1947માં આઝાદી મળી ત્યારથી ભારતે હંમેશા પાડોશી દેશો સાથે શાંતિ અને સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાની નેમ રાખી પરંતુ ભારતને દર વખતે પાડોશી દેશોના અપકૃત્યોનું નુકસાન સહન કરવાનો જ વારો આવ્યો છે. આઝાદી સમયે લોહિયાળ વિભાજન છતાં ભારતે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને વળગી રહેવાનું પસંદ કર્યું પરંતુ પાડોશીઓએ ભારતની આ નીતિઓનો હંમેશા ગેરફાયદો લેવાનો પ્રયાસ કર્યો છે. મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વમાં મુસ્લિમોને અલગ દેશ આપવાની ઉદારતા તત્કાલિન ભારતીય નેતૃત્વે દર્શાવી તેમ છતાં ઝીણાના પાકિસ્તાને 1948થી આજ સુધી ભારતને ઘા પર ઘા આપવાનું જારી રાખ્યું છે. 1962માં ચીને પંચશીલ સિદ્ધાંતોના નામે ભારત સાથે દગાબાજી કરી અને અક્સાઇ ચીનનો મહત્વનો પ્રદેશ પચાવી પાડ્યો.
1948થી 1999 સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુદ્ધ લડાયાં અને દર વખતે પાકિસ્તાનને ધૂળ ચાટવાનો વારો આવ્યો તેમ છતાં પાકિસ્તાની શાસકોએ શાંતિ અને ભાઇચારાના પાઠ શીખ્યાં નહીં. ઉલટાનું ભારતના કાશ્મીર અને પંજાબમાં આતંકવાદને પોષીને છદ્મ યુદ્ધ શરૂ કર્યું. પંજાબના આતંકવાદને તો લોખંડી હાથે નાબૂદ કરી દેવાયો પરંતુ ભારતને દાયકાઓ પછી પણ કાશ્મીરમાં આતંકવાદ નાબૂદ કરવામાં ઝાઝી સફળતા હાથ લાગી નથી. પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ ઝેર પાઇને ઉછેરેલા આતંકવાદી સંગઠનો દાયકાઓથી કાશ્મીર ઉપરાંત ભારતના મહત્વના શહેરોમાં આતંકવાદી હુમલા કરીનો ભારતને રક્તરંજિત કરતાં રહ્યાં છે.
2014માં ભારતમાં સત્તામાં આવેલી નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી. 2019માં વ્યૂહાત્મક કૂટનીતિ દ્વારા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરીને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને નાબૂદ કરી દીધો. ભારતની આ વ્યૂહરચના સામે ભુરાંટા થયેલા પાકિસ્તાને આતંકવાદને વધુ વકરાવવાના પ્રયાસો કર્યા અને તાજેતરમાં પહલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા 28 સહેલાણીઓની નિર્મમ હત્યા કરવામાં આવી. અત્યાર સુધી નાપાક આતંકવાદીઓ કાશ્મીરમાં કાલુચક, સામ્બા, સુન્જુવાન, ઉરી, ઉધમપુર, બારામુલ્લા, શ્રીનગર, રાજૌરી, પૂંચ, પુલવામા સહિતના સ્થળોને રક્તરંજિત કરી ચૂક્યાં છે અને હવે જો કાશ્મીર મુદ્દે નિર્ણાયક પગલાં લેવામાં નહીં આવે તો આ સિલસિલો ભવિષ્યમાં પણ ચાલતો જ રહેશે. કહે છે ને કે લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે. ભારતે અત્યાર સુધીમાં ઘણીવાર શાંતિ પ્રયાસો કરી જોયાં છે પરંતુ હવે તેનો કોઇ અર્થ સરતો નથી. પાકિસ્તાનને આકરો પાઠ ભણાવવાની ઘડી આવી પહોંચી છે.
પહલગામ હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા સિંધુ જળ સંધિ સ્થગિત કરવા, પાકિસ્તાની રાજદ્વારીઓ અને નાગરિકોની હકાલપટ્ટી સહિતના મહત્વના કૂટનીતિક પગલાં ભર્યાં છે પરંતુ એટલું પુરતું થઇ રહે તેમ લાગતું નથી. જ્યારે ઘા નાસૂર બની જાય ત્યારે તેની વાઢકાપ આવશ્યક છે. વર્ષો સુધી હજારો નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેના કરતાં એકવારમાં શહાદત વહોરીને પણ સર્જરી કરવી આવશ્યક બની ગઇ છે.
ઘણા એવી દલીલ કરે છે કે ભારતે પાકિસ્તાન સામે ઇઝરાયેલ જેવો અભિગમ અપનાવવાની જરૂર આવી પડી છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલી વસાહતો પર હુમલા કરી હજારથી વધુ યહૂદીઓની હત્યા કરી અને સેંકડોને બંધક બનાવ્યાં. ઇઝરાયેલે હમાસ નામના નાસૂરની વાઢકાપ માટે ગાઝાપટ્ટીમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતે પણ ઓછામાં ઓછું પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરને હસ્તગત કરી આ નાસૂરનો કાયમી અંત લાવવાનો સમય આવી ગયો છે.
યુદ્ધ એ અંતિમ ઉપાય નથી પરંતુ જ્યારે કોઇ વિકલ્પ બાકી ન રહે, શાંતિ અને સમજૂતિને કોઇ અવકાશ જ ન હોય ત્યારે આરપારની લડાઇથી જ ઇચ્છિત પરિણામ હાંસલ થઇ શકે છે. પાકિસ્તાન એક એવો નામુરાદ દેશ છે જેણે આતંકવાદના માધ્યમથી અન્ય દેશોને તો રક્તરંજિત કર્યાં છે પરંતુ પોતે પણ એ ફણીધરના ડંખ વેઠી રહ્યો છે તેમ છતાં તેના રાજકીય અને લશ્કરી સત્તાધીશોની આંખો ખુલવાની નથી. પહલગામના દોષીઓ સામે પગલાં લેવાને બદલે તેઓ ભારત સામે જ હાકલા પડકારા કરી રહ્યાં છે. આવા દુશ્મનો સાથે હવે સમજાવટથી કોઇ સમસ્યાનો ઉકેલ આવી શકશે નહીં.
વૈશ્વિક સ્થિતિ પણ હવે બદલાઇ છે. અમેરિકા, ઇઝરાયેલ અને મીડલ ઇસ્ટના મુસ્લિમ દેશો પણ ભારતના સમર્થનમાં આગળ આવ્યાં છે. ભારતે આ સ્થિતિનો વ્યૂહાત્મક, કૂટનીતિક અને લશ્કરી રીતે લેવાય એટલો લાભ લઇ લેવાની જરૂર છે. આજે આખી દુનિયાની નજર મોદી સરકારના આગામી પગલાં પર છે. ભારતના વડાપ્રધાન મોદીના આક્રમક વલણથી પાકિસ્તાની સત્તાધીશોમાં ફફડાટ તો છે જ. આગામી સપ્તાહ આ મામલામાં અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાનું છે. ભારત સરકારના આગામી પગલાં ભારતીય ઉપખંડનો નક્શો બદલી નાખે તો નવાઇ નહીં.