મુંબઈ: નાગપુર યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે તેમને રાજ્યના યવતમાળ જિલ્લામાં લગભગ 3000 વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો મળ્યા છે, જે લોહયુગના હોવાનું તેમનું માનવું છે. જોકે અત્યારે આ નમૂનાઓને ડેટિંગ માટે મોકલાયા છે, તેનું પરિણામ આવ્યા બાદ તેનો ચોક્કસ સમયગાળો જાણી શકાશે.
ડિપાર્ટમેન્ટ ઓફ એન્સિયન્ટ ઈન્ડિયન હિસ્ટ્રી, કલ્ચર એન્ડ આર્કિઓલોજી (પ્રાચીન ભારતીય ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગ)ના અધ્યક્ષ ડો. પ્રબાશ સાહુએ જણાવ્યું હતું કે, એક ટીમે 2023 થી 2024 દરમિયાન બાબુલગાંવ તાલુકાના પાચખેડ ગામમાં ખોદકામ કર્યું હતું. ત્યારે ટીમને પાચખેડ ગામમાં એક પુરાતત્વીય સ્થળની બહાર એક ટેકરો મળ્યો હતો. જેમાં ગયા વર્ષે ખોદકામ દરમિયાન લગભગ 8.73 મીટરના અવશેષો મળ્યા હતા, અમે તેને ચાર સમયગાળામાં વિભાજીત કર્યા છે. આમાંથી એક સમયગાળો લોહયુગનો હતો, જેને પેટા સમયગાળામાં વિભાજીત કરાયો હતો. શોધનો સાંસ્કૃતિક ક્રમ માટીકામ અને કલાકૃતિના અવશેષોના આધારે લોખંડયુગથી શરૂ થાય છે.