બહેરીનઃ કુવૈત સરકારે રાતોરાત હજારો લોકોનું નાગરિકત્વ રદ કરી દીધું હતું. તે યાદીમાં મોટાભાગે મહિલાઓ છે. લોકો જ્યારે સવારે પથારીમાંથી ઊઠ્યા તો કેટલાકના બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયાં હતાં, તો કેટલાકની સરકારી સુવિધાઓ ઠપ થઈ ચૂકી હતી.
તેમણે કારણ જાણવા પ્રયાસ કર્યો તો જાણ થઈ કે તેમની નાગરિકતા જ રદ થઈ ગઈ હતી. કુવૈતના અમીરે મે 2024માં જ લોકશાહી ખતરો હોવાનું કહીને બંધારણમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી હતી. સરકારે ખાસ કરીને એવા લોકોની નાગરિકતા રદ કરી છે કે જેમને લગ્ન કર્યાં પછી કુવૈતનું નાગરિકત્વ પ્રાપ્ત થયું હતું. આ યાદીમાં સ્થાનિક યુવાન સાથે લગ્ન બાદ સ્થાયી થયેલી મહિલાઓનો આંકડો સૌથી મોટો છે.
કુવૈત શહેરમાં લામા નામની યુવતી ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરવા લાગી તો તેને જાણકારી મળી કે તેનું એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવ્યું છે. આ યુવતી લામા મૂળ જોર્ડનની હતી અને લગ્ન બાદ કુવૈતમાં સ્થાયી થઈ હતી. આ સાથે કુવૈતમાં 37 હજાર લોકોની નાગરિકતા રદ થઈ ચૂકી છે, જે પૈકી 26 હજાર મહિલાઓ છે. આ આંકડા કુવૈત સરકારના છે. અસલી આંકડા કદાચ તેના કરતાં પણ વધારે છે.