કરાચીઃ સિંધ પ્રાંતના ટાંડો જામ વિસ્તારમાં 100 વર્ષ જૂના એક હિન્દુ મંદિર પર કટ્ટરવાદી તત્ત્વોએ કબજો કરી લીધો છે. હિન્દુ સમુદાય અનુસાર જે જમીન પર 100 વર્ષ જૂનું શિવમંદિર આવેલું છે, તેનો ગેરકાયદે કબજો કરી લેવાયો છે. તે સિવાય તેની આસપાસ નિર્માણ પણ શરૂ કરી દેવાયું છે.
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન દરાવર ઇત્તેહાદ પાકિસ્તાનના પ્રમુખ શિવ કચ્છીએ જણાવ્યું કે, મંદિર એક સદી કરતાં પણ જૂનું છે, પરંતુ ગુંડા તત્ત્વોએ તેના પર કબજો જમાવ્યો છે અને મંદિરની આસપાસની જમીન પર ગેરકાયદે નિર્માણકાર્ય શરૂ કર્યું છે. સાથે જ મંદિર તરફના રસ્તા અને પ્રવેશદ્વાર પણ અવરોધાયા છે. કચ્છીએ કહ્યું કે, શિવમંદિરના કામકાજ અને આસપાસની અંદાજિત 4 એકર જમીનની સારસંભાળની જવાબદારી એક સમિતિ પાસે હતી. સિંધમાં હિન્દુ સમુદાયના કલ્યાણ માટે કામ કરનાર અને કાનૂની મદદ પૂરી પાડનારા કચ્છીએ પાકિસ્તાન સરકારને મંદિરની ચારેય તરફ થઈ રહેલા ગેરકાયદે બાંધકામને રોકવાની અપીલ
કરી છે.