લંડનઃ દુનિયામાં 700 કરોડ મોબાઇલ યુઝર્સ છે. તો ગૂગલના એક્ટિવ યુઝર્સનો આંકડો 350 કરોડથી વધુ છે. આમાંથી 250 કરોડ એક્ટિવ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો છે. ગૂગલ યુઝર્સના સંદર્ભે આ સૌથી મોટી ડેટા ચોરી છે. ગૂગલે પણ ડેટા ચોરીની વાત સ્વીકારી હતી. જો કે ગૂગલે કોઈ ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી.
શાઈની હંટર્સ નામના હેકર્સ ગ્રૂપે ગૂગલના 250 કરોડ યુઝર્સનો ડેટા ચોરી લીધો હતો. એ ઘટના ચોક્કસ ક્યારે બની તે બાબતે મતભેદો છે, પરંતુ મોટાભાગના સાઇબર એક્સપર્ટ્સ કહે છે કે, આ જૂન-2025ના અંતમાં કે જુલાઈની શરૂઆતમાં ગૂગલના કર્મચારીઓના કમ્પ્યુટર્સનો કોઈ ટ્રિકથી એક્સેસ મેળવાયો હતો અને તે દરમિયાન ગૂગલના યુઝર્સનો ડેટા તફડાવી લેવાયો હતો.
ગૂગલના કરોડો યુઝર્સનો ડેટા શાઇની હંટર્સ ગ્રૂપે ડાર્ક વેબમાં વેચવા મૂક્યો એ પછી આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. દુનિયાભરના સાઈબર સુરક્ષા એક્સપર્ટ્સ સફાળા જાગ્યા હતા. સરકારી અને ખાનગી સાઇબર સુરક્ષા એજન્સીઓએ તુરંત ગૂગલ યુઝર્સને પાસવર્ડ ચેન્જ કરવાની ભલામણ પણ કરી છે. જે ડેટા ચોરાયો છે એમાં ખૂબ સંવેદનશીલ કહી શકાય એવી માહિતી પણ સામેલ છે.

