીન આપણા કરતાં ઘણો આગળ નીકળી ગયો છે. તેજસ પ્રોગ્રામમાં નિષ્ફળતાના કારણે જ ભારતે આજે ફ્રાન્સ, અમેરિકા અને રશિયા જેવા વિકસિત દેશો પર આધારિત રહેવું પડે છે. બીજી એક સમસ્યા તેજસની ઉત્પાદનની ગતિ પણ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ એક વર્ષમાં ફક્ત 8 તેજસ વિમાનનું ઉત્પાદન કરી શકે છે. એરફોર્સને યુદ્ધવિમાનોની તાતી જરૂરીયાત છે ત્યારે આટલી ધીમી ગતિનું ઉત્પાદન પોષાય તેમ નથી. આજે ભારતીય એરફોર્સ તેની નિર્ધારિત ક્ષમતા કરતાં ઘણી ઓછી ક્ષમતા સાથે કામ કરી રહ્યું છે. તેજસમાં વિલંબને કારણે ભારતે આયાતો પર આધારિત રહેવું પડે છે. વિલંબને કારણે વૈશ્વિક સ્તરે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માર્કેટમાં પણ ભારતની પીછેહઠ થઇ છે. દુબઇની દુર્ઘટનાએ તેજસ વિમાનની વિશ્વસનિયતા પર પ્રહાર કર્યો છે. અન્ય દેશો આ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યાં છે ત્યારે ભારત મૂલ્યવાન સમય ગુમાવી રહ્યો છે.
એવું નથી કે તેજસ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. તેજસ પ્રોજેક્ટે યુદ્ધવિમાન ઉત્પાદનમાં ભારતના દ્વાર ખોલી તો દીધાં છે પરંતુ અવરોધરૂપ સમસ્યાઓ પ્રોજેક્ટને વધુને વધુ વિલંબિત કરી રહી છે તે મોટી ચિંતાનો વિષય છે.
