નવી સ્ટેમ સેલ સારવારથી કોર્નીઆની ઈજા મટી શકે
કોઈ પણ પ્રાણી માટે આંખ મહત્ત્વનું અંગ છે. સંશોધકોના અંદાજ અનુસાર વિશ્વમાં 10 મિલિયનથી વધુ લોકો આંખોના કોર્નીઆ એટલે કે શ્વેતપટલને ઈજા કે રોગના કારણે કોર્નીઅલ બ્લાઈન્ડનેસ સાથે જીવે છે. યુનિલેટરલ લિમ્બાલ સ્ટેમ સેલ ડેફિસીઅન્સી (LSCD) નામના કોર્નીઅલ રોગથી ચોક્કસ ઈજાઓ પહોંચે છે જે અંધાપો લાવે છે. હવે LSCD સંબંધિત નવી સ્ટેમ સેલ સારવાર ‘કલ્ટિવેટેડ ઓટોલોગસ લિમ્બાલ એપિથેલીઅલ સેલ્સ (CALEC)’નું પરીક્ષણ ચાલી રહ્યું છે. ‘નેચર કોમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું છે કે LSCD સ્ટેમ સારવારમાં ભાગ લેનારામાંથી 3 મહિના પછી 50 ટકાને કોર્નીઆ સંપૂર્ણપણે કાર્યરત થયાનો અનુભવ થયો હતો. સફળતાનો દર 12 મહિના અને 18 મહિનાની સારવાર પછી અનુક્રમે 79 ટકા અને 77 ટકાનો રહ્યો હતો. કોર્નીઆ અથવા શ્વેતપટલ આંખોની બહારની તરફ સ્વચ્છ લેયર છે જે સ્પષ્ટ વિઝન માટે જરૂરી છે કે કારણકે તે આંખના ફોક્સિંગ પાવરનો 75 ટકા હિસ્સો પૂરો પાડે છે. જરૂર હોય ત્યારે કોર્નીઆનું નવસર્જન કરતા લિમ્બાલ સ્ટેમ સેલની અછત સર્જાય ત્યારે LSCD કોર્નીઅલ રોગ થાય છે. જેના કારણે, આંખમાં પીડા, ધૂંધળી દૃષ્ટિ અને દૃષ્ટિ ગુમાવી પણ દેવાય છે. હાલમાં લિમ્બાલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સહિત સર્જિકલ વિકલ્પોની સારવાર મળે છે.
•••
હૃદયની નવી સમસ્યામાં નાળિયેર તેલનું સપ્લિમેન્ટ ઉપયોગી
આપણે હૃદયની સમસ્યાઓ અને કારણો વિશે ઘણું જાણતા થયા છીએ. જોકે, ટ્રાઈગ્લિસરાઈડ ડિપોઝીટ કાર્ડીઓમ્યોવાસ્કુલોપથી (TDCV) નવા પ્રકારની સમસ્યા છે. ટ્રાઈગ્લિસરાઈડ્સ ચેઈન કોષોની અંદર તૂટી જવાથી હાર્ટના સ્નાયુના કોષોમાં લિપિડ્સ જમા થાય છે અને શક્તિની નિષ્ફળતા સર્જાય છે. કેટલાક TDCV કેસમાં જિનેટિક કારણ હોય છે પરંતુ, અન્ય કેસીસમાં કારણો જાણી શકાયા નથી. TDCV સમસ્યા ધરાવતા લોકોને નારિયેળનું તેલ એટલે કે કોપરેલમાં મળતા ટ્રિકાપ્રિન (tricaprin) સપ્લિમેન્ટ થકી મદદ મળી શકે તેમ ‘નેચર કાર્ડિઓવાસ્કુલર રિસર્ચ’ જર્નલમાં પ્રાશિત અભ્યાસમાં સંશોધકોનું કહેવું છે. TDCVમાં શરીરના હૃદય અને રક્તવાહિનીના કોષો એનર્જીના સ્રોત સ્વરૂપે ટ્રાઈગ્લિસરાઈડ્સ પર યોગ્ય પ્રક્રિયા કરી શકતા નથી. આના પરિણામે, હૃદયના સ્નાયુ અને કોરોનરી આર્ટરીનું કામ ખોરવાય છે. સંશોધકોએ TDCV ધરાવતા 190 લોકોના બે ભાગ કરી એક જૂથને ટ્રિકાપ્રિન સપ્લિમેન્ટ આપ્યા પછી સરખામણી કરી હતી. ટ્રિકાપ્રિન સપ્લિમેન્ટ લેનારા લોકોને ફાયદો જણાયો હતો. તેમના હૃદયના કોષો ટ્રાઈગ્લિસરાઈડ્સ ચેઈનને સારી રીતે તોડવામાં અસરકારક રહ્યા હતા. સમગ્રતયા જીવવાના દરમાં ટ્રિકાપ્રિન સપ્લિમેન્ટ જૂથનો 100 ટકા ત્રણ વર્ષ અને પાંચ વર્ષનો દર રહ્યો હતો જ્યારે કંટ્રોલ જૂથ 78.6 ટકાને ત્રણ વર્ષનો અને 68.1 ટકાને પાંચ વર્ષનો સર્વાઈવલ રેટ રહ્યો હતો.