સોનેરી સંગતનો 56મો અધ્યાય આધ્યાત્મિક બની રહ્યો અને તેનું કારણ રહ્યું મહાકુંભ મેળાનાં વર્ણનો અને અનુભવોની ચર્ચા. ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અંદાજે 660 મિલિયનથી વધારે ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા. અમૃતસ્નાન, ઉત્સાહપૂર્ણ આધ્યાત્મિક શોભાયાત્રા અને ગ્રહોની દુર્લભ યુતિના પરિણામે મહાકુંભ એક ઐતિહાસિક ઘટના બની રહ્યો. આ જ ઐતિહાસિક ક્ષણનો અનુભવ કરી ચૂકેલાં ડો. હની કાલરિયા, નમિતાબહેન શાહ અને રાજેન્દ્રભાઈ જાનીએ મહાકુંભનું તાદૃશ્ય વર્ણન કર્યું.
કાર્યક્રમની શરૂઆતમાં માયાબહેન દીપકે કવિ શુકદેવ પંડ્યાની સુંદર રચના તેમના સુમધુર કંઠે રજૂ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે રાજેન્દ્રભાઈ જાનીને આમંત્રણ આપતાં મહાકુંભના મેળાનું મહત્ત્વ જણાવવા સૂચવ્યું.
રાજેન્દ્રભાઈ જાનીઃ 144 વર્ષે આયોજિત અને સતત 45 દિવસ ચાલતા પૂર્ણ અમૃત મહાકુંભના મેળાનું સમાપન ભલે થયું, પરંતુ મારી દૃષ્ટિએ આ વૈશ્વિક ચેતનાના અરુણોદયસમો રહ્યો. જ્યારે ઇતિહાસ ખડો થતો હોય, ત્યારે તેમાં ભાગ લેનારાને સ્વપ્ને પણ ખ્યાલ નથી હોતો કે તેમના દ્વારા ઇતિહાસનું સર્જન થઈ રહ્યું છે. તાજેતરમાં આવી જ એક ઘટના મહાકુંભે આપણી સામે આકાર લીધો, જેને નજરઅંદાજ કરી ન શકાય. કોઈપણ આમંત્રણ કે જાહેરાત વિના વિશ્વના અનેક દેશોની કુલ વસ્તી કરતાં વધારે અંદાજે 66 કરોડથી વધુ શ્રદ્ધાળુ આ વીરલ ઘટનાના સાક્ષી બન્યા. આશ્ચર્ય એ વાતનું કે, અભિભૂત કરનારા ઐતિહાસિક પૂર્ણ કુંભનું આયોજન કોઈ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ કંપની દ્વારા નહીં, પરંતુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરાયું હતું.
ભારતની કુલ વસ્તીના 50 ટકા અને વિશ્વના અનેક દેશોની કુલ વસ્તીથી વધારે લોકો, એમાં પણ 50 લાખ વિદેશી અને 73 દેશોના ડિપ્લોમેટ્સ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવે તેને વીરલ ઘટના જ કહી શકાય. આયોજનની વિશેષતા એ હતી કે આટલા મોટા માનવમહેરામણ પૈકી કોઈપણ ભૂખ્યું ન રહે તે માટે 32 હજાર રસોડાં ઊભાં કરી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરાઈ. આ સિવાય 1.50 લાખ ટોઈલેટ ઊભાં કરવાની સાથે આરોગ્ય, વીજળી, પાણી, પુરવઠો અને સુરક્ષા વ્યવસ્થા અદભુત હતી.
આજના હિન્દુ સમાજમાં શીખ, બૌદ્ધ, જૈન તમામે ભાગ લઈને બતાવી આપ્યું કે, અલગ-અલગ સંપ્રદાય છતાં આખરે તો બધા હિન્દુઓ જ છીએ. અમે હિન્દુ છીએ અને હિન્દ અમારો દેશ છે. હિન્દુત્વ ધર્મ પરિવર્તનમાં નહીં સર્વધર્મ પ્રવર્તનમાં વિશ્વાસ રાખે છે.
રાજેન્દ્રભાઈ જાની પાસેથી મહાકુંભ અને હિન્દુ સંસ્કૃતિને લગતી માહિતી મેળવ્યા બાદ જ્યોત્સનાબહેન શાહે બોલિવૂડ ડાન્સર, કોરિયોગ્રાફર અને ટીચર હની કલારીયાને પૂછયું કે, ‘મહાકુંભ મેળા પર ડોક્યુમેન્ટ્રી બનાવવાની પ્રેરણા આપને કઈ રીતે પ્રાપ્ત થઈ?’
હની કલારીયાઃ મહાકુંભ મેળાએ મને ખૂબ આકર્ષી અને પ્રેરણા આપી. સંજોગોવશાત પ્રયાગરાજ જઈ શકાય તેવું લાગતું નહોતું. જો કે 6 દિવસ બાકી હતા ત્યારે મને લાગ્યું કે, મારે જવું જ પડશે. જાણે બ્રહ્માંડીય શક્તિ મને પ્રેરણા આપતી હતી. એ જ દિવસે ભારતમાં મારી સંદીપ મારવા સાથે વાત થઈ અને મેં તેમને 144 વર્ષમાં એક વખત યોજાતા મેળાની ડોક્યુમેન્ટ્રી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી, જેમણે સાથે ડોક્યુમેન્ટ્રી બનાવવા પ્રસ્તાવ મૂક્યો. આ વાતની જાણ થતાં મારા જન્મદિવસની ભેટરૂપે એક મિત્રએ મારી ફ્લાઇટ ટિકિટ બુક કરાવી કહ્યું, ‘તું જા’.
દિલ્હી પહોંચ્યા બાદ પ્રયાગરાજ પહોંચવા ટિકિટ મળતી નહોતી, જો કે મારા મિત્રએ ફ્લાઇંગ ચાર્ટ પર પૂરતું ધ્યાન આપી એક ટિકિટ કેન્સલ થતાં જ મારી ટિકિટ બુક કરી દીધી. પ્રયાગરાજમાં જતાં મારા મિત્રના પિતા રાધેશ્યામજી અને સ્થાનિક પત્રકાર મનોજજીની ખૂબ મદદ મળી, જેમણે બધું જ એરેન્જ કરી દીધું. આમ મંગળવારે હું પહોંચી અને રાત્રે મહાશિવરાત્રીનું સ્નાન કરવાનો પણ લહાવો મળ્યો. આ બંને મહાનુભાવોની મદદથી હું પ્રયાગરાજની એક સુંદર ડોક્યુમેન્ટ્રી શૂટ કરી શકી.
મહાકુંભમાં પગ રાખતાં જ એક સ્વામી અજિત માલિયા મને મળ્યા, જેમણે ચૂંદડી અને હાર પહેરાવી મારું સ્વાગત કર્યું. સંગમસ્થળે પહોંચતાં સ્વામીજીએ મને વિધિવિધાન અને મંત્રચ્ચાર સાથે પૂજા કરાવી આસ્થાની ડૂબકી લગાવડાવી. ગંગાઆરતી માટે ત્રિવેણીસંગમ હું સમયસર પહોંચી શકી નહોતી. મને તેનો અફસોસ હતો, જો કે તે સમયે જ એક સાધુએ આવીને મને વિધિવત્ પૂજા કરાવી, જે બાદ તેઓ એક વયોવૃદ્ધ સાધુને લઈ આવ્યા જેમણે મને ગંગાઆરતી પણ કરાવડાવી. આમ મારી ગંગાઆરતીની અધૂરી ઇચ્છા પણ પૂર્ણ થઈ ગઈ. આરતી પૂર્ણ થતાં હું ગંગાકિનારે ફરતી હતી તે દરમિયાન એક અઘોરી બાવાએ મને બોલાવી અને તેમણે મને રુદ્રાક્ષ ભેટમાં આપી આશીર્વાદ આપ્યા. મારી ત્યાં કરવામાં આવેલી આગતા-સ્વાગતા અને સ્થાનિકો દ્વારા મને અપાયેલું માન હું ક્યારેય ભૂલી નહીં શકું.
હની કલારીયાના સુંદર અનુભવો જાણ્યા બાદ જ્યોત્સનાબહેને ક્વોલિફાઇડ લોયર નમિતાબહેન શાહને પૂછયું કે, ‘તમને મહાકુંભમાં જવાની પ્રેરણા કેમ થઈ અને તેનું પ્રેરણાસ્રોત કયું?’
નમિતાબહેન શાહઃ જ્યારે ભગવાનની ઇચ્છા હોય છે ત્યારે વસ્તુઓ આપમેળે જ થઈ જાય છે. 144 વર્ષમાં એક વખત યોજાતા મહાકુંભ અને તેના મહત્ત્વ અંગે જાણ્યું ત્યારે મને લાગ્યું કે આ બહુ વિશેષ અનુભવ રહેશે, કારણ કે મારી બે પેઢી પણ આ અનુભવ લઈ શકવાની નથી, તો આ અવસર મારાથી કેમ છોડાય! મને અને મારા ભાણેજને પ્રયાગરાજ જવામાં ખૂબ રસ હતો. આ દરમિયાન મારા બે મિત્રોએ મને કહ્યું કે ત્યાં જવામાં કોઈ તકલીફ નથી, સારો જ અનુભવ રહ્યો છે. આ લોકોએ મને જરૂરી સૂચનો અને મદદ પૂરાં પાડ્યાં. આમ અમે જવા માટે મક્કમ થઈ ગયાં હતાં. આ જ સમયે સરકારના સૂચનથી ફ્લાઇટની ટિકિટના ભાવ ઓછા થયા અને અમે રવાના થઈ ગયાં. મારી મિત્રએ આપેલા રેફરન્સથી મદદથી આર્ટ ઓફ લીવિંગ દ્વારા અમને રહેવા માટે સુંદર જગ્યા મળી ગઈ અને આમ મને જવાનો અવસર પ્રાપ્ત થયો.
મહાકુંભમાં ગયા બાદ હું એક વસ્તુ શીખી કે, આપણને જો કંઈ જોઈએ છે, તો તેના માટે થોડો વધુ પ્રયત્ન કરો, થોડા વધારે સકારાત્મક બનો, મન મક્કમ કરો અને સ્થિતિને ભગવાનના હાથમાં છોડી દો. આમ કરતાં રસ્તાઓ આપોઆપ ખૂલી જાય છે અને ઇચ્છાપૂર્તિ થાય છે.
પ્રયાગરાજમાં તમને કેવી અનુભૂતિ થઈ?
નમિતાબહેન શાહઃ અમે દશાશ્વમેઘ ઘાટની સામેની જગ્યામાં આવેલી રાજા ટોડલમલની હવેલીમાં રોકાયાં હતાં, જેના ટેરેસ પરથી સમગ્ર મહાકુંભનાં દર્શન થતાં હતાં. અહીં તમામ જાતિ-જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા, જેઓની સામ્યતા એકમાત્ર આધ્યાત્મિકતા હતી. તે સ્થળે એક સકારાત્મકતા હતી, જેને મેં અનુભવી હતી.
સ્નાનનો અનુભવ કેવો રહ્યો?
નમિતાબહેન શાહઃ ગંગાજીમાં ઉતરી ત્યારે સૂર્યનારાયણ અને ગંગાની શીતળતાના સાથે મારા પૂર્વજો, મિત્ર અને સગાંવહાલાંને યાદ કર્યાં. આ સાથે મારાં જીવનભરનાં કાર્યો પર મંથન થવા લાગ્યું. આ સમયે હું એટલી હદે ખોવાઈ ગઈ કે મારી આસપાસ શું ચાલી રહ્યું છે તેનું મને ભાન પણ ન રહ્યું. આ સાથે ગંગામાં મારેલી ડૂબકીથી જાણે કે મારાં અનાયાસે થયેલાં પાપ ધોવાઈ ગયાં. આ અનુભવ હું ક્યારેય નહીં ભૂલી શકું.
અખાડામાં સાધુસંતો સાથેનો અનુભવ કેવો રહ્યો?
અમે અખાડા જોવા ગયા ત્યારે એક નાગા સાધુએ મારા લલાટે કરેલા ચંદન અને ભભૂતિના તિલકની શીતળતા જ ન્યારી હતી. કરોડો લોકોની ભીડ છતાં મને એક મહિલા તરીકે ક્યાંય પણ અસુરક્ષા કે ખરાબ અનુભવ નથી થયો. આ અદ્વિતીય અનુભવ હતો.
કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રકાશક – તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, આજના આમંત્રિતો આજે સાચે જ મહાકુંભમાં લઈ ગયા. મહાકુંભ એ માનવજીવનનું મહાસંમેલન હતું, જેનું આયોજન ન ભૂતો ન ભવિષ્યતી હતું. આપણો વારસો, સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરા આપણને દેશ-વિદેશમાં અદભુત બળ આપે છે.