નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના રૂ. 13,500 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ મેહુલ ચોકસીની જામીન અરજી બેલ્જિયમની કોર્ટે નકારી છે.
મેહુલ ચોકસી 2 અબજ ડોલરથી વધુ રકમના ફ્રોડ કેસમાં વોન્ટેડ છે અને ભારત સરકારની વિનંતીના પગલે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી છે. ચોકસીની લીગલ ટીમે સંકેત આપ્યો હતો કે તે વિવિધ આધાર પર તેની ધરપકડનો વિરોધ કરશે. તેમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ સમાવેશ થાય છે.
મેહુલની લીગલ ટીમે તેના નબળા આરોગ્યનું અને સામુદાયિક જોડાણનું કારણ આગળ ધર્યું હતું. આ જ કારણે તેને જામીન મળે તો પણ તે ફ્લાઇટ રિસ્ક લેવાને સમર્થ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ 18 એપ્રિલે ફ્રીડમ રિક્વેસ્ટના નેજા હેઠળ જામીન અરજી કરાઈ હતી. કાયદા મુજબ કોર્ટો આરોપી વ્યક્તિની હિલચાલની માહિતી મેળવવા તેના શરીર પર જીપીએસ ટ્રેકર ગોઠવવાની શરતે તેને છોડી શકે છે.