નવી દિલ્હીઃ પહેલગામમાં આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. દરમિયાન સરહદી સુરક્ષા દળ (BSF)નો એક જવાન ભૂલથી પંજાબમાં સરહદ પાર કરીને પાકિસ્તાની વિસ્તારમાં પહોંચી જતાં પાકિસ્તાની રેન્જર્સે તેની અટકાયત કરી હતી.
એક અધિકારીએ જણાવ્યુ હતું કે, જવાનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે. 182મી બટાલિયનના કોન્સ્ટેબલ પી.કે. શાહુની બુધવારે ફિરોઝપુર સરહદ પર અટકાયત કરાઈ હતી. જવાન વર્દીમાં હતો અને તેની પાસે સર્વિસ રાઇફલ પણ હતી. તેમણે કહ્યું હતું કે, જવાન ખેડૂતોની સાથે હતો અને તે છાંયડામાં આરામ કરવા આગળ વધ્યો ત્યારે જ પાકિસ્તાની રેન્જર્સે તેને પકડી લીધો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, આ અસામાન્ય ઘટના નથી અને આ પહેલાં પણ આવી ઘટના બની છે.
બીએસએફ જવાનની મુક્તિમાં વિલંબ
પાકિસ્તાન સરહદમાં ભૂલથી પ્રવેશેલા બીએસએફ જવાન પી.કે. શાહુની મુક્તિમાં વિલંબ થઈ રહ્યો છે. આ મુદ્દે ઘણીવાર ફ્લેગ મીટિંગ બોલાવાઈ, પરંતુ પાકિસ્તાની રેન્જર્સે કોઈ નક્કર પ્રતિભાવ આપ્યો નથી. પાકિસ્તાન ફ્લેગ મીટિંગને પણ મહત્ત્વ આપતું નથી. ભારતે હાલમાં પાકિસ્તાન તરફ કડક વલણ અપનાવતાં જવાનની મુક્તિમાં વિલંબ થઈ રહ્યો છે.