ચાન્સેલર રેચલ રીવ્ઝ ઓટમ બજેટ રજૂ કરે તે પહેલાં યુકેના ઘણા શ્રીમંત દેશ છોડી અન્યત્ર સ્થાયી થવાની જાહેરાત કરી ચૂક્યાં છે. લેબર સરકાર સત્તામાં આવી ત્યારથી યુકેમાંથી હાઇ-નેટવર્થ ધરાવતા લોકોના સ્થળાંતરમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જુલાઇ 2024માં લેબર સરકાર સત્તામાં આવી ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં 2,57,000 બ્રિટિશ નાગરિકે દેશ છોડી દીધો છે. આમ તો આ પ્રવાહ વર્ષ 2021થી સતત ચાલી રહ્યો છે પરંતુ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના નવા આંકડા કહે છે કે વર્ષ 2021થી છેલ્લા 4 વર્ષમાં 9,92,000 બ્રિટિશ નાગરિક અન્ય દેશમાં સ્થળાંતર કરી ગયાં છે. હેનલી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2025 અનુસાર વર્ષ 2025માં યુકેમાંથી 16,500 મિલિયોનર્સ સ્થળાંતર કરી જશે. તેનો અર્થ એ થયો કે તેઓ તેમની સાથે 91.8 બિલિયન પાઉન્ડની અંદાજિત સંપત્તિ પણ પોતાની સાથે દેશ બહાર લઇ જશે. એકલા વર્ષ 2024ની વાત કરીએ તો 10,800 મિલિયોનર્સ યુકે છોડી ગયાં જે વર્ષ 2023ની સરખામણીમાં 157 ટકાનો વધારો દર્શાવે છે.
યુકેમાંથી ઉચાળા ભરવાની અમીરોનું આ વલણ દેશની આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓને અમીરો કેવી રીતે મૂલવે છે તેનું પ્રતિબિંબ છે. અગાઉ આ વલણ સપાટી પર દેખાતું નહોતું પરંતુ હાલ તેમાં આવેલી આક્રમકતા અને ઉગ્રતા નીતિ ઘડવૈયા, અર્થશાસ્ત્રીઓ અને બિઝનેસ લીડર્સમાં ગંભીર ચિંતા પેદા કરી રહ્યાં છે.
યુકેમાંથી અમીરોના પલાયન પાછળના સૌથી મહત્વના પરિબળોમાં જટિલ અને વિષમ કર વાતાવરણ છે. નોન-ડોમ ટેક્સ રિજિમમાં બદલાવ, ઇનહેરિટન્સ ટેક્સમાં પ્રસ્તાવિત સુધારા, પ્રસ્તાવિત મેન્શન ટેક્સ, ઊંચો આવકવેરો અને કેપિટલ ગેઇન ટેક્સ હાઇ નેટવર્થ ધરાવતા બ્રિટિશ નાગરિકોને પલાયન કરવા મજબૂર કરી રહ્યાં છે. સૌથી વધુ અસર કરતું પરિબળ સરકારની આર્થિક નીતિઓમાં વારંવાર થઇ રહેલા બદલાવ પણ છે. તાજેતરના વર્ષોમાં પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટી અને હાલમાં લેબર પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક ડખાથી સર્જાતી અનિશ્ચિતતાના કારણે અમીરો લાંબાગાળાનું આયોજન કરી જ શક્તાં નથી. બીજીતરફ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, જાહેર સેવાઓમાં ચાલી રહેલી અંધાધૂંધીથી પણ બ્રિટિશ અમીરો ઘણા પરેશાન છે. તેમનું માનવું છે કે ઊંચા કરવેરા ચૂકવ્યા બાદ પણ તેમને યોગ્ય જાહેર સેવાઓથી વંચિત રહેવું પડે છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે તેઓ અસુરક્ષાની લાગણીથી પણ પીડાઇ રહ્યાં છે. યુનિયનોના હસ્તક્ષેપ અને સરકાર દ્વારા લદાયલે એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સને કારણે તેમને હવે બ્રિટનમાં બિઝનેસ કરવો સાનુકૂળ લાગતો નથી.
તેની સામે બિઝનેસ માટે સાનુકૂળ વાતાવરણ આપતા દેશો અમીર બ્રિટિશર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. યુએઇ, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, મોનાકો, પોર્ટુગલ, અમેરિકા, ઇટાલી, માલ્ટા જેવા દેશોના ઓછા કરવેરા, સુવ્યવસ્થિત નિયમો, બિઝનેસ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ અને ઉચ્ચ જીવનધોરણ યુકેના મિલિયોનર્સને ઘણા પસંદ પડી રહ્યાં છે. આમ યુકેમાંથી અમીરોના પલાયન માટે કરવેરા, નીતિઓમાં આડેધડ પરિવર્તન, ઉચ્ચ જીવનશૈલીની ઘટતી સંભાવનાઓ, જાહેર સેવાઓમાં પ્રવતર્તી અંધાધૂંધી અને અન્ય દેશોમાં મળતા આકર્ષક વિકલ્પો જવાબદાર છે. જો ઓટમ બજેટમાં ચાન્સેલર રીવ્ઝ દ્વારા અમીરો પર વધુ કરવેરા લદાશે તો તેમના પલાયનને કોઇ ખાળી શકશે નહીં. આગામી બુધવારે રીવ્ઝના ઓટમ બજેટનો પટારો ખુલવાની સાથે બ્રિટિશ અમીરોની દિશા અને દશા બંને નક્કી થઇ જશે.
