ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ ખુલાસો પાકિસ્તાન માનવ અધિકાર સંસ્થા દ્વારા કરાયો. વધુમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પરનો અત્યાચાર બહુ જ ઝડપથી વધી રહ્યો છે. અનેક હિન્દુ-ખ્રિસ્તી સગીરાનું ધર્માંતરણ કરાવાય છે, સગીર વયે જ બળજબરીથી તેમની સાથે લગ્ન કરવામાં આવે છે. પાકિસ્તાન માનવ અધિકાર પંચ દ્વારા લાહોરમાં એક કાર્યક્રમમાં વર્ષ 2024-25નો રિપોર્ટ જાહેર કરાયો હતો. જેમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ, ખ્રિસ્તી, અહમદીસ વગેરે પર અત્યાચારોનું પ્રમાણ વધી રહ્યું છે. તેમનાં ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમનું ટાર્ગેટ કિલિંગ પણ વધી રહ્યું છે. સૌથી વધુ પંજાબ અને સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. ધર્માંતરણ, બળજબરીથી લગ્ન કરવાં, અપહરણ અને બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે.

