‘પ્રભુજી અંતર દ્વાર ઉઘાડો, અજવાળા દેખાડો..’ના ભાવથી ભાવિકોએ પર્વાધિરાજ પર્યુષણના આઠ દિવસ દરમિયાન દરરોજ
જ્ઞાનીના મુખેથી વ્યાખ્યાન, સ્વાધ્યાય, સમાયિક, પ્રતિક્રમણ કરી વર્ષ ભર જાણતાં-અજાણતાં થયેલ પાપ-ગુનાઓની અંતરમાં કબૂલાત કરી મનને નિર્મળ બનાવવાના પ્રયાસ થયા. જ્ઞાનની જ્યોતિથી અંતર આત્માના ઉઘાડની પ્રતીતિ, જીવદયા ને ભક્તિભાવથી ભરપુર પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી નવનાત વણિક એસોસિએશનના “આપણા ઘર’માં થઇ. પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મોત્સવ પ્રસંગે તો ૯૦૦ થી વધુ સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉમટ્યાં અને જીવદયા માટે સારી એવી રકમ એકત્ર કરી. સંયમ, અહિંસા, મનની શાંતિ, સંતોષ, એકતા, મૈત્રીના વાતાવરણથી આદ્યાત્મિક અને નૈતિક વિકાસમાં વૃધ્ધિનો નિજાનંદ મેળવવાના પાવન પર્વની પધરામણી બુધવાર ૨૦ ઓગષ્ટના રોજ નવનાત સેન્ટરમાં વાજતે-ગાજતે વરઘોડા સહિત આનંદોલ્લાસ ભર્યા માહોલમાં થઇ.
આઠ દિવસ દરમિયાન ‘તમે સુણજો સાજન સંત પજુસણ આવ્યા રે, તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાવ્યા રે..’ ના ભાવનો હરખ સૌના હૈયાંને પુલકિત કરી રહ્યો હતો. સવારથી માંડી હોલમાં ભાવિકોની ભીડ જામતી હતી. દિવસભરના નિત્યક્રમની પળોજણથી મુક્ત બની પર્વની ઉજવણી સપરિવાર સૌ કોઇ કરી શકે એ માટેની આઠેય દિવસની તમામ સગવડમાં સેવાભાવી કાર્યકરોએ કચાશ રાખી ન હતી. એ અથાક્ પરિશ્રમનો પ્રભાવ હતો. ડેકોરેશનથી માંડી ભરચક કાર્યક્રમોની સૂચિ, વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, ભાવના અને નિયમ પાલનની ચોક્કસાઇ વગેરે દાદ માગી લે તેવા રહ્યાં. પ્રમુખ શ્રી જશવંતરાય દોશી સહિત એમની સમગ્ર ટીમ સેવામાં રત રહી પરિણામે પર્વની પાવનતા બની રહી. પર્યુષણની કોર કમિટીના હેડ શ્રી ભૂપેન્દ્રભાઇ શાહ અને એમના સહાયકોએ બધું સુપેરે પાર ઉતરે એ માટેની ભારે જહેમત ઉઠાવી હતી. હોલના રસોડે જ સેવાભાવી બહેનો સૌ કોઇ માટે સવાર-સાંજના જૈન ભોજન, ઉકાળેલ પાણીની વ્યવસ્થા સહિત સેવાની સમર્પિતતા હ્દય સ્પર્શી રહી.
હોલની દિવાલોમાંથી પોઝીટીવીટી પડઘાતી હતી. સર્વત્ર આનંદમંગલ વરતાઇ રહ્યો હતો. રોજના નિત્યક્રમથી કંઇક અલગ ને અનોખી અનુભૂતિ. આ વર્ષે તો પ્રથમવાર નાના બાળકો માટે વીકેન્ડમાં “બાલ પર્યુષણ”- જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન કરાયું હતું. કિશોરો ને યુવાનો માટે અંગ્રેજીમાં પ્રતિક્રમણ અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું સંચાલન ડો.મેહુલ સંઘરાજકાએ કર્યું હતું.
પ.પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી સવારના પૂ. દર્શના દીદી અને પૂર્વી દીદીના સત્વશીલ વ્યાખ્યાનમાં “પર્યુષણ શા માટે?’, વિષયક ઊંડાણભરી સમજ, બપોરના નવ તત્ત્વો, પાયાના સિધ્ધાંતો વિષયક પ્રશ્નોત્તરી, રાતના ‘ક્રોધ : ચેઇન ઓર ચેન્જ રીએકશન’ વિષય પરની ટી.વી. પરદે પ્રેક્ટીકલ-પ્રેરણાદાયી સંદેશથી શરૂ થઇ હતી. રોજબરોજના વ્યવહારમાં ક્ષમા અને જાગ્રતતા, મંત્રનો આજીવન પ્રભાવ, “પ્રભુ હું તારા જેવો બનીશ પ્રભુ તારા ખોળે, પ્રભુ સાથેના મિલનનું માધ્યમ ભક્તિ, ભક્તિ અંતાક્ષરી, ધર્મ આરાધના શા માટે? મૈત્રીનો સ્પીરીટ, પ્રભુ સાથે વાત, જેવા દરરોજ વિવિધ ગહન વિષયોની તર્ક બધ્ધ ચર્ચાઓને હળવાશથી રજુ કરી જેથી આધ્યાત્મિક જ્ઞાનની બારીઓ ખુલી રહી હોવાનું ઉપસ્થિત સૌએ અનુભવ્યું. બીજા દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતિના પૂજનનો લાભ પણ સૌએ લીધો.
એક દિવસ નવનાતના કેટલાક સભ્યોએ સાધુ જીવનનો અનુભવ કર્યો. સફેદ વસ્ત્રો પહેરી, ઉઘાડા પગે ચાલવાનો, ગોચરી વ્હોરી ખાઇ પૌષધ કર્યો. ધાર્મિક ગ્રંથ “કલ્પસૂત્ર”ના વાંચનમાં પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મનું વાંચન થયું. એ પ્રસંગે ભગવાન મહાવીર માતાના ગર્ભમાં હતા ત્યારે માતા ત્રિશલાએ જોયેલ ચૌદ સ્વપ્નો અને તેનું મહત્વ તથા ભગવાનનો જન્મ અને જન્મોત્સવ ઉજવાયો. “એક જન્મ્યો રાજદુલારો, સૌનો તારણહારો” જેવા ગીતો અને હાલરડાંના ગાનની અસીમ આનંદની પળોમાં સૌ તરબતર થઇ ગયા. આ પ્રસંગે ભારતથી પૂ.નમ્રમુનિ મહારાજના સંદેશનું લાઇવ પ્રસારણ થયું. તેઓશ્રીએ નવનાત વણિક એસોસિએશનને આશીર્વાદ પાઠવ્યા.
તા.૨૨ ઓગષ્ટ શુક્રવારથી સોમવાર તા.૨૫ ઓગષ્ટ સુધી પ્રિયેશ શાહન-મીરાંબહેન ત્રિવેદીના સંગીત ગૃપે સૌને ભક્તિના રંગે રંગી દીધાં. “નવકાર મંત્ર હૈ ન્યારા, જીસને લાખોંકો તારા’થી શુભારંભ કરી વાતાવરણને પાવન ધર્મભૂમિ બનાવી દીધું. આપણી માતૃભૂમિ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વભરમાં તાજેતરમાં સામૂહિક નવકાર મંત્ર દિન ઉજવાયો ત્યારે કહ્યું હતું કે, આ વિશ્વ કલ્યાણ ભાવના મંત્રના રટણથી મન સ્થિર બને છે, શાંત બને છે. શબ્દથી અને સોચથી એ પર છે. એની ઊર્જા સમભાવ ઉપજાવે છે. એક અદભૂત ચેતના જગાવે છે’ એવી જ ચેતનાનો સંચાર ભાવિકોમાં જોવા મળ્યો.
છેલ્લા દિવસ સંવત્સરી પર્વે ક્ષમાપનાની આપ-લે થી બાહરી અને આંતરિક જીવનમાં શાંતિ તેમજ સત્ ચિત્ત આનંદના ભાવ સહ પર્યુષણ પર્વનું સમાપન એક નવી ઊર્જા સહ થયું.
--------
આભાર સૌનો
પર્યુષણ દરમિયાન સેવા સાદર કરનાર સૌ સ્વયં સેવકો, ફોટોગ્રાફી અને એ.વી.માઇક સિસ્ટમ આદી સેવાઓ સાદર કરનારનો હાર્દિક આભાર. પૂ.દર્શના દીદી અને પૂર્વી દીદીનો જ્ઞાનની જ્યોત પ્રજ્જવલિત કરવા માટેનું ઋણ સ્વીકાર. આ પર્વને સફળ બનાવવામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોનો પણ ખૂબ ખુબ આભાર. આવો જ સહકાર આપતા રહો અને આપણી યુવા પેઢી એમાં વધુ ભાગ લે તેવી અપેક્ષા.
અમે સૌ નાના-મોટા તપસ્વીઓની અનુમોદના કરી ખમાવીએ છીએ.
ક્ષમાપનાના આ પર્વે અમે પૃથ્વી પરના તમામ જીવો અને કોમ્યુનિટીના સૌ સભ્યો તેમજ “ગુજરાત સમાચાર”ના સૌ વાચકો જાણતાં-અજાણતાં, વાણી-વર્તન કે વિચારથી કોઇનું પણ મન દુભાવ્યું હોય તો અંત:કરણપૂર્વક માફી માગીએ છીએ. પૂરું એક વર્ષ અંત:કરણની શુધ્ધિ જળવાઇ રહે અને મૈત્રીનો મંત્ર મહેંકતો રહે એવી શુભકામના.
‘ખામેમિ સવ્વ જીવ્વે, સવ્વ જીવ્વા ખમંતુ મે,
મિત્તિમે સવ્વ ભૂએસુ, વેરં મજ્ઝં ન કેણઇ’
લિ. પ્રેસિડેન્ટ જશવંતરાય દોશી અને કમિટી સભ્યોના
જય જીનેન્દ્ર

