સનાતન ધર્મ અને દેશ સ્વતંત્રતાને વરેલું ‘સોનેરી સંગત’

બાદલ લખલાણી Wednesday 27th August 2025 06:04 EDT
 
 

ભારતના સ્વાતંત્ર્યદિનની પૂર્વ સંધ્યાએ ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’નું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સોનેરી સંગતમાં ભારતમાં ઉદ્ભવેલા દરેક ધર્મ અને સંપ્રદાયને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ જ તર્જ પર સોનેરી સંગતના 64મા અધ્યાયમાં ‘સનાતન શું છે?’ વિષયને આવરી લેવાયો. જેની માહિતી માટે પ્રકાશક – તંત્રી સી.બી. પટેલે ડો. નંદકુમાર-એમબીઈને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા. કર્ણાટકના નાનકડા નથુર ગામના અને ભારતીય વિદ્યાભવનના વડા નંદકુમારે લંડનમાં રહેતાં લંડનમાં સંસ્કૃતમાં પીએચ.ડી કર્યું હતું.
ડો. નંદકુમારાઃ સનાતન ધર્મ એ શાશ્વત જીવનશૈલી છે, સાર્વત્રિક જીવનપદ્ધતિ છે. આપણા એક પ્રાચીન શાસ્ત્રમાં સુંદર વ્યાખ્યા છે કે, ‘સત્યમ બ્રૂયાત પ્રિયં બ્રૂયાત, ન બ્રૂયાત સત્યમપ્રિયમ્ પ્રિયં ચ નાનૃત્ મબ્રૂયાત, એષ ધર્મ સનાતનઃ’ એટલે કે, ‘સત્ય બોલો પરંતુ એ જ સત્ય બોલો જે સહુને પ્રિય હોય, તે સત્ય ન બોલો જે સૌ માટે હાનિકારક હોય. એ જ રીતે એવું જુઠ્ઠુ ન બોલો જે સૌને પ્રિય હોય. આ જ સનાતન ધર્મ છે.’
આ સાથે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘એકમ સત બહુધા વદન્તી’ એટલે કે, ‘એક જ સત્યને વિદ્વાન અલગ-અલગ રૂપમાં વ્યક્ત કરે છે.’
એક સુંદર વૈદિક શ્લોક છે, ‘આનૌ ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ’ એટલે કે, ‘આપણે તમામ દિશાથી જ્ઞાન અને સારા વિચાર લઈ શકીએ છીએ.’
ડો. નંદકુમારા બાદ સી.બી. પટેલના આગ્રહથી માયાબહેન દીપકે 15મી ઓગસ્ટના ઉપલક્ષ્યમાં પોતાના સૂરીલા કંઠે દેશભક્તિને વરેલું ‘હે મેરે પ્યારે વતન’ ગીત અને જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ ગીત રજૂ કર્યું હતું.
સી.બી. પટેલઃ સનાતન સંસ્કૃતિનાં અનેક પ્રતીક છે. શ્રીજી મહારાજે સ્થાપેલો સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વના તમામ ખંડમાં પહોંચી ચૂક્યો છે. બ્રિટનમાં આજે સ્વામિનારાયણની પતાકા હેઠળ આશરે 50 મંદિર છે. સંપ્રદાય ગમે તે હોય પણ તેના મૂળમાં સનાતન છે.
ધર્મ અને દેશભક્તિને વરેલાં ગીતો બાદ વરિષ્ઠ પત્રકાર શીલાબહેન ભટ્ટે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના આપતાં જણાવ્યું કે, દેશમાં ઘણું બધુ સારું થાય અને ખરાબ પણ થાય, જો કે અંતે બધું સારું જ થાય છે. આ કોઈ દૈવી તાકાત જ છે. હાલની નવી પેઢી ખૂબ ઉત્સાહી છે. 18થી 19 વર્ષની ઉંમરે જ યુવાનો સફળ બનવા - કંઈ બનવા માટે પ્રયત્નશીલ રહે છે, પહેલાના જમાનામાં 30છી 35 વર્ષે યુવાનોની જે શરૂઆત થતી હતી, તે શરૂઆત હાલમાં 18થી 20 વર્ષથી જ થઈ જાય છે. આ ખૂબ આશાસ્પદ વાત છે. ભારત સામે બદલતી દુનિયા સાથે તાલ મિલાવવો પડકાર છે. ભારત કોઈના પર નિર્ભર રહેવા માગતું નથી, પરંતુ સહિયારા અને સમાનતા સાથે પોતાનો અને દુનિયાનો વિકાસ ઇચ્છે છે. હાલમાં વિદેશમાં રહેતા બુદ્ધિજીવીઓને કહેવું જોઈએ કે, ભારત અને અમેરિકા સંબંધ ગંભીર સ્થિતિમાં આવી ગયા છે. આપણા દેશ માટે ઓટોનોમી અને સ્ટ્રેટેજિક સ્વતંત્રતા માટેની વાત આપ કરો, વિદેશમાં રહેતો લોકો દ્વારા થાય અને પોતાની રીતે લડત આપવામાં આવે.
શીલાબહેનને સાંભળ્યા બાદ સી.બી. પટેલે મોટિવેશનલ સ્પીકર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બીએપીએસના અગ્રગણ્ય સ્વયંસેવક પરેશભાઈ રુઘાણીને આમંત્રણ આપી તેમના અનુભવ જણાવવા કહ્યું.
પરેશભાઈ રુઘાણીઃ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે, આપણે આપના જેવી યુવાપેઢી માટે જ મંદિર બાધ્યું છે, મારે તો ક્યાં અહીં રહેવાનું છે! હું નાનપણમાં મારા મનમાં ધાર્મિક શંકા-કુશંકાઓ હતી. જો કે 1990માં મારું જીવન બદલાઈ ગયું. મને ભારતમાં ફાવે નહીં, પરંતુ પ્રમુખસ્વામી મહારાજની આદેશથી સીએમ કાકાની સેવામાં હું જોડાઈ ગયો. આમ હું બીએપીએસનો સ્વયંસેવક બની ગયો.
બોચાસણમાં સી.બી. પટેલના પરિવાર દ્વારા ખૂબ સેવા આપવામાં આવી. વર્ષ 2007માં છેલ્લી પંક્તિમાં બેસતાં મેં પ્રમુખસ્વામીનું આખું પ્રવચન સાંભળ્યું, જેમાં પ્રમુખસ્વામીનું આખું પ્રવચન જાણે સી.બી. પટેલ અને તેમના પરિવાર દ્વારા કરાયેલી સેવાકીય પ્રવૃત્તિ પર જ રહ્યું હતું. મેં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા કોઈ અન્ય વ્યક્તિનાં વખાણ ક્યારેય સાંભળ્યાં નહોતાં.
પરેશભાઈ બાદ સી.બી. પટેલે સાધુ પીટરદાસ પટેલને પૂછયું કે, ડેનહામ મંદિરને કેટલાં વર્ષ પૂર્ણ થયાં?
પીટરદાસ પટેલઃ નવાં મંદિરને 10 વર્ષ પૂર્ણ થયાં એ અંગે દશાબ્દી પાટોત્સવ ચાલી રહ્યો છે. અમે 30 સંતો અને આશરે 100 હરિભક્તો ભારતથી આવ્યા છીએ. યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડથી 700થી 800 ભાઈ-બહેનો આ મહોત્સવમાં ભાગ લેવા અહીં આવ્યા છે. આ ઉપરાંત મંદિરમાં ભારતીય સ્વાતંત્ર્યદિનની પણ ધામધૂમથી ઉજવણી થશે. સાહેબદાદાએ આ નિમિત્તે કહ્યું કે, આ દીકરાઓ અનુપમ મિશનની મૂડી છે, અનુપમ મિશનનું ઉજ્જવળ ભવિષ્ય છે. વિદેશમાં જન્મ, ઉછેર, અભ્યાસ અને રોજગાર છતાં આપના હૃદયમાં ધબકતું હિન્દુસ્તાન અને સેવા કરવાની ભાવના છે તે જોઈ મને આનંદ થાય છે. આમ પાટોત્સવ અને સ્વાતંત્ર્યપર્વના બંને કાર્યક્રમ સુંદર રીતે ડેનહામમાં થયા.
સાધુ પીટરદાસ પટેલને સાંભળ્યા બાદ સી.બી. પટેલે ડો. જગદીશભાઈ દવેને આમંત્રણ આપતાં તેમના વિચારો રજૂ કરવા વિનંતી કરી.
ડો. જગદીશભાઈ દવેઃ સી.બી. આપ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો. આ સોનેરી સંગત થકી આપ સોનેરી બની ગયા હો એવું જ લાગે છે. હું દર અઠવાડિયે આ કાર્યક્રમની રાહ જોવું છું, કારણ કે આ કાર્યક્રમ થકી અનેકાનેક વિષયોના જ્ઞાનની પ્રાપ્તિ અમને થાય છે. સ્વતંત્રતા વખતે સમય જ જુદો હતો, જે સ્વતંત્રતા પર્વે ફરી યાદ આવે છે. એમ થાય કે ફરી એ દિવસો જીવવા ચાલ્યા જઈએ. એ સમયે તમામના શરીર અને મન જાણે દેશ માટે જ સમર્પિત હોય એમ કામ થતું હતું.
ગાંધીજીએ દેશને જાગૃત કરી એ કક્ષાએ મૂક્યો કે પ્રત્યેક ગામની સ્ત્રીઓ પણ બહાર આવી. દેશમાં અભૂતપૂર્વ વ્યક્તિઓ આવે છે અને જાય છે. ભારતનું સનાતન તત્ત્વ સદાય જાગ્રત રહેવાનું જ છે એવી લોકોની સાથે મને પણ શ્રદ્ધા છે.
જગદીશભાઈનાં મૂલ્યવર્ધક સંસ્મરણો સાંભળ્યા બાદ પૂજાબહેન રાવલે કહ્યું કે, સી.બી. પટેલ અને ગુજરાત સમાચારે છેલ્લાં 53 વર્ષથી ભાષા અને જ્ઞાનની જે ધુણી ધખાવી છે તે અમારા વાંચકો અને શુભેચ્છકો વગર અશક્ય હતું. ગુજરાત સમાચાર ગુજરાતી સમાજ અને સંસ્થાનો અવાજ બની હંમેશાં ઊભું રહ્યું છે. અમારા દ્વારા તમામ સંસ્થાઓના સમાચાર અને ઉજવણીને આવરી લેવામાં આવે છે. હાલમાં 18 ઓગસ્ટે હાઉસ ઓફ પાર્લામેન્ટમાં ગુજરાત સમાચારના 53 વર્ષ પૂર્ણ થવાના સંપૂર્ણ ઇતિહાસસમાન પ્રકાશનયાત્રા ‘સોનેરી સ્મૃતિગ્રંથ – અ ટાઇમલેસ ટ્રેઝર’નું લોકાર્પણ કર્યું. આ સ્મૃતિગ્રંથને વાંચકોનો અદભુત પ્રતિસાદ મળ્યો છે, જેને તમે વારે-તહેવારે તમારાં બાળકો અને સ્વજનોને આપણાં વીરાસતી મૂલ્યોનું જ્ઞાન આપવા ભેટસ્વરૂપ આપી શકો છો. જેના માટે અમારી ઓફિસનો સંપર્ક કરવો.


comments powered by Disqus