સુજ્ઞ વાચક મિત્રો,
આ સપ્તાહનું ગુજરાત સમાચાર આપના હાથમાં આવશે ત્યારે શ્વેતામ્બર અને સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનું સમાપન થયું હશે પરંતુ દિગમ્બર જૈનોના દસ લક્ષણી પર્વ ચાલી રહ્યા છે. શ્રાવણ મહિનાના આરંભથી જ તહેવારોનું આગમન શરૂ થઇ જાય. ભારતમાં ચોમાસાની ઋતુ. આ ચાર મહિનામાં આરોગ્યની સંભાળ રાખવામાં ઉપવાસ-તપ કરવા જરૂરી હોય છે. બહારનો પ્રવાસ ખેડવા પર નિયંત્રણ આવી જાય છે ત્યારે મનને ધર્મમાં પરોવવાનું આપણા ઋષિ-મુનિઓ ને વડવાઓએ સૂચવ્યું છે તે અર્થ ગર્ભિત છે.
આપણે સૌ વિવિધ ધાર્મિક, સામાજિક પર્વોમાં વ્યસ્ત થવામાં સક્રિય બનીએ જેથી જીવનમાં ચેતનાનો સંચાર ચાલુ રહે. વિશ્વમાં ધર્મના નામે વિખવાદ-વવાદ ને યુધ્ધો થયા હતા ને થતા રહ્યાં છે એ આપણે સૌ જાણીએ છીએ અને એટલે જ કેટલાક પોતાને ધાર્મિક કેહવડાવવામાં શરમ-સંકોચ અનુભવે છે. કારણ, આપણે એનો સાચો અર્થ સમજવામાં ઉણાં ઉતર્યા છીએ યા એનું અર્થ ઘટન આપણી મતિ મુજબ કરીએ છીએ.
ધર્મ સાચા અર્થમાં સમાજનું ઘડતર કરે છે. સમાજ વ્યવસ્થાને દ્રઢ બનાવે છે. ભગવાન મહાવીરનો સંદેશ છે જીવનને અંદરથી, ભીતરથી સુંદર બનાવો.
ભીતરીય સુંદરતા ને આનંદ માટે બે વસ્તુ મહત્વની છે. સંવર (આત્માભિખ થવાની ક્રિયા) મુખ થવાની અને સમતા. ઇચ્છાઓ પર નિયંત્રણ મૂકવાની વાત છે. અસંતોષનું મૂળ ઇચ્છા છે. જે માનવીને દુ:ખી કરે છે. વ્યક્તિ જીવનમાં મૂલ્યો, નિષ્ઠા, પ્રામાણિકતા અને આદર્શના બળે જ આધ્યાત્મની ઉચ્ચ કક્ષાએ પહોંચવા સમર્થ બને છે.
સત્માર્ગે પ્રયાણ કરવા માટે જ જીવનમાં ધાર્મિક તહેવારો આવતા રહે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, સત્કર્મ કરવામાં સહેજે પ્રમાદ/આળસ ન કર.પર્યુષણ પર્વ આપણને આપણા અંતરાત્માને ઢંઢોળવાની તક આપે છે. આપણે જેમ બોડી ચેક અપ કરાવીએ છીએ તેમ આપણા જીવનના વીતેલા વર્ષોમાં કરવા જેવું શું કર્યું અને ન કરવા જેવું શું કર્યું એનું સરવૈયું કાઢવાની તક ગુમાવવી ન જોઇએ. કર્મના જમા-ઉધારના પાસાં તપાસી વધુ નફો હોય તે દિશામાં આગળ વધવાનું છે. જીવનમાં સારાં-નરસાં ઘટનાક્રમો બનતા જ હોય છે એમાંથી કઠિન સમયે પ્રતિકૂળતામાંથી બહાર આવી અનુકૂળતા સર્જવાની છે. દોષોને મૂળથી પારખી એને મૂળમાંથી નાબૂદ કરવાના છે. શુભ કર્મોની તક ઝડપી લેવાની છે.
દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યાયમાં સાધના માર્ગ સરસ રીતે સૂચવેલ છે. ગુરૂ - શિષ્યના સંવાદમાં ગુરૂ સાધકને કહે છે, “ તું સર્વ પ્રાણીઓનો મિત્ર બન’. શિષ્ય પૂછે છે એ કઇ રીતે? ગુરૂ કહે છે, તું બધાં આત્માઓને જોવાની સમ્યક દ્રષ્ટિ કેળવ. આટલી નાની વાતનો અમલ શું આપણે ન કરી શકીએ?
પ્રત્યેક જીવ પ્રત્યેની સમ્યક દ્રષ્ટિ જ માનવતાના મૂળમાં છે. આપણે માનવ છીએ. ભૂલચૂક થવાની પૂરેપૂરી શક્યતા છે. એનો સરળ ઉપાય છે - ક્ષમાપના. આપણે આપણી ભૂલની કબૂલાત કરી દઇએ અથવા ભૂલ કરનારને ક્ષમા આપવાની ઉદારતા કેળવીએ તો જીવન તનાવમુક્ત બને છે. સાચા અર્થમાં જીવન માણવાની/જીવવાની મજા આવે છે. સુખ બધાં શોધીએ છીએ પણ એનો રસ્તો અપનાવવામાં ઢીલ કરીએ છીએ. ચાલો આજથી મનને મક્કમ કરીએ ને સુખના વાવેતર કરીએ. “વાવીએ તેવું લણીએ’ એ કુદરતનો નિયમ છે.
સંવત્સરીના પર્વે આપ સૌ વડિલો, મિત્રો, સગાં-સંબંધી, સ્નેહીજનોનું મન જાણતાં-અજાણતાં, વાણી-વ્યવહાર-વર્તન કે લખાણથી દુભાવ્યું હોય તો ક્ષમા યાચના. આ મહા પર્વે ક્ષમાપનાની આપ-લે કરી હળવાફુલ થઇએ એવી પ્રાર્થના સહ વિરમું છું.

