રશિયા પાસેથી ક્રુડની ખરીદીના બહાને અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારતીય આયાતો પર 50 ટકા ટેરિફ લાદી દીધો જેના પગલે ભારતે ફરી એકવાર ચીન તરફ નજર દોડાવી છે. લદ્દાખમાં ચીની સેનાના અતિક્રમણ અને ગાલવાનની ઘટના બાદ ભારતે ચીન સાથેના મોટાભાગના દ્વિપક્ષીય સંબંધો સ્થગિત કરી દીધાં હતાં. અમેરિકાના સહકારથી ભારત સાઉથ એશિયામાં ચીનને પડકાર પણ આપી રહ્યો હતો પરંતુ ટ્રમ્પના આગમન અને તેમણે અપનાવેલા ધમકીભર્યા વલણને કારણે ભારતનો અમેરિકા પ્રત્યેનો મોહભંગ થઇ ગયો છે. તેના વિકલ્પ તરીકે ભારતે ચીન સાથેના સંબંધો સુધારવા ત્વરિત પગલાં ભરવાનું શરૂ પણ કરી દીધું છે. આ સપ્તાહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષના લાંબાગાળા બાદ ચીનની મુલાકાત લે તે પહેલાં બંને દેશના વરિષ્ઠ આગેવાનો વચ્ચે મહત્વની કૂટનીતિક બેઠકો યોજાઇ ચૂકી છે. ભારતે ચીની નાગરિકો પર લાદેલા વિઝા નિયંત્રણો હટાવી લીધાં છે અને કોરોનાકાળથી સ્થગિત કરેલી વિમાની સેવાઓ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
સૌથી મહત્વનો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા માટે ભારતે અપનાવેલો ચીન તરફી અભિગમ યોગ્ય છે? ભારત આઝાદ થયો ત્યારથી ચીનનું વલણ દગાબાજીથી ભરપૂર રહ્યું છે. 1962માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથે પંચશીલની કથા કરતાં કરતાં ચીને ભારત પર આક્રમણ કરી દીધું હતું. ત્યારપછી સમયાંતરે ચીન ભારતવિરોધી વલણ અપનાવતો રહ્યો છે. લદ્દાખથી માંડીને ઉત્તરપૂર્વના અરૂણાચલપ્રદેશ અને સિક્કિમમાં ઘૂસણખોરી, ભારતીય પ્રદેશો પર હક અને દાવાઓ, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં લેવાતા નિર્ણયોને વીટો દ્વારા ફગાવવા અને તાજેતરમાં ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાનને ભરપૂર લશ્કરી અને વ્યૂહાત્મક સહાય કરનારા ચીન પર કેટલા અંશે વિશ્વાસ કરી શકાય?
જો ફક્ત ટ્રમ્પ ટેરિફને કારણે જ ચીન સાથેના સંબંધો સુધારવામાં આવી રહ્યાં હોય તો ભારતીય શાસકોએ તેમાં ઘણી સાવધાની રાખવાની જરૂર છે. ભારતનો ચીન સાથેનો વેપાર ક્યારેય ભારતના પક્ષમાં લાભકારક રહ્યો નથી. ચીન અને ભારત વચ્ચેની વેપારખાધ 100 બિલિયન અમેરિકન ડોલરની આસપાસ છે. જેની સામે અમેરિકા સાથેના વેપારમાં ત્યાર સુધી ભારતીય નિકાસો સરપ્લસ રહી છે. બીજીતરફ ભારતમાં ચીની માલસામાન પરની નિર્ભરતા વધશે તેમ ભારતની વ્યૂહાત્મક નબળાઇઓ પણ ગંભીર બનતી જશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે આત્મનિર્ભરતાની દુહાઇઓ આપતા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતનું ઉદ્યોગજગત આજે ચીની આયાતો પર જ નભી રહ્યું છે. સેમી કન્ડક્ટર, રેર અર્થ મિનરલ્સ, હેવી મશીનરીમાં ચીન પરની ભારતની નિર્ભરતા આંખે ઊડીને વળગે તેવી છે.
આમ ભારત અને ચીન વચ્ચેના વેપાર સંબંધને એકતરફી ગણી શકાય અને તે નોંધપાત્ર વ્યૂહાત્મક જોખમોને આમંત્રણ આપે છે. ભારતીય સેક્ટરો પર ચીની પ્રભુત્વ નવી દિલ્હીની વિદેશનીતિને પ્રભાવિત કરી શકે છે. ચીન પર આધારિત બનવાથી ભારત સ્વતંત્રપણે નીતિગત નિર્ણયો લઇ શકશે નહીં. આમ સંપુર્ણપણે ચીન પર આધારિત બનવાને બદલે ભારતે તેની વેપાર અને કૂટનીતિને નવેસરથી આયામ આપવો પડશે. ચીન પર આંખો મીંચીને ભરોસો કરવો નરી મૂર્ખતા સાબિત થઇ શકે છે. ભારતના વડાપ્રધાન મોદી અને તેમની સરકાર આ સ્થિતિ અંગે વાકેફ છે અને આશા છે કે યોગ્ય પગલાં લેશે.
