શરીરમાં પીડા પમાડે એવા અનેક રોગો ઉત્પન્ન થતાં હોય છે. એના ઉપચારો પણ હોય છે. ઔષધોનું યથાર્થ સેવન કરવામાં આવે તો તે રોગોની પીડામાંથી છુટકારો મળે છે. દેહની પીડા કરતાં મનની પીડા અત્યંત કષ્ટદાયક હોય છે. મનની પીડામાંથી છુટકારો મેળવવા મનને હળવું, પ્રસન્ન અને નિર્મળ કરવાના ઉપાયો સુલભ નથી. છતાં મનની પીડા મટાડી એને નિર્મળ રાખવાની જરૂર છે.
अशान्तस्य कुतः सुखम् ?
મનને જે શલ્ય પીડા આપે છે, મલિન અને સંકલેશમય બનાવે છે તે વિષે આપણે વિચાર કરીએ. મનને પીડા થવાના ઘણાં કારણો છે: કોઈએ આપણું ધાર્યું ન કર્યું; આપણા સુખી સંસારમાં કાંકરા નાખી દુઃખના વલયો સર્જ્યો; આપણે ગોઠવેલી ધંધાની બાજી કોઈ કારણે અવળી પડી; આપણે કોઈના રોષના ભોગ બન્યા અને ભારે નુકશાની વેઠી...આવા આવા અનેક પ્રસંગોમાં જે વ્યક્તિ નિમિત્ત બને તે વ્યક્તિ પ્રત્યે આપણા હૃદયમાં દ્વેષનું બીજ રોપાય છે જે ક્રમે ક્રમે વેરનું રૂપ ધારણ કરે છે. આ વેર આપણા મનનો કબજો લઈ લે છે. આ વેર તે વ્યક્તિ કરતાં આપણને જ વધારે દઝાડે છે. સતત દઝાડતો આ વૈરાગ્નિ શલ્ય બનીને ખૂંચતો રહે છે. આવા અશાંત મનને સુખ ક્યાંથી હોય?
अशान्तस्य कुतः सुखम् ?
તો, મનને શાંત અને પ્રસન્ન બનાવવા શું કરવું જોઈએ ? શ્રી અમર પાલનપુરીએ આ માટે ‘ઉઝરડા’ પુસ્તકમાં લખ્યું છે :
ટુંકમાં જિંદગીમાં ક્યાંય સુખ નથી. જિંદગીનું બીજું નામ જ દુ:ખ છે ! પરંતુ એમાં સ્વર્ગનું સુખ પણ સમાયેલું છે -જો તમારામાં વીસરવાની તાકાત હોય તો !
વીતેલી દરેક - સુખની અને દુ:ખની - ક્ષણને ભૂલી જાઓ. દરેક ભૂલની માફી માંગી લો અને દરેક ભૂલને માફ કરી દો. કશું જ યાદ ન રાખો. યાદ એ જ ફરિયાદનું મૂળ છે! વિવાદ એનું થડ છે, વિખવાદ એની ડાળીઓ છે
અને વિષાદ એનું ફળ છે! જો આ બધાથી દૂર રહેવું હોય અને ખરેખર સુખથી જીવવું હોય તો ફક્ત વીસરતા શીખો.
ભૂલી જવાની કળા એ આપણા મનને સુખી રાખવાનો રસ્તો છે. આમેય આપણને બધું ક્યાં યાદ રહે છે ? પણ મનની વિચિત્રતા તો એ છે કે જે ભૂલી જવાથી સુખ મળે તેને આપણે ભૂલતાં નથી. જૂના થઈ ગયેલા ઘાને ખોતરીને પીડા નીપજાવીએ છીએ. પરિણામે ચચરાટ વધે છે અને જખમ ઊંડો પણ બને છે. રૂઝ આવવામાં વિલંબ થતો જાય છે. કોણ જાણે કેમ, પણ, આ બધું જાણ્યા પછી પણ એમાંથી પોતાની જાતને અળગી કરી શકતા નથી અને સુખ પામતા નથી...
... પણ હવે તો પ્રયત્ન કરીને પણ, જે સ્મરણ કડવાશને તાજી રાખે તેનું વિસ્મરણ જ કરવું છે. વીસરી જવામાં ભલે દોષ હોય, આ બાબતમાં તો તે ગુણ જ છે.
હાં, તો મૂળ વાત એ છે કે વીસરી જવું એ મનને સુખી કરવાનો પહેલો ઉપાય છે. બીજો ઉપાય છે, માફ કરવું તે. ક્ષમા આપવી તે. આપણે 'ક્ષમાપના' શબ્દથી આ જાણીએ છીએ.
પરંતુ, 'ક્ષમાપના' જેવા આ અર્થગંભીર શબ્દને રોજિંદા વ્યવહારમાં લઈ જઈને એનું કૌવત આપણે ગુમાવી બેઠાં છીએ ! ક્ષમાપનાની તો એક નિરાળી ગરિમા છે. ક્ષમા કરનાર અને ક્ષમા ઝીલનાર બન્ને ધન્ય બને છે. બંને ગૌરવશાળી ગણાય છે, કેમકે તેનાથી મૈત્રીની ઉત્તમ ભૂમિકાનું સર્જન થાય છે. એક આહ્લાદ ભર્યો સંબંધ પાંગરે છે જે, મનને સતત હળવું રાખે છે. શ્રમણ ભગવાન મહાવીરે દેશના આપતાં, ક્ષમાપનાથી શેની પ્રાપ્તિ થાય છે તેના યાદગાર શબ્દો:
ક્ષમાપના કરવાથી પ્રહ્લાદનભાવ ઊપજે છે. પ્રહલાદનભાવ પામેલો જીવ સર્વ પ્રાણ-ભૂત-જીવ અને સત્ત્વ વિષે મૈત્રીભાવને ધારણ કરનાર બને છે. મૈત્રીભાવ પામેલો જીવ શુદ્ધિ પામીને નિર્ભય બને છે.
આમ, નિર્ભય બનાવનાર ક્ષમાપના પ્રસન્નકર્તા પણ છે. પોતાના અપરાધોની માફી માંગનાર, પછી આખી ઘટનાને ભૂલી જાય છે. મેજિક-સ્લેટની જેમ ચિત્તને કોઈ પણ ચિહ્ન વિનાનું કોરું કરી શકે એને તો સદા દિવાળી હોય. ક્ષમાપના વિષે, લૌકિક અને લોકોત્તર આ બે ઉદાહરણો આપણને એ રસ્તે જવા માટે પથદર્શક સમા છે.
શરણાગતને ક્ષમા
એક ચોર હતો. એનો પરિવાર પણ મોટો ! એક દિવસ તેણે ઘરમાં આવી ખાવા માગ્યું. કમનસીબે ઘરમાં હાંડલા કુસ્તી કરે એવી હાલત હતી એટલે ચૂલો ઠંડો હતો. એ દિવસ તહેવારનો હતો અને ગામમાં એની ધમાલ હતી. ઘર-ઘરમાં ખીર રંધાતી હતી. એવો રિવાજ હતો. ચોરની પત્નીએ ક્યાંકથી તૈયાર ખીર ચોરી લાવવાનું કહ્યું ! ફરતાં-ફરતાં એક ઘરમાંથી રંધાયેલી ખીરની મીઠી સોડમ આવી. ઘરમાં ઘૂસી આખું તપેલું ઊંચકી એ તો ભાગ્યો ઘર ભણી ! કોઈ એને રોકી કે પકડી શક્યું નહીં. ઘરમાં આવી તપેલું મૂક્યું ત્યાં પત્નીએ ખીર સાથે ભજીયા-પૂરીની માગણી કરી. ચોર ફરી ઉપડ્યો.
તે દિવસે કોઈ પરદેશી રાજાએ સૈન્ય સાથે ગામ બહાર પડાવ નાખ્યો તો. તહેવારની વાત સાંભળી એના સેનાપતિના પરિવારને પણ ખીર ખાવાનું મન થયું. બે સૈનિકોને દોડાવ્યા ખીર લાવવા. ખીરની શોધ કરતાં સૈનિકો ચોરના ઘર નજીક આવ્યા અને બારણા પાસે ખીરનું તપેલું જોયું અને તે જ ઉપાડીને ચાલતાં થયાં. સેનાપતિ અને તેની પત્ની, તેનો ભાઈ, મા વગેરે બધા જોઈ રહ્યા. કોઈ દિવસ ખીર ખાધી નહી હોય ! એની સોડમથી સ્વાદ માણવા લલચાઈ રહ્યા.
આ બાજુ ભૂખ્યો ચોર, ભજીયા-પૂરી ન મળવાથી ખાલી હાથે પાછો આવ્યો. ઘરમાં ખીરનું તપેલું જોયું નહીં. છોકરાઓને પૂછતાં જાણ્યું કે બે સૈનિકો આવી ઊપાડી ગયા છે. ચોરને ગુસ્સો આવ્યો. માર-માર કરતો તે છાવણી પાસે પહોંચ્યો. ત્યાં ખીરનું તપેલું જોઈ કાળઝાળ થયો અને સૈનિકના હાથમાંથી ભાલો ઝૂંટવી સેનાપતિની હત્યા કરીને ભાગ્યો. સેનાપતિની પત્ની અને માએ, હત્યારાને પકડી લાવવા સૈનિકોને દોડાવ્યા. પ્રાણનો બદલો પ્રાણથી જોઈએ. લપાતો છૂપાતો ચોર, ભૂખનો માર્યો બહુ ભાગી ન શક્યો અને પકડાઈ ગયો, મુશ્કેટાટ બાંધીને છાવણીમાં હાજર કરાયો. વેર અને બદલાની આગ વરસી રહી હતી.
ચોર કહે : શરણાગતને જ્યાં પ્રહાર કરી શકાય ત્યાં કરો.
ભાલો અટકી ગયો. હવે શું કરવું? શરણે આવેલાને મરાય નહીં. ચોરને માફી આપી, ઊભો કર્યો. શરણાગતને ભાઈ બનાવી સેનાપતિની પત્નીએ એને તિલક કર્યું, હાર પહેરાવ્યો.
આપણે જોઈ શક્યા કે સાવ નીચ કોટિના માણસમાં પણ જ્યાં વેર લેવાની તીવ્ર તરસ હતી ત્યાં માત્ર ‘શરણાગતને જ્યાં પ્રહાર કરાય ત્યાં કરો' -આટલા વાક્ય માત્રથી વૈર શમ્યું. આપણે તો તેનાથી ઉચ્ચ કોટિના છીએ અને ઘણા ઊંચા પ્રકારનો બોધ પામ્યા છીએ.
સામા પક્ષે મોટામાં મોટી ભૂલ હોય તો પણ તેને સામે ચાલીને માફ કરવી જોઈએ. બીજા દૃષ્ટાંતમાં આ વાત દૃઢતાપૂર્વક સમજીએ.
કલ્યાણમલ અને સહસ્રમલની કથા
જગદ્ગુરુ શ્રી હીરવિજયજી મહારાજના ગુરુભાઈ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે. રાજસ્થાનના મેડતા ગામમાં તપગચ્છના ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન હતા. ગામમાં શ્રાવકોના ઘણા ઘર હતા. એમાં કલ્યાણમલ નામના એક ધર્મનિષ્ઠ શ્રાવક આગળ પડતાં અને શ્રીમંત ગૃહસ્થ હતા. સવાર-સાંજ પ્રતિક્રમણ કરતાં. પકખીના દિવસે પૌષઘ કરતાં. રોજ સવારે વ્યાખ્યાન-પ્રવચનમાં તેઓ નિયમિત આવતાં ત્યારે તેમના માથે માત્ર ફાળિયું બાંધેલું જોવા મળતું. બીજા સહુ શ્રાવકો માથે પાઘડી બાંધતા. એક દિવસે બપોરે એકાંત હતું ત્યારે ધર્મસાગરજીએ પૂછ્યછયું કે તમારે કોઈ અભિગ્રહ છે? માથે પાઘડી કેમ મૂકતાં નથી? ગુરુને ઉત્તર આપવો જોઈએ એટલે એમણે સંકોચ સહ કહ્યું : મેં પ્રતિજ્ઞા કરી છે કે સહસ્રમલ મંત્રીને માર્યા પછી જ માથે પાઘડી બાંધુ, ગુરુએ પૂછ્યું: કેટલા વર્ષથી તમે આ પ્રતિજ્ઞા કરી છે? ઉત્તર મળ્યો : પચીસ વર્ષથી. ગુરુદેવને લાગ્યું કે આનો ક્રોધ ઘણો ગાઢ લાગે છે. ક્રોધ ત્યજવા માટે દાખલાઓ આપી સમજાવ્યો પરંતુ તે કાંઈ સમજ્યો નહીં.
થોડા દિવસ પછી એકદા, સહસ્રમલ મોડી રાત્રે ઉપાશ્રયમાં ગુરુને વંદન કરવા આવ્યા. બીજા સાધુઓ સંથારી ગયા હતા. કમાડ ઊઘાડી મંત્રીએ પ્રવેશીને ગુરુને વંદન કર્યું. ગુરુદેવે પૂછયું : આટલી મોડી રાત્રે કેમ આવ-જા કરો છો? તમારા માથે દુશ્મન છે. મંત્રીએ પૂછ્યછયુંઃ મારે માથે કોણ દુશ્મન છે? ત્યારે તેમણે કલ્યાણમલની વાત કરી. સંજોગવશાત્ કલ્યાણમલ પ્રતિક્રમણ કરીને આજે ત્યાં જ, ઉપાશ્રયમાં સૂતા હતા. તેણે કાનોકાન વાત સાંભળી અને સમસમી ગયા. મંત્રી ગયા પછી મહારાજશ્રીની પાટ પાસે જઈ એમને સખત ઠપકો આપ્યો. રોષમાં હાથ પછાડી બોલ્યા : આ ઉપાશ્રયમાં હવે હું કદી પગ નહીં મૂકું. અને ધૂંઆપૂંઆ થતાં તે ઘેર આવ્યો.
બીજે દિવસે દહેરાસર જઈ તરત પાછો ઘેર ગયો એટલે પત્નીએ પૂછ્યછયુંઃ કેમ ? ઉપાશ્રયે ગુરુને વંદન કરવા ન ગયા? પહેલા તો કાંઈ જવાબ આપ્યો નહીં પણ પછી ગઈ રાતે બનેલી ઘટના કહી સંભળાવી. ધર્મ પરાયણ પત્નીએ સમજાવ્યું: સાધુપુરુષ સાથે આવો રોષ આપણને ન શોભે. કલ્યાણમલે જીદ ન છોડી.
ઉપાશ્રયે જવાનું બંધ કર્યું એટલે સામાયિક-પ્રતિક્રમણ ઘરે કરતો. પૌષધ પણ ઘેર કરતો. સંઘને ખ્યાલ આવી ગયો હતો કે કલ્યાણમલ ઉપાશ્રયે આવતા નથી. વિનંતિ કરવા છતાં પણ માન્યા નહીં. પર્યુષણ આવ્યા ત્યારે ગુરુદેવને થયું કે કલ્યાણમલ કલ્પસૂત્ર સાંભળવા તો આવશે જ. પણ તે એકેય દિવસ દેખાયા નહીં. તો પણ માન્યું કે સંવત્સરીએ બારસા સાંભળવા જરૂર આવશે.
બીજા ગચ્છવાળા પણ મનાવવા ગયા કે અમારું અને તમારું કલ્પસૂત્ર એક જ છે. અમારે ત્યાં આવજો. જીદે ભરાયેલા કલ્યાણમલ એવા કટુ વેણ બોલ્યા કે બધા ઊભા થઈ ગયા !
ઉપાધ્યાયજીને આની જાણ થઈ. એમને થયું આવા દૃઢકર્મીને ખમાવ્યા વિના મારે સંવત્સરી પ્રતિક્રમણ કરવું ઉચિત નથી; એટલે વ્યાખ્યાન પછી, ચૈત્યપરિપાટી કરીને ઉપાશ્રયે જતાં પહેલાં કલ્યાણમલના ઘર તરફ એકલા જવા નીકળ્યા.
ક્ષણવારમાં તો કલ્યાણમલના ઘરે ખબર પહોંચી ગયા. એણે ઘરનાં કમાડ બંધ કરાવ્યા અને પોતે અંદરના ઓરડામાં બસી ગયા. પત્નીએ કહ્યું : ગુરુ મહારાજ આપણા ઘરે આવતા હોય ને બારણાં બંધ કરીને ન બેસાય. પત્નીએ બારણાં ખોલ્યા. ધર્મસાગરજી પધાર્યા. 'કલ્યાણમલ ક્યાં છે?' જેવા તેઓ એના ઓરડામાં ગયા કે તરત કલ્યાણમલ માળિયા ઉપર ચડીને ભીંત તરફ મોં કરીને બેસી ગયા. મહારાજશ્રીએ ગદ્ગદ્ સ્વરે કહ્યુંઃ કલ્યાણમલને ખમાવ્યા વિના મારું સંવત્સરી પડિકમણું સાચું ન થઈ શકે. કલ્યાણમલ, તે રાત્રે તમારા માટે સહસ્રમલને જે કહ્યું તેથી તમારું હૃદય દુભાયું તે માટે મને ક્ષમા આપો.
આ સાંભળી, પત્ની, પુત્રો અને પુત્રવધુઓ રડવા લાગ્યા. સહુએ કલ્યાણમલને વિનવ્યા; સામુ તો જુઓ ! અને મિચ્છા મિ દુક્કડમ્ દો.
ઉપાધ્યાયજી હૃદયપૂર્વક ક્ષમા માગીને તરત ઘરની બહાર નીકળી ગયા. પાછળથી કલ્યાણમલનું ચિત્ત શાંત થતાં હૃદય વલોવાયું. હૃદયના શબ્દો હૃદયમાં ઉતર્યા : જો ગુરુદેવનું સંવત્સરી પ્રતિક્રમણ કલ્યાણમલને ખમાવ્યા વિના સાચું થતું ન હોય તો સહસ્રમલને ખમાવ્યા વિના મારું પ્રતિક્રમણ પણ સાચું ક્યાંથી હોય?
હૃદય પરિવર્તન થતાં વેંત તે ઉપાશ્રય તરફ દોડી ગયા. ઉપાધ્યાયજી હમણાં જ આસન પર બેઠા હતા. બાજુમાં કટાસો પર સહસ્રમલ પણ બેઠા હતા. કલ્યાણમલ સીધા જ સહસ્રમલ પાસે જઈ તેના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડતા અવાજે તેમની પાસે, પોતાના વર્ષો જુના અપરાધની માફી માગી. સમગ્ર સભા આ દૃશ્ય જોઈ ગદ્ગદ્ બની. બન્ને ચોધાર આંસુએ રડવા લાગ્યા. કોણ કોને છાનું રાખે? બધા હર્ષવિભોર થઈ જોઈ રહ્યા. ધર્મનો આ કેવો પ્રભાવ ! ઉપાધ્યાયજી મહારાજ સામે ચાલીને એક શ્રાવકને ખમાવવા ગયા એની કેવી ગાઢ અસર થઈ! વર્ષો જૂના મૂળવાળા વેરને સ્થાને પ્રેમનું અવતરણ થયું. બંને સાચા મિત્રો બન્યા. પવિત્ર પર્વની આરાધનાની સાર્થકતા જણાઈ.
જ્યોતથી જ્યોત જલે
એક દીવામાંથી સો-સો દીવા પ્રગટે એમ એક નિર્મળ હૈયાના શુદ્ધ પ્રેમથી અનેકના હૈયામાં પ્રેમના બીજ રોપાય છે. ક્ષમાના આ લોકોત્તર પ્રસંગનું મહત્ત્વ સમજીએ.
માત્ર છાપેલા કાર્ડ લખીને ઔપચારિક ક્ષમા માગવાનાં થતાં વ્યવહાર વડે આવી ચિત્ત શુદ્ધિ સધાઈ જાય એવું માનવું વધુ પડતું છે. દિલને સ્પર્શે અને સામાને પણ ક્ષમા આપવાનું મન થાય તે રીતે જ ક્ષમાપના કરવાની હોય. એમાં જ ખરી સાર્થકતા સમાઈ છે.

