નવી દિલ્હીઃ પહેલગામમાં આતંકી હુમલા બાદ સમુદ્રમાં પણ પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપવા માટેનો બંદોબસ્ત ભારતે કરી લીધો છે. સમુદ્રમાં તાકાત વધારવાની ચીનની મેલી મુરાદ પર પાણી ફેરવતાં ભારતે સોમવારે ફ્રાન્સ સાથે 26 રાફેલ મરિન કોમ્બેટ વિમાનની ખરીદીને લઈને રૂ. 63 હજાર કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. ફ્રાન્સના રાજદૂત અને સંરક્ષણ સચિવ રાજેશકુમારે આ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની સુરક્ષા બાબતોની મંત્રીમંડળની સમિતિએ આ સોદા માટે મંજૂરી આપ્યાના ત્રણ સપ્તાહ બાદ આ સોદા પર હસ્તાક્ષર થયા છે.
રાફેલ વિમાનોને આઇએનએસ વિક્રાંત પર તહેનાત કરાશે
અહેવાલો અનુસાર રાફેલ વિમાનોને આઇએનએસ વિક્રાંત પર તહેનાત કરાવે. આ રાફેલ ડીલમાં હથિયાર, ઉપકરણો, સ્પેરપાર્ટ્સ અને ક્રૂ ટ્રેનિંગ તથા લોજિસ્ટિક સપોર્ટનો સમાવેશ થાય છે. આ વિમાનોને યુદ્ધજહાજ પર તહેનાત કરવા માટે જ ડિઝાઇન કરાયેલાં છે. ફ્રાન્સની સેના પહેલેથી જ તેનો ઉપયોગ કરી રહી છે. ભારત પાસે પહેલેથી જ 36 રાફેલ વિમાન છે. 2016માં જ આ વિમાનો માટે ફ્રાન્સની કંપની સાથે સોદો થયો હતો. નવા સોદા બાદ ભારતમાં રાફેલ વિમાનોની સંખ્યા વધીને 62 થઈ જશે. આમ વાયુદળ વધુ મજબૂત બનશે.