નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભારત વિરોધી અપપ્રચાર સામે ભારતે ફરી આકરાં પગલાં લીધાં છે. ભારત સરકારે દેશવિરોધી જુઠ્ઠાણાં અને નફરત ફેલાવવાનું કામ કરતી 19 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચેનલ બેન કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રાલયની ભલામણ પર ભારત સરકારે ડોન ન્યૂઝ, સમા ટીવી. ARY ન્યૂઝ અને જિયો ન્યૂઝ સહિતની યુ-ટ્યૂબ ચેનલ બેન કરી છે.
આ ચેનલો સામે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત, ભારતીય સેન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક, સાંપ્રદાયિક અને ખોટી વાતો ફેલાવવાનો આરોપ છે. તેમાંથી મોટાભાગની ચેનલો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણી લોકપ્રિય હતી. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર, કોમેન્ટેટર શોએબ અખ્તર અને આરઝૂ કાઝમીની યુ-ટ્યૂબ ચેનલો પણ ભારતમાં બેન કરી દેવાઈ છે. આ અગાઉ ભારતે પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એકાઉન્ટ પણ બેન કરીને આકરો સંદેશ આપ્યો હતો.
આ 16 પાકિસ્તાન યુ-ટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ
1. ડોન ન્યૂઝ, 2. ઇર્શાદ ભટ્ટી, 3. સમા ટીવી, 4. ARY ન્યૂઝ, 5. BOL ન્યૂઝ, 6. રફ્તાર, 7. ધ પાકિસ્તાન રેફરન્સ, 8. જિયો ન્યૂઝ, 9. સમા સ્પોર્ટ્સ, 10. જીએનએન, 11. ઉઝેર ક્રિકેટ, 12. ઉમર ચીમા એક્સક્લુઝિવ, 13. અસ્મા શિરાઝી, 14. મુનીબ ફારુક, 15. સુનો ન્યૂઝ,16. રઝી નામા.
4 ક્રિકેટરોની યુ-ટ્યૂબ ચેનલ પર કાર્યવાહી
ભારતમાં જે યુ-ટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મુકાયો છે, તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરની ચેનલ ઉપરાંત બાસિત અલી, પૂર્વ કેપ્ટન રાશીદ લતીફ અને વરિષ્ઠ પત્રકાર નૌમાન નિયાઝની યૂ-ટ્યૂબ ચેનલ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.