મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;
દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ...
આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને રાજસ્થાનની રાધા એવી મીરાં. સોળમી સદીમાં વ્રજ, હિંદી અને ગુજરાતી ભાષામાં પદોની રચના કરનાર મીરાં. ગુજરાતી ભાષાની પ્રથમ ભક્ત કવયિત્રી એવી મીરાં... ભારતીય ટપાલખાતાએ આઝાદી પછી ૧૯૪૭માં ટપાલ ટિકિટ બહાર પાડવાનું શરૂ કર્યા પછી ૧ ઓક્ટોબર ૧૯૫૨ના રોજ ટિકિટ પરની પ્રથમ સ્ત્રી તરીકે સંત મીરાંબાઈને સ્થાન આપ્યું. બે આનાની આ ટપાલ ટિકિટ પર મથાળે અંગ્રેજીમાં ૧૫-૧૬મી સદી અને એની નીચે હિન્દી ભાષામાં ‘મીરા’ એવું લખાણ જોવા મળે છે !
સંત મીરાંબાઈના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. એવું કહેવાય છે કે મીરાંનો જન્મ ૧૪૯૮માં રાજસ્થાનના જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકીમાં થયેલો. રાઠોડ વંશના વૈષ્ણવધર્મી કુટુંબમાં. માતા વીર કુમારી. પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. મીરાં માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે ઘેર પધારેલા સાધુએ કૃષ્ણની એક મૂર્તિ રતનસિંહને આપેલી. મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. એક વર્ષ પછી મીરાં ચાર વર્ષની થઈ ત્યારે મહેલના ઝરૂખામાંથી એક વરઘોડો પસાર થતો જોયો. ઘોડા પર વરરાજા સાફો બાંધીને બેઠેલો.. એ જોઈને નાનકડી મીરાંએ મા સાથે વાત કરી. વરરાજા એટલે કોણ એમ પૂછ્યછયું. માએ હસીને કહ્યું, જે પરણવા જાય એ વરરાજા.. મીરાંએ કહ્યું, મારો વર કોણ ? એટલે માએ કૃષ્ણની મૂર્તિ ભણી ઈશારો કરતાં કહ્યું કે, આ તારો વર... ત્યારથી મીરાંએ કૃષ્ણને મનોમન પતિ માની લીધા
થોડા સમય પછી માતા વીર કુમારીનું મૃત્યુ થયું. દાદા દુદાજીએ મીરાંનું લાલનપાલન કર્યું. દુદાજી પોતે વૈષ્ણવ ભક્ત હતા. સવારસાંજ ભગવાનને શણગાર કરીને સજાવતા. એ જોઈને મીરાંની કૃષ્ણભક્તિ ઘેરો ગુલાલ બની ગઈ. ૧૫૧૫માં દાદાનું અવસાન થયું. રતનસિંહે ૧૫૧૬માં મેવાડના સિસોદિયા વંશના રાજકુટુંબમાં રાણા સંગ નામે જાણીતા સંગ્રામસિંહ અને કનવરબાઈના પાટવી પુત્ર ભોજરાજ સાથે મીરાંને પરણાવી
કૃષ્ણને વરી ચૂકેલી મીરાં પતિ ભોજરાજ સાથે વાતચીતનો વ્યવહાર રાખતી, પણ એમને પતિ તરીકેનું સ્થાન આપી ન શકીપહેલાં તો ભોજરાજ પોતાની અવહેલનાથી અકળાયેલા, પણ પછી મીરાંની કૃષ્ણભક્તિ જોઈને એમણે મહેલમાં જ કૃષ્ણ મંદિરનું નિર્માણ કરાવેલું. જોકે લગ્નનાં પાંચ વર્ષ પછી ૧૫૨૧માં ભોજરાજનું મૃત્યુ થયું. ત્રેવીસ વર્ષની વયે મીરાંએ વૈધવ્ય વેઠવાના દા’ડા આવ્યા. પણ મીરાં તો જળકમળવત. કૃષ્ણ ભક્તિમાં તલ્લીન થઈ ગઈ. છ વર્ષ વીતી ગયાં. ૧૫૨૭માં બાબર સામેના યુદ્ધમાં સંગનો પરાજય થયો. સંગ બાબર પાસેથી ચંદેરી જીતવા જતો હતો ત્યાં ઈરીચ પાસે કોઈએ એને વિષ આપ્યું અને એનું અવસાન થયું. મીરાંના પિતા રતનસિંહનું પણ આ ગાળામાં અવસાન થયું. ૧૫૨૧માં ભોજરાજના અવસાન અને ૧૫૨૭માં સંગના અવસાન વચ્ચેનો સમયગાળો મીરાંના જીવનમાં માત્ર ને માત્ર કૃષ્ણભક્તિનો હતો. પણ આ જ અરસામાં રાજમાતા રતનબાઈનું પણ અવસાન થયું. કુટુંબનો કારભાર મીરાંને માથે આવ્યો. કાર્યભાર સંભાળવાની સાથે મીરાંએ રાજસ્થાની ભાષામાં કેટલાંક પદોનું સર્જન કરેલું.
મીરાંએ ૧૫૩૨માં ચોત્રીસ વર્ષની વયે મેવાડનો ત્યાગ કર્યો. પોતાના પિયર મેડતા આવી. પણ જોધપુરનું રાજકુટુંબ એને મેડતામાં આશ્રય આપનાર કાકા વીરમદેવને ઉપદ્રવ કરે એ શંકાને કારણે મીરાંએ ૧૫૩૩માં મેડતા છોડ્યું અને કૃષ્ણભૂમિ વૃંદાવનમાં જઈ વસી. ત્રણ વર્ષ પછી, વ્રજ ભાષામાં કેટલાંક પદોનું સર્જન કર્યા પછી મીરાં વૃંદાવનથી દ્વારકા જઈ ઠરીઠામ થઈ. જનશ્રુતિમાં એમ છે કે ચમત્કારિકપણે મીરાં કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયેલી અને ૧૫૪૭માં એના જીવન પર પરદો પડી ગયો. પરંતુ મીરાં દ્વારકા છોડ્યા પછી જીવનના અંતકાળ સુધી અજ્ઞાતવાસમાં રહી હોવાની શક્યતાઓ ઝાઝી છે. આ ગાળામાં એણે ગુજરાતીનાં ચારસો પદો સહિત મીરાંએ કુલ ૧૪૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું અનુમાન છે. મીરાંનું એકેએક પદ શૈલીસ્વરૂપમાં સર્વાંગ સંપૂર્ણ છે. એમાં કાવ્યમયતા અને કલામયતા છે. મીરાંએ પોતે જ તો કહ્યું છે કે, ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, નથી રાખ્યું કંઈ કાચું રે....!