2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફરના 11 વર્ષ પૂર્ણ થયાં છે. 2014 પહેલાં ભારતમાં 10 વર્ષ સુધી સત્તાધીશ એવા યુપીએ ગઠબંધનની સરકારના કુશાસન અને ભ્રષ્ટાચારને પડકાર આપીને સંસદની ચૂંટણીમાં અબ કી બાર મોદી સરકારના નારા સાથે જવલંત સફળતા હાંસલ કરી 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદી ભારતના 14મા વડાપ્રધાન તરીકે દિલ્હીની ગાદી પર બેઠાં હતાં. અબ કી બાર મોદી સરકારથી માંડીને સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના નારાઓ સાથે સતત ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.
11 વર્ષનો મોદી કાળ સાહસિક નિર્ણયો, સુધારાલક્ષી નીતિઓ અને વૈશ્વિક મંચ પર ભારતને મહત્વનું સ્થાન અપાવનારો રહ્યો. નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં ભારત આજે જાપાનને ઓવરટેક કરીને વિશ્વના ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઇ રહ્યો છે. 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ સાથે નરેન્દ્ર મોદીની સરકારે ભારતીય અર્થતંત્રમાં છેલ્લા 10 વર્ષમાં બે ટ્રિલિયન અમેરિકન ડોલરનો વધારો કર્યો છે. 2025માં ભારત 4 ટ્રિલિયન અમેરિકન ડોલરની ઇકોનોમી બનવા જઇ રહ્યો હોવાની જાહેરાત તાજેતરમાં જ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણિયમ દ્વારા કરવામાં આવી હતી.
મોદીનો શાસનકાળ દૂરંદેશી આર્થિક સુધારા અને મજબૂત રાષ્ટ્રીય સુરક્ષાના પગલાંનું ભાગ્યે જ જોવા મળતું કોમ્બિનેશન છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાઓ બાદ 2016માં સર્જિકલ સ્ટ્રાઇક, 2019માં બાલાકોટ સ્ટ્રાઇક અને 2025માં ઓપરેશન સિંદુર દ્વારા વડાપ્રધાન મોદીએ તેમના નેતૃત્વમાં ભારતની પ્રતિબદ્ધતા વિશ્વને બતાવી દીધી છે. મોદી સરકાર દ્વારા લેવાયેલા સાહસિક નિર્ણયોએ ભારતને વૈશ્વિક મંચ પર એક સક્ષમ અને આત્મવિશ્વાસથી સભર દેશ તરીકે સ્થાપિત કર્યો છે.
આર્થિક વિકાસના મોરચે વડાપ્રધાન મોદીના નેતૃત્વે માળખાકીય વિકાસ, ડિજિટલ ટ્રાન્સફર્મેશન, ઇઝ ઓફ બિઝનેસ ડુઇંગ પર મૂકેલા ભારને કારણે આજે દેશ પરિવર્તનના પરિણામ ચાખી રહ્યો છે. ભારતમાલા હાઇવે નેટવર્ક, સ્માર્ટ સિટી, રેલવેનું ઝડપી વિસ્તરણ અને આધુનિકીકરણ, નાના શહેરોને પણ હવાઇમાર્ગે જોડવાની કવાયતે ભારતના આર્થિક વિકાસને પૂરજોશથી વેગ આપ્યો છે. વ્યૂહાત્મક આર્થિક સુધારા, જીએસટીનો અમલ, પીએલઆઇ જેવી યોજનાઓએ ભારતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવી દીધો છે.
નરેન્દ્ર મોદીના સુશાસને ભારત અંગેની વૈશ્વિક માન્યતાને ધરમૂળથી બદલી નાખી છે. તેના મૂળ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના શાસનકાળમાં રહેલાં છે. ગુજરાતના વિકાસ મોડેલને સફળ બનાવી મોદીએ ભારતને પણ એજ મોડેલના આધારે વિકાસના માર્ગે આગળ ધપાવ્યો છે. સ્થાનિક અપેક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષા વચ્ચે ગજબનું સંતુલન જાળવીને મોદી આજે દેશથી માંડીને વિશ્વના એક અસરકારક નેતા બની ગયાં છે.
ભારતને વિઝનરી લીડરશિપ આપનાર નરેન્દ્ર મોદી છેલ્લા 23 વર્ષથી બંધારણીય હોદ્દા પર રહી નેતૃત્વ આપી રહ્યાં છે. 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને 2014થી આજ સુધીની ભારતના વડાપ્રધાન તરીકેની તેમની કામગીરીએ દેશમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આજે દરેક ક્ષેત્રમાં ભારત વિશ્વના અન્ય દેશો સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ બન્યો છે. અનેક સેક્ટરમાં ભારત વિશ્વને નેતૃત્વ પણ પુરું પાડી રહ્યો છે. આ બધું નરેન્દ્ર મોદી જેવા વિઝનરી નેતાની દૂરંદેશી વિના શક્ય નહોતું.
નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ ન કેવળ એક રાજકીય માઇલસ્ટોન છે પરંતુ ભારતના ઇતિહાસના પરિવર્તનકારી યુગના સાક્ષી રહ્યાં છે. આ 11 વર્ષ દરમિયાન લેવાયેલાં સાહસિક, સુધારાલક્ષી નિર્ણયો ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે કોતરાઇ ગયાં છે.