કેથલિક વડા ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસ 88 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહી ગયાં. તેમની વિદાય સાથે જ વૈશ્વિક મંચ પર આધુનિક સમાજમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને ગરીબોની હિમાયત કરતો એક અવાજ હંમેશ માટે મૌન થઇ ગયો. 12 વર્ષ અગાઉ તેમની પોપ તરીકે વરણી થઇ ત્યારે તેમણે આજીવન ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસ્સિસીનું નામ ધારણ કર્યું હતું. તેમના શબ્દો હતાં કે હું પ્રભુ ઇસુ ખ્રિસ્ત અને તેમના પ્રેમના સંદેશને દેવાલયોની બહાર સડકો પર લઇ જવા માગુ છું.
વિશ્વના 140 કરોડ કેથલિકોનું પ્રતિનિધિત્વ કરતા પોપ ફ્રાન્સિસ ચર્ચના ભાવિ માટે તમામ સભ્યોને એકસાથે લઇ ચાલવા પ્રતિબદ્ધ હતા. તેઓ વિશ્વમાં ગરીબી નાબુદ કરવા, માઇગ્રન્ટ્સ સમસ્યાના ઉકેલ, ક્લાઇમેટ ચેન્જ જેવા ગંભીર વિષયો પર અત્યંત સ્પષ્ટ વક્તા હતા. અમેરિકા જેવી મહાસત્તાને પણ સ્પષ્ટ સુણાવી દેવામાં તેમણે ક્યારેય પાછી પાની કરી નહોતી. 2015માં અમેરિકાની મુલાકાત વખતે તેમણે અમેરિકી કોંગ્રેસને આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પડકાર આપ્યો હતો.
પોપ ફ્રાન્સિસ દ્વારા ઘણા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા. ચર્ચ દ્વારા બાળકોના જાતીય શોષણ અંગે જાહેરમાં માફી માગનારા તેઓ પ્રથમ પોપ હતા. તેમણે એલજીબીટીક્યુ સમુદાયના લોકોને ચર્ચ સાથે સાંકળવાના પણ ભરપૂર પ્રયાસ કર્યા. લેટિન અમેરિકા (આર્જેન્ટિના)માંથી આવેલા પ્રથમ પોપે ગરીબી, આવકની અસમાનતા, શોષણ અને યુદ્ધો અટકાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પોપ સારા જીવનને માઇગ્રન્ટ્સનો અધિકાર ગણતા અને તે જવાબદારી અમેરિકા અને યુરોપના સમૃદ્ધ દેશોની ગણાવતા. ફેબ્રુઆરીમાં હોસ્પિટલના બિછાના પરથી પણ તેમણે અમેરિકાના કેથલિક બિશપોને લખેલા પત્રમાં પ્રમુખ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિઓનો સામનો કરવાનું આહવાન કર્યું હતું.
પોપ ફ્રાન્સિસે તેમના કાર્યકાળમાં ઘણા નવા ચીલા ચાતર્યાં હતાં. હવે એ જોવાનું રહ્યું કે નવા ચૂંટાઇ આવનારા પોપ તેમના ચીંધેલા માર્ગે આગળ વધે છે કે કેમ....