આધુનિક ટેકનોલોજીના જમાનાએ પારિવારિક જીવન અને સંવાદ પર મોટા સવાલો સર્જી દીધાં છે. એક સરવે અનુસાર બ્રિટન આજે એન્ટીસોશિયલ સ્ક્રીન એડિક્ટ્સનો દેશ બની ગયો છે. બ્રિટનમાં પરિવારોમાં હવે ડીનર સમયે ડાઇનિંગ ટેબલ પર પરિવારજનો ક્યાં તો તેમના મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહે છે અથવા તો ટેલિવિઝનની સ્ક્રીન પર તેમની આંખો જડાયેલી રહે છે. આ કુટેવો પારિવારિક જીવન અને પરસ્પરના સંવાદ માટે અત્યંત હાનિકારક બની ગઇ છે. આ ફક્ત બ્રિટન કે બ્રિટિશ પરિવારોની વાત નથી. બ્રિટનમાં વસતા ભારતીય પરિવારોની પણ આજ હાલત છે. બ્રિટનને છોડો ભારતમાં પણ આજ સ્થિતિ પ્રવર્તી રહી છે.
એકસમય એવો હતો જ્યારે ટેકનોલોજીએ પરિવારો મધ્યે અતિક્રમણ કર્યું નહોતું. સાંજના સમયે ડીનર લેતાં લેતાં પરિવાર વચ્ચે આખા દિવસના ઘટનાક્રમ અંગે ચર્ચા થતી. માતાપિતા અને બાળકો વચ્ચે સીધું અનુસંધાન થતું હતું. પરંતુ આજે પરિસ્થિતિએ સમરસોલ્ટ માર્યો છે. હવે તો ડાઇનિંગ ટેબલનો કોન્સેપ્ટ જ સમાપ્ત થઇ રહ્યો છે. બ્રિટનમાં બહુમતી લોકો ડાઇનિંગ ટેબલ પર ડીનર લેવા બેસતા જ નથી. 45 ટકા લોકો સોફા પર બેસીને ટેલિવિઝન જોતાં જોતાં ભોજન લેવાનું પસંદ કરે છે. કેટલાંક પોતાના બેડરૂમમાં ડીનર લે છે તો કેટલાંક કીચનમાં ઊભા ઊભા જ ભોજન કરી લે છે. બહુમતી લોકો ડાઇનિંગ ટેબલ પર ભોજન સમયે ક્યાં તો મોબાઇલ ફોન અથવા તો ટેલિવિઝન સ્ક્રીનમાં વ્યસ્ત રહે છે. તાજેતરના વર્ષોમાં જાણે કે પરસ્પરનો સંવાદ અદ્રશ્ય જ થઇ ગયો છે.
એ વાતનો ઇનકાર થઇ શક્તો નથી કે જિંદગી ઘણી ફાસ્ટ અને વ્યસ્ત બની ગઇ છે. તેના કારણે પરિવારજનો પાસે એકબીજા માટે સમય હોતો નથી. ડાઇનિંગ ટેબલ અને ડીનર જ એક એવો સમય અને સ્થળ છે જ્યાં પરિવાર એકસાથે બેસીને થોડો સમય સંવાદ સાધી શકે છે. પરંતુ ટેકનોલોજીએ આ સમય પણ પરિવારો પાસેથી છીનવી લીધો છે.
બ્રિટિશ ભારતીય અને ગુજરાતી પરિવારોમાં પણ આ દુષણ વ્યાપક છે. જેના પગલે સંતાનો સાથે સંવાદ ન થતાં તેઓ જરૂરી એવી સાંસ્કૃતિક અને સામાજિક માહિતીથી પણ અળગાં થઇ રહ્યાં છે. ત્રીજી – ચોથી પેઢીના બ્રિટિશ ભારતીય સંતાનો પારિવારિક સંવાદના અભાવે પરિવારના વતનના દેશ, સમાજ અને સંસ્કૃતિ અંગેની માહિતીથી વંચિત બની રહ્યાં છે. ગયા સપ્તાહમાં માતૃભાષા પર કેટલોક વિચારવિમર્શ આપણે કર્યો હતો. પારિવારિક સંવાદના અભાવમાં સંતાનો માતૃભાષાના જ્ઞાનથી પણ અતૃપ્ત રહે છે.
ટેકનોલોજી આજના જીવન માટે અત્યંત મહત્વની છે. પરંતુ પારિવારિક જીવનમાં સંવાદ પણ અત્યંત મહત્વનું પરિબળ છે. પરિવારોએ ઓછામાં ઓછું ડીનરના એક કલાક દરમિયાન તમામ પ્રકારની ટેકનોલોજી સ્વીચ ઓફ કરીને પારિવારિક સંવાદને સ્વીચ ઓન કરવાનો સમય પાકી
ગયો છે.
