લંડનઃ ભારતના પૂર્વ કેન્દ્રીય રેલવેમંત્રી શ્રી દિનેશભાઈ ત્રિવેદીએ અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત ટુરિઝમની અનોખી ટેગલાઈનનો પડઘો પાડતા જણાવ્યું હતું કે,‘જ્યારે તમે લંડન આવો અને સીબીને મળો નહિ, તો તમે લંડનમાં કશાંની મુલાકાત લીધી નથી.’ વાતાવરણમાં પ્રવર્તી ભાવના સ્પષ્ટ હતીઃ આ મેળાવડો માત્ર ઈવેન્ટ નથી પરંતુ, સાંસ્કૃતિક નિવેદન છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ઉપક્રમે મંગળવાર 15 એપ્રિલ 2025ના રોજ હેરોસ્થિત સંગત એડવાઈસ સેન્ટર ખાતે વિશિષ્ટ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. હળવી વરસાદી છાંટ હોવાં છતાં, આ ઈવેન્ટમાં ડાયસ્પોરાના સભ્યો અને કોમ્યુનિટીના અગ્રણીઓ સહિત વિવિધ સમૂહના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ માનવંતા મહેમાન વક્તા દિનેશભાઈ ત્રિવેદીનું વક્તવ્ય સાંભળવા તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલના દીર્ઘકાલીન નેતૃત્વને બિરદાવવા એકત્ર થયા હતા.
આ સલૂણી સંધ્યાનો આરંભ એશિયન વોઈસ-ગુજરાત સમાચારના પૂજાબહેન રાવલ દ્વારા સ્વાગત સંબોધનથી થયો હતો. આ પછી, સીબી પટેલના ટૂંકા વક્તવ્યે વાતાવરણને ઉષ્માસભર અને જીવંત બનાવી દીધું હતું. આ સાંજની હાઈલાઈટ એ રહી કે 60થી વધુ તમામ ઉપસ્થિતોની તેમના કોમ્યુનિટી યોગદાનની વ્યક્તિગત રીતે કદર કરવામાં આવી હતી. ઈવેન્ટમાં ઉપસ્થિત રહેનારા માનવંતા મહેમાનોમાં હર્સ્ટમીઅરના ડેપ્યુટી મેયર કાઉન્સિલર પરવીન રાણી, કાઉન્સિલર તુષાર કુમાર, કાઉન્સિલર અંજનાબહેન પટેલ, માલાવીથી વીકે વણઝારા, HFBના તૃપ્તિબહેન પટેલ, કેતન મહેતા, કાન્તિભાઈ નાગડા MBE સહિતનો સમાવેશ થયો હતો.
દિનેશભાઈ ત્રિવેદીનું પ્રેરણાદાયી ચિંતનાત્મક સંબોધન
દિનેશભાઈ ત્રિવેદીના સંબોધનમાં સ્થિતિસ્થાપકતા, સમાવેશિતા અને ભારતીય ડાયસ્પોરાના શાંત યોગદાનોના પાસાઓ પર વિશેષ ભાર મૂકાયો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘ એક કોમ્યુનિટી તરીકે આપણે કોઈ પણ વિખવાદ વિના જ્ઞાન અને સમાજને મબલખ યોગદાન આપ્યું છે. આપણી તાકાત એકીકરણમાં છે એકલા રહેવામાં નહિ.’ ત્રિવેદીએ ઉપસ્થિત યુવાનોને રાજકારણમાં પ્રવેશવા અનુરોધ કરી પોતાના અંગત સપોર્ટની ખાતરી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે,‘ હું તમને બધાને પાર્લામેન્ટમાં જોવા ઈચ્છું છું અને મને તમારા માટે પ્રચાર કરવામાં ખુશી થશે.’ તેમના સંદેશામાં પોલિટિક્સથી આગળ વધીને એડોપ્ટ કરેલા દેશમાં સાથે જોડાઈ રહેવા અને માલિકીભાવ સંબંધિત પડઘા પડતા હતા.
ઈવેન્ટમાં ડાયસ્પોરાની તાકાત, તેમના યોગદાન અને વ્યક્તિની વિરાસત સાથે જોડાઈને રહેવાના મહત્ત્વને દર્શાવવા સાથે સહભાગી યાત્રાઓ અને ભવિષ્યની સંભાવનાઓની પણ ઊજવણી કરાઈ હતી. શ્રી ત્રિવેદીએ સુંદર રીતે સમજાવ્યું હતું કે,‘ ભારતની હાર્દરુપ તાકાત તેની તપાસ-પ્રશ્નો કરવાની ભાવના છે. આપણે કોઈનું આંધળું અનુસરણ કરતા નથી - આપણે પૂછીએ છીએ, નિહાળીએ છીએ અને શીખીએ છીએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વિચારોમાં પણ પૂછીએ છીએ-બૌદ્ધિકપ્રતિભા કે ઈન્ટેલિજન્સ કૃત્રિમ કેવી રીતે હોઈ શકે? તેનું સર્જન કરી શકાય છે, હા, પરંતુ માત્ર સાચી બૌદ્ધિકતા વડે જ થાય છે.’
મિનિસ્ટરનો ‘પડછાયો’ બની રહેલાં વિજ્ઞાની
આ ઈવેન્ટમાં શ્રી દિનેશભાઈના પત્ની મીનલબહેન ત્રિવેદીની ઉપસ્થિતિ અનપેક્ષિત હાઈલાઈટ બની રહી હતી. તેમણે તદ્દન અલગ પરંતુ સમાનપણે પ્રેરણાદાયક પરિપ્રેક્ષ્ય રજૂ કર્યું હતું. વાતચીત દરમિયાન તેમણે પોતાની વૈજ્ઞાનિક પશ્ચાદભૂ જાહેર કરી હતી જેમણે જટિલ જિનેટિક સંશોધન હાથ ધરવાં IVF ક્લિનિક્સમાં માનવ એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ્સ સાથે કામ કર્યું હતું, તેમણે આવા સંશોધનો પર સરકારે 6 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો ત્યાં સુધીના પોતાનાં કાર્યને ગાઢપણે સંતોષજનક ગણાવ્યું હતું.
તળિયાના સ્તરે સફળ પ્રયોગશાળાઓથી શાનદાર નિવૃત્તિ સુધીની તેમની યાત્રા અલગ જ ક્ષેત્રમાં સ્થિતિસ્થાપકતા દર્શાવનારી રહી હતી. તેઓ હવે પ્રયોગશાળામાં કાર્યરત નથી પરંતુ, વિજ્ઞાન તરફનો ઉત્સાહ અને જિજ્ઞાસા હજુ જીવંત છે. તેમણે જણાવ્યું હતું કે,‘હું હવે આરામ, મંદ ગતિને માણી રહી છું અને જ્યારે પણ શક્ય હોય ત્યારે દિનેશની સાથે રહેવા પ્રયાસ કરું છું. મારો પુત્ર અને મારાં પતિ - તેઓ જ મારું વિશ્વ છે.’
વિરાસતની ઉજ્જવલ ક્ષણઃ મહત્ત્વપૂર્ણ બે ઘોષણા
ઊજવણીના ઈવેન્ટ મધ્યે સીબી પટેલે ગુજરાત સમાચારની પ્રાસંગિકતાને દર્શાવતા આગામી બે ઈવેન્ટ સંદર્ભે ઘોષણા કરી હતીઃ
1. ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - શાશ્વત ખજાનો (Soneri Smruti Granth – A Timeless Treasure’)નું લોન્ચિંગ
દ્વિભાષી સ્મરણીય સોવેનિયરનું આ પ્રકાશન સ્થળાંતરની કથાઓ, દુર્લભ તસવીરો અને ડાયસ્પોરા દ્વારા હૃદયસ્પર્શી મનનોને આવરી લેશે. જલાઈ 2025માં રીલિઝ કરવાનું આયોજન છે તેવા આ સોવેનિયરનો હેતુ ઐતિહાસિક રેકોર્ડ અને વિરાસતનું અંગ બની રહેવાનો છે જેમાં, સાંસ્કૃતિક અને લાગણીશીલ યાત્રાઓની તવારીખને સહભાગી બનાવાશે.
2. ગુજરાત સમાચારની 53મી વર્ષગાંઠની ઊજવણીઃ
પાંચ દાયકાના કોમ્યુનિટી જર્નાલિઝમની ઊજવણી 10 મે 2025ના રોજ કરવાનું આયોજન છે. આ જર્નાલિઝમ ખંડોને જોડવા, ઉમદા ઉદ્દેશ્યોની હિમાયત અને જેમને સાંભળવામાં આવતા ન હોય તેમના અવાજને ઉજાગર કરવાનું છે. સીબી પટેલે યાત્રાની ચિંતનાત્મક રજૂઆત કરવા સાથે ભારત, યુકે અને ગ્લોબલ ડાયસ્પોરાને સ્ટોરીઝ, હિમાયતો અને અભિયાનો તેમજ અવિરત સામુદાયિક ભાવના થકી આવરી પ્રકાશન દ્વારાત સેતુનિુર્માણની અનોખી ભૂમિકાની નોંધ લીધી હતી.
સમુદાય તરફથી મળેલા પ્રતિભાવો
શ્રી દિનેશભાઈ માટે આયોજિત કાર્યક્રમ એક મેળાવડાથી વિશેષ હતો જેમાં, ઓળખ, રાજકારણ, પ્રતિનિધિત્વ અને એકતા સંબંધિત ચર્ચાને વેગ પ્રાપ્ત થયો હતો. કેટલાક ઉપસ્થિતોએ વ્યક્તિગત અનુભવ રજૂ કર્યા હતા.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘આ ઈવેન્ટે દર્શાવ્યું છે કે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ કેવી રીતે આપણને એકસંપ બનાવે છે. યુવા પેઢીએ રાજકીય રીતે બહાર આવવાની જરૂર છે. આપણી કોમ્યુનિટીએ હંમેશાં તામિલથી માંડી મુસ્લિમ્સ સુધી વિવિધ સમૂહોમાં સ્ત્રીઓને સપોર્ટ કર્યો છે. આ પ્રકારનું સમગ્રતયા સાંસ્કૃતિક નારી સશક્તિકરણ આપણી અનોખી દેણ છે.’
ડેપ્યુટી મેયર કાઉન્સિલર પરવીન રાણીએ જણાવ્યું હતું કે,‘ માતૃભાષા અને પરંપરાઓમાં મૂળિયા ધરાવતા ગુજરાતીઓને નિહાળવાનું પ્રેરણાદાયી હતું. સીબી પટેલ જેવા લોકો અભૂતપૂર્વ હોય છે - થાક્યા વિના સતત કાર્યરત રહેવા સાથે વિશ્વભરમાં સંપર્કોનું નિર્માણ કરતા રહે છે. મેં જોયું કે મોટી સંખ્યામાં મહિલાઓ અવરોધો ફગાવી ગૌરવ સાથે નેતૃત્વમાં પદાર્પણ કરી રહી છે. આપણે દુર્ગામાતાની પૂજા એટલા માટે જ કરીએ છીએ કે દરેક સ્ત્રીમાં શક્તિનો ભંડાર રહેલો છે.’
કાઉન્સિલર તુષાર કુમારે ઉમેર્યું હતું કે,‘એક યુવાન રાજકારણી તરીકે મને શ્રી દિનેશભાઈ ત્રિવેદીનું પ્રામાણિકતા પર કરાયેલું ફોક્સ મને ભારે અસર કરી ગયું છે. જ્યારે મૂલ્યો સંકળાયેલા ન રહે તેવી સ્થિતિમાં પાર્ટીઓ બદલી નાખવાની તેમની યાત્રા વાસ્તવમાં સાચી હિંમત દર્શાવે છે. આપણે જાહેર જીવનમાં પ્રવેશીએ ત્યારે આ પ્રકારના બોધપાઠની આપણને જરૂર રહે છે.’ વીકે વણઝારાએ જણાવ્યું હતું કે,‘આ તો ઈવેન્ટથી પણ વિશેષ હતું. તે એકસંપ હિન્દુ સમુદાયનું રીયુનિયન હતું. આપણે એકબીજા પાસેથી શીખ્યા છીએ અને આ આગને પ્રગટાવેલી રાખવી જોઈશે. આપણે સાથે મળીને જ સફળ થઈ શકીશું.’
લોહાણા કોમ્યુનિટીના ટ્રસ્ટી વિનોદ ઠકરારે જણાવ્યું હતું કે,‘સીબી પટેલ દ્વારા આટલા ટુંકા સમયમાં આયોજિત આ ઈવેન્ટમાં આવવાનું ખરેખર રોમાંચપૂર્ણ રહ્યું. વિવિધ સમુદાયોના લોકો આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરવા હું ઉત્સુક છું. હું માનું છું કે આ સીબી પટેલની જ પ્રેરણા છે જે આપણને બધાને સાથે લાવે છે.’
Photo courtesy: Raj D Bakrania, PrMediapix
-------------------
દિનેશભાઈ ત્રિવેદી
વરિષ્ઠ ભારતીય રાજકારણી શ્રી દિનેશભાઈ ત્રિવેદીનો જન્મ 4 જૂન 1950ના દિવસે નવી દિલ્હી ખાતે થયો હતો. તેમણે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કોમર્સ વિભાગમાં ગ્રેજ્યુએશન કર્યા પછી ઓસ્ટિનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી MBAની ડીગ્રી હાંસલ કરી હતી. તેમની વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં બિઝનેસ, એવિએશન અને જાહેર સેવાનો સમાવેશ થાય છે તેઓ તાલીમબદ્ધ પાઈલટ પણ છે.
દિનેશભાઈ ત્રિવેદીએ પાર્લામેન્ટના રાજ્યસભા અને લોકસભા ગૃહોના સાંસદ તરીકે અનેક ટર્મ રહેવા સાથે કેબિનેટ મિનિસ્ટર ફોર રેલવેઝ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મિનિસ્ટર ઓફ સ્ટેટ તરીકે હોદ્દા શોભાવ્યા છે.
દિનેશભાઈને વર્ષ 2016-17 માટે આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન એવોર્ડ એનાયત કરાયો હતો. તેમણે ઈન્ડો-યુરોપિયન યુનિયન પાર્લામેન્ટરી ફોરમ (IEUPF) તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય પાર્લામેન્ટરી ફોરમ્સના સભ્યપદે સેવા આપી છે. તેમણે ભારતને રક્તપિતમુક્ત બનાવવા માટેના ફોરમ ઓફ પાર્લામેન્ટેરિયન્સના સ્થાપક કન્વીનર, ફાઈનાન્સ અને કોમર્સ કમિટીઝના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેમણે મીનલબહેન ત્રિવેદી સાથે લગ્ન કર્યા છે.
----------------------
મીનલબહેન ત્રિવેદી
મીનલબહેન ત્રિવેદીએ સર આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ દ્વારા સ્થાપિત કોલકાતાની પ્રસિદ્ધ બોઝ ઈન્સ્ટિટ્યૂટમાંથી જિનેટિક્સ વિષય સાથે Ph.D કરેલ છે. તેમના પુત્ર પાર્થસારથી ત્રિવેદીએ MIT (USA)માંથી એરોસ્પેસ એન્જિનીઅર અને સ્ટાનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA ની ડીગ્રી હાંસલ કરેલી છે. તેઓ સિલિકોન વેલીની બહાર સ્કાયલો ટેકનોલોજીઝના સહસ્થાપક સીઈઓ છે.