મહાવીર ફાઉન્ડેશન – પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી

Tuesday 26th August 2025 06:30 EDT
 
 

લંડન કેન્ટન રોડ સ્થિત મહાવીર ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે પર્યુષણ પર્વ ખૂબ જ શ્રદ્ધા, ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવાયો. સમગ્ર પર્વ દરમિયાન દરરોજ પ્રભુ દર્શન, આરાધના, પૂજા-અર્ચનાઓ તથા અદ્ભુત આંગી દર્શનથી સભ્યોને વિશેષ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થયો. ખાસ કરીને ભારતથી પધારેલ શ્રી જિગ્નેશભાઇ અને આંગી ટીમ સાથે મળીને દરરોજ મનોહર આંગી તૈયાર કરી, જે સૌના હૃદય જીતી ગઈ.
આ પવિત્ર પ્રસંગે દરરોજ સવારના સમયે
ડૉ. સૌરભભાઇ શાહના ઊંડાણભર્યા અને સરળ પ્રવચનો સૌને પ્રેરણાદાયી બન્યા અને સંઘના સભ્યો તેમના વક્તૃત્વથી અત્યંત પ્રસન્ન થયા.
૨૪મી ઑગસ્ટ રવિવારે મહાવીર જન્મ વાંચન દિવસની ભવ્ય ઉજવણી JFS સ્કૂલમાં કરવામાં આવી, જેમાં ૧૨૦૦થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહ પૂર્વક દરેક સંઘના મેમ્બર્સએ ભાગ લીધો હતો.
આ વર્ષે ખાસ કરીને મુંબઈથી આગમન કરેલ જાણીતા ગાયક શ્રી હર્ષિત શાહએ JFS સ્કૂલ ખાતે સાંજે યોજાયેલી ભક્તિભાવના દ્વારા સભ્યોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા. તેમની મધુર રજૂઆત સૌ માટે યાદગાર બની રહી.
પર્યુષણ પર્વ દરમિયાન અનેક દાતાશ્રીઓએ પ્રભુની પ્રેરણાથી પ્રભાવના, સ્વામીવાત્સલ્ય તથા સુપન ઊછાવણી માટે ઉદારહસ્તે દાન આપ્યું. આ સર્વે દાતાશ્રીઓને મહાવીર ફાઉન્ડેશન તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અનેક તપસ્યા જેમકે અઠ્ઠમ, આઠ ઉપવાસ, સોળ ઉપવાસ, માસક્ષમણ અને અનેક એકાસણા તથા જુદા જુદા તપ દ્વારા આ પર્વ દરમિયાન ભાવપૂર્વક ઉજવવામાં આવેલ.
આ વર્ષે વિશેષરૂપે મહાવીર ફાઉન્ડેશન દ્વારા સમૂહ પારણાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧૦૦થી વધુ તપસ્વીઓએ પરણા કરેલ. આ પ્રસંગે તમામ તપસ્વીઓને ભવ્ય બહુમાન કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર સંઘ ગૌરવ અનુભવી શક્યો. પારણાનાં દિવસે ખૂબ જ ઉમંગ અને ભક્તિભાવ છવાયો હતો. સમૂહ પારણા બાદ સંઘ દ્વારા ભવ્ય સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સભ્યોનો બહોળો પ્રતિસાદ મળ્યો અને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
મહાવીર ફાઉન્ડેશનના યુવા, કાર્યક્ષમ તથા દ્રષ્ટિવંત પ્રેસિડન્ટ શ્રી નિરજભાઇ સુતરિયા અને તેમની સમર્પિત ટીમના અવિરત પ્રયત્નોથી મહાવીર ફાઉન્ડેશન આજે વૈશ્વિક જૈન સમાજમાં આગવી ઓળખ મેળવી રહ્યું છે. સંઘની ધર્મસેવા, સંસ્કારપ્રધાન પ્રવૃત્તિઓ તથા સમર્પિત આયોજનને કારણે સમાજમાં એક નવો માપદંડ સ્થાપિત થયો છે.
હાલમાં પ્રેસિડન્ટ શ્રી નિરજભાઇના દ્રષ્ટિકોણ મુજબ શિખરબદ્ધ દેરાસર નિર્માણનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ ચાલી રહ્યો છે, જે માટે સમગ્ર સંઘ પૂરા મનોબળ અને સહયોગ સાથે આગળ વધી રહ્યું છે.
પવિત્ર પર્યુષણ પર્વના અંતે, મહાવીર ફાઉન્ડેશન સમગ્ર સમાજને "મિચ્છામિ દુક્કડમ" કહે છે અને ક્ષમાપનાની ભાવના સાથે આત્મશાંતિ, સાધનામાં પ્રગતિ તથા સૌના કલ્યાણ માટે શુભકામનાઓ પાઠવે છે.


comments powered by Disqus