વિશ્વનો સૌથી વિશાળ વૃધ્ધોનો વિસામો એટલે રાજકોટનું ‘વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા ભવન’

- સવિશેષ અહેવાલ - કોકિલા પટેલ Wednesday 26th November 2025 02:44 EST
 
 

આજે સર્વત્ર અશક્ત, બિમાર કે વિકલાંગ વૃધ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે એવા સમયે ગુજરાતના રાજકોટ ખાતે વિશ્વના સૌથી મોટા વૃધ્ધાશ્રમનું નિર્માણ કાર્ય શરૂ થવા જઇ રહ્યું છે. જેમાં લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ આ માનવ કલ્યાણના કાર્યમાં £૧૦ મિલિયન (રૂા. ૧૦૮ કરોડ)નું વિપુલ દાન આપ્યું છે. રાજકોટ જામનગર રોડ ઉપર સાકાર થઇ રહેલ આ વિશાળ વૃધ્ધાશ્રમના પ્રોજેક્ટનું નામ 'વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા' રાખવામાં આવશે. યુગાન્ડાથી બ્રિટન આવી સ્થાયી થયેલા ઉદ્યોગ સાહસિક નાગ્રેચા બંધુઓને સાહસે શ્રી વર્યાં હતાં. એમાં સૌથી મોટા વિનુભાઇ નાગ્રેચા એમની સજ્જનતા અને દાતારીના સંસ્કારોને કારણે સમાજમાં આદરપાત્ર બન્યા હતા.
ગયા વર્ષે ૨૨ એપ્રિલ ૨૦૨૪માં અણધારી ચિરવિદાય લઇ લેનાર મોટાભાઇ સદગત વિનુભાઇ નાગ્રેચાની સ્મૃતિમાં, યાદમાં આ ઉદાર સખાવત કરવામાં આવી છે.
ઇસ્ટ લંડનના લેટન વિસ્તારમાં વિશાળ પાયે નાગ્રેચા કેશ એન્ડ કેરીનો બીઝનેસ ધરાવનાર વિનુભાઇ નાગ્રેચાએ સમાજ અને સંસ્કૃતિના સંવર્ધન કાજે સદગત માતા પિતાને અમરત્વ મળે એવી 'હરિબેન બચુભાઇ નાગ્રેચા' નામાંકિત ભવ્ય ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં આયોજિત અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમોનો લાભ હજારો લંડનવાસીઓએ લીધો છે. વિનુભાઇ નાગ્રેચાની ઉદારતા, નમ્રતા અને સમાજ કલ્યાણના કાર્યોની પ્રશંસા યુ.કે. સહિત આફ્રિકા અને ભારતમાં કરવામાં આવી છે.
વિનુભાઇનો એક સિધ્ધાંત હતો કે, “ઇશ્વરે દીધું છે તો આપણને કંઇક દેવા નિમિત્ત બનાવ્યા છે' દાતા તો માતાના ઉદરમાંથી દાતારીના સંસ્કારો લઈને પ્રગટે છે. સજ્જનતા કે દાતારી શીખવી શકે એવા ક્યાંય કોચિંગ ક્લાસ નથી હોતા.નાગ્રેચા પરિવાર મજબૂત સાંસ્કૃતિક અને પરોપકારી મૂલ્યો ધરાવે છે. ગયા વર્ષે વિનુભાઈના અવસાન પછી, તેમના નાના ભાઈ હસુભાઈ નાગ્રેચા અને નાની બહેન ઉમિબહેન રાડિયાએ તેમની સ્મૃતિમાં આ જનકલ્યાણના પ્રોજેક્ટને ટેકો આપીને તેમની અંતિમ ઇચ્છાઓ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો.ઇસ્ટ મુંબઇના ઘાટકોપર પૂ. મોરારીબાપુની 'માનસ વંદે માતરમ' રામકથામાં ભાગ લેવા ગયેલા હસુભાઇ, ઉમિબહેને શનિવારે સવારે 'ગુજરાત સમાચાર'ને ફોન દ્વારા વૃધ્ધાશ્રમના આ પ્રોજેકટની વાત કરતાં જણાવ્યું કે, ‘રામ-લક્ષ્મણની જોડી’ તરીકે જાણીતા મારા બંને ભાઈઓને આપણો સમગ્ર સમાજ સારી રીતે જાણે જ છે. ‘વિનુભાઇ અમને દગો દઇ અચાનક જ ચાલ્યા ગયા, એનો ઘા હજુ હૈયે રુઝાતો તો નથી. વિનુભાઈ પ્રમાણિક, પ્રેમાળ અને એક સાત્વિક આત્મા હતા. તેઓ તેમની સજ્જનતા, સહજતા અને સૌની સાથે નમ્રતા રાખવાના સ્વભાવને કારણે હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. અમે તેમના જનસેવા કાર્યને પગલે ચાલી રહ્યા છીએ.’
 મુંબઇની હોટેલ પરથી હસુભાઈએ મારી સાથે વાત કરતાં લાગણીસભર અવાજે કહ્યું કે, 'મારા ભાઇ, વિનુભાઇની જગ્યા કોઇ પૂરી શકે એમ નથી, એ સ્વદેહે અમારી સાથે નથી પણ એમના મીઠાં સંભારણા અમારી સાથે હરહંમેશ છે જ. અમે તેમના સ્વપ્નો પૂરા કરવા કટિબધ્ધ બનીશું. સમાજ હિત અને અને જનકલ્યાણ સેવા કરવાની એમની ઉત્કંઠા હતી એ પૂરી કરવા માટે અમે બનતા તમામ પ્રયાસો કરીશું.’
ઉમિબહેન અને હસુભાઇએ જણાવ્યું કે, ‘રાજકોટ જામનગર હાઇવે ઉપર ૩૦ એકર આ વિશાળ જગ્યાએ 'વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા' વૃધ્ધાશ્રમ સંકુલ નિર્માણ પામશે. ત્યાં તા. ૮ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન વિધિવત ભૂમિપૂજન થયા બાદ એનું ઝડપભેર નિર્માણ કાર્ય શરૂ થશે જેમાં ૧૧ માળના ઉંચા સાત ટાવર બનશે અને કુલ ૧,૪૦૦થી વધુ રૂમોમાં ૫,૦૦૦ જેટલા નિઃસંતાન, બિમાર અથવા અશક્ત વૃધ્ધ નાગરિકોને રહેવાની સુવિધા અપાશે. સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃધ્ધ વડીલોને વિના મૂલ્યે તમામ સાર સંભાળ પૂરી પાડવામાં આવે છે.
આ વૃધ્ધાશ્રમમાં સવારે ચ્હા નાસ્તો, ફળફળાદિ, બપોરે દાળ,ભાત શાક, રોટલી, ફરસાણ સાથે ભોજન, ચાર વાગ્યે ચ્હા, કોફી સાથે સૂકો નાસ્તો અને રાત્રે રોટલા, રોટલી કે પૂરી સાથે વિવિધ શાકભાજી સાથે ભોજન આપવામાં આવે છે.
 જરૂરતમંદ અશક્ત વડીલોને કે વિકલાંગોને પગે ગાયના ઘીની માલિશ કરવામાં આવે છે. પોતીકા સંતાનો કાળજી ના કરે એવી સુંદર સેવા વૃધ્ધ વડીલોને મળે છે. અહીં કોઇ જ્ઞાતિ, નાત, જાતના ભેદ વગર સેવા પૂરી પાડવામાં આવે છે. ઉમિબહેને જણાવ્યું કે, અહીં રસ્તા ઉપર કામ કરનાર મજૂર કે લારી ચલાવનાર ગરીબ બુઝર્ગને અથવા વૃધ્ધ વડીલને કોઇ સેવા ચાકરી કરનાર ના હોય, વિકલાંગ હોય એ તમામને આ ‘વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા’ વૃધ્ધાશ્રમમાં આશરો મળી રહેશે.
જન્મભૂમિ, કર્મભૂમિ અને માતૃભૂમિ પ્રત્યે યોગદાન
વિનુભાઈ નાગ્રેચા પરિવારનું યોગદાન જન્મભૂમિ, કર્મભૂમિ અને માતૃભૂમિ પ્રત્યે નોંધપાત્ર રહ્યું છે. ઓક્ટોબર ૨૦૨૩માં, નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટે NHSને તબીબી સંશોધન અને વિકાસ માટે £100,000 દાન આપ્યું હતું. આ માતબર રકમનો ચેક 'ગુજરાત સમાચાર'ના તંત્રીશ્રી સી.બી. પટેલના હસ્તે NHSના ઉચ્ચ અધિકારીને સુપ્રત કરાયો હતો. એ વખતે વિનુભાઇએ કહ્યું હતું કે, ‘NHSના ડોકટરો, નર્સો અને કર્મચારીઓ આપણા માટે અથાક મહેનત કરે છે.’ વિનુભાઇની આ રાષ્ટ્રભાવનાને વધુ વેગ આપતી જનસેવાની વાત કરતાં ઉમિબહેને કહ્યું કે, ‘લંડન આવીને હજુ અમે NHSને વધારે ડોનેશન આપવાના છીએ એ ઉપરાંત ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટમાં વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા નામે વોર્ડ (હોલ) સેવાર્પણ કરવાના છીએ. વિનુભાઇ યુગાન્ડા ગયા ત્યારે કંપાલાની મુલાગો હોસ્પિટલમાં નવજાત બાળકોને મૃત્યુ પામતાં જોયાં હતાં.
કંપાલામાં પણ એમની કઇંક કરવાની ઇચ્છા હતી ત્યાં અમે દાન આપવાનું નક્કી કર્યું છે ઉપરાંત ગોંડલ, રાજકોટ નજીક ગૌશાળા બનાવવાની યોજના છે. જેના માટે દોઢ કરોડ રૂપિયા અમે અલગ રાખ્યા છે.
ગોંડલમાં દૂરદૂરથી સ્કૂલે જતી દિકરીઓ સેફ રહે એ માટે વિનુભાઇ નાગ્રેચાને નામે ફેબ્રુઆરીમાં બે સ્કૂલ બસ ભેટ આપવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે ગત નવરાત્રિ પર્વ દરમિયાન ઇસ્ટ લંડનમાં વિનુભાઇ નાગ્રેચા પરિવાર દ્વારા "નાગ્રેચા રેડિયો" શરૂ કરવામાં આવ્યો છે.
સદભાવનાનો ભાવ પ્રગટ:
 સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવતા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક વિજયભાઈ ડોબરિયાએ શનિવારે ફોન દ્વારા અમને આપેલી વિગત મુજબ, ‘ રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ ૧૫ ઓગષ્ટ ૨૦૧૫માં શરૂ કર્યું છે. પહેલાં ૧૦-૧૫ વડીલોથી શરૂઆત કરેલી અત્યારે ૭૦૦ વડીલો આશરો મેળવે છે જેમાં ૩૦૦ જેટલા અશક્ત વડીલો ડાયપર (નેપી) ઉપર છે. એ ઉપરાંત કેન્સર, પેરાલેસીસ, કિડની ફેઇલીયર દર્દીઓ સહિત હાથ-પગ કપાયેલા હોય એવા અશક્ત વડીલો આશરો લઇ રહ્યા છે. સદભાવના ટ્રસ્ટના સલાહકાર મિતલભાઈ ખેતાણીએ ઉમેર્યું હતું કે ‘અમે હસુભાઈ નાગ્રેચાના ખૂબ આભારી છીએ. આ યોગદાન આપણને સમગ્ર રાષ્ટ્ર માટે વૃધ્ધોની સાર સંભાળના વિશ્વ-સ્તરીય મોડેલને સાકાર કરવા પીઠબળ આપે છે.’ રાજકોટના ભવ્ય વિઝન સમાન 'વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા ભવન' રાજકોટ-જામનગર હાઇવે પર 30 એકરમાં ફેલાયેલું રહેશે.
આ વૃધ્ધાશ્રમ બધા સમુદાયો, જાતિઓ અને ધર્મોના લોકો માટે ખુલ્લું રહેશે. તેમાં મંદિર, કોમ્યુનિટી હોલ, દવાખાનું, પુસ્તકાલય, યોગ અને જીમ, લેન્ડસ્કેપ બગીચા અને મનોરંજન સ્થળો સહિતની સુવિધાઓ હશે. રૂા. ૩૦૦ કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચને પહોંચી વળવા માટે, સદભાવના ટ્રસ્ટે ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજથી મુંબઈમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામ કથાનું આયોજન કર્યું છે. મુંબઇના ઘટકોપર મુંબઇના ધારાસભ્ય પરાગભાઇ શાહ દ્વારા આ વૃધ્ધાશ્રમ અને વૃક્ષોના લાભાર્થે "માનસ વંદે માતરમ" રામકથાનું આયોજન કર્યું છે જેમાં મોટા પાયે જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવામાં આવશે. રામકથાનો આરંભ થાય એ પહેલાં ઘાટકોપર પૂ.મોરારી બાપુના વિશ્રામ સ્થળે યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં દિવંગત વિનુભાઇની વિશાળ છબી મૂકીને હસુભાઇ, ઉમિબહેન, નીલુબેન વિનુભાઇ, આરતીબેન હસુભાઇ, બહેનો જયાબહેન, ઉષાબહેન,સહિત સમગ્ર નાગ્રેચા પરિવારના સભ્યોએ આહુતિ આપી હતી. આ યજ્ઞમાં કથાકાર શરદભાઇ વ્યાસે પણ હાજરી આપીને આહુતિ આપી હતી.


comments powered by Disqus