લંડનઃ એશિયન વોઈસ દ્વારા રોયલ એર ફોર્સના સહકાર સાથે 16 મે શુક્રવારે હાઉસ ઓફ કોમન્સમાં ટેરેસ પેવેલિયન ખાતે ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન વિષય પર ‘બી ધ ચેઈન્જ’ પેનલચર્ચાની ચોથી આવૃત્તિની યજમાની કરવામાં આવી હતી. એશિયન વોઈસના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તાએ સ્વાગત પ્રવચનમાં બ્રિટિશ એશિયન કોમ્યુનિટી અને ખાસ કરીને પ્રથમ પેઢીએ ભેદભાવ અને હાંસિયામાં મૂકી દેવા બાબતે જે સામનો કરવો પડ્યો હતો તેની વાત કરી હતી તેમજ રાજકીય પ્રતિનિધિત્વ, સામાજિક પ્રભાવ તેમજ બિઝનેસ, શિક્ષણ, પ્રોફેશન્સ તથા કળાક્ષેત્રમાં તેમની પ્રગતિની ઊજવણી વિશે જણાવ્યું હતું.
આ ઈવેન્ટના યજમાન સ્ટોકપોર્ટના લેબર સાંસદ નવેન્દુ મિશ્રાએ ABPLના ચેરમેન અને ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલની ડાયસ્પોરા વતી અવિરત હિમાયત કરવા બદલ પ્રશંસા કરી હતી. એક દાયકા જેટલા સમય અગાઉ પણ ભેદભાવ અને શોષણ વ્યાપક હોવાનું સ્વીકારતા તેમણે કહ્યું હતું કે, ‘અમે ઘણી પ્રગતિ સાધી છે.’ જોકે તેમણે વૈવિધ્યતા અને સમાવેશિતાના રક્ષણ અને પ્રોત્સાહનના સતત પ્રયાસો પર ભાર મૂકવા સાથે સાવધાની સૂરમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘આ પ્રગતિ ઘણી નાજૂક છે.’
RAFમાં ઓફિસર કમાન્ડિંગ, રિક્રુટ એન્ડ સિલેક્ટ, ગ્રૂપ કેપ્ટન ગેરેથ ટેઈલરે ભારપૂર્વક કહ્યું હતું કે વૈવિધ્યતા માત્ર પ્રતિનિધિત્વના સ્તરે જ નહિ, નેતાગીરીમાં પણ હોવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આપણા દેશ અને સરકારના હાર્દસમાન હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં આ વાતચીત થઈ રહી છે તે અદ્ભૂત છે. રોયલ એર ફોર્સ વૈવિધ્યતા અને સમાવેશિતાના મહત્ત્વને સ્વીકારતું રહ્યું છે.આ વર્ષે કોમ્યુનિટીઓ સાથે સંપર્ક અને અમારા કાર્યને પ્રદર્શિત કરવાના અમારા પર્સોનેલના અભૂતપૂર્વ પ્રયાસોના પરિણામે વંશીય લઘુમતીઓની ભરતીમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. સમાવેશિતાથી અમારી ઓપરેશનલ અસરકારકતા વધે છે, તેનાથી અમને અલગ રીતે વિચારવા મળે છે, સમસ્યાઓના નિરાકરણના અલગ માર્ગોનો અભિગમ તેમજ વૈવિધ્યપૂર્ણ પરિપ્રેક્ષ્યોની તાકાતથી આગળ રહેવામાં મદદ મળે છે.’
પેનલચર્ચાઃ ઓળખ અને હેતુઓ સાથે વૈવિધ્યતા
અગ્રણી કોમ્યુનિટી એક્ટિવિસ્ટ અને સાઉથ એશિયન હેરિટેજ મન્થના સહસ્થાપક જસવીર સિંહ CBE પેનલના મોડરેટર હતા. પેનલના સભ્યોમાં સ્પેસ એન્જિનીઅર, STEMમાં મહિલાઓના હિમાયતી અને એવોર્ડવિજેતા ગ્લોબલ પ્લેટફોર્મ રોકેટ વૂમનના સ્થાપક વિનિતા મારવાહ માડિલ, સામાજિક ગતિશીલતા અને સામાજિક પરિવર્તન સંસ્થા ફ્યુચર લીડર્સ યુકેના સ્થાપક ફહીમ ખાન, અદૃશ્ય અને અસાધ્ય અક્ષમતા ધરાવતા લોકો સાથે રહેતા ગ્લોબલ ડાઈવર્સિટી, સમાનતા અને સમાવેશિતાના નેતા પ્રિયાનીત કાઈન્થનો સમાવેશ થયો હતો.
પેનલના સભ્યોએ ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન સંદર્ભે પોતાના અંગત પરિપ્રેક્ષ્યો જણાવ્યા હતા. વિનિતા માટે તેમના જેવાં દેખાતાં રોલ મોડેલ્સ હોવાની વાત હતી જેને તેઓ રોકેટ વૂમન મારફત સક્રિયપણે આગળ વધારે છે. ફહીમ ખાને ડાઈવર્સિટીને ‘અલગ રહેવા અને ફિટ નહિ થવા’ તરીકે વર્ણવી હતી. તેમણે લોકોને તેમની ઓળખના દરેક હિસ્સા માટે ગૌરવ લેવાનો અનુરોધ કર્યો હતો. પ્રિયાનીત માટે આ બાબત સ્વીકાર્યતા અને તમારા સંપૂર્ણ હોવાને પ્રદર્શિત કરવા સમાન હતી. તેમણે કહ્યું હતું કે, ‘આમાં ઘણી સ્વકાળજી અને નોંધપાત્ર કામગીરીનો સમાવેશ થાય છે.’
પેનલના સભ્યોએ અંગત પડકારો વિશે પણ જણાવ્યું હતું. પ્રિયાનીતે કહ્યું હતું કે કેવી રીતે તેમની અક્ષમતા એવી ધારણા તરફ દોરી ગઈ હતી કે તેઓ કદી કશું બની શકશે નહિ તેમજ તેમની સ્થિતિની અદૃશ્યતાએ અન્યોનો તેની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવા કારણ આપ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આવી ધારણાઓ ઘણાના જીવન પર અસર કરે છે.
વૈવિધ્યતા અને સમાવેશિતા સમક્ષ વર્તમાન પડકારોની ચર્ચા કરતા ફહીમ ખાને ડાઈવર્સિટી બાબતે પ્રતિબદ્ધતા માટે લેબર સરકારની પ્રશંસા કરવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે આપણે પ્રગતિને બેપરવાઈથી લઈ શકીએ નહિ. તેમણે જણાવ્યું હતું કે આંકડાકીય અને સંખ્યાકીય રીતે પ્રગતિ દર્શાવવી સારી બાબત છે પરંતુ, તેનો વિધેયાત્મક અનુભવ પણ હોવો જોઈએ.
ફહીમ ખાને ભારપૂર્વક કહ્યું હતું કે હાંસિયામાં રખાયેલી પશ્ચાદભૂમાંથી આવનારા લોકો માટે સામાજિક ગતિશીલતાને સપોર્ટ સહિત હજું ઘણું કાર્ય કરવાનું બાકી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, ‘જો આપણે યુવા લોકોને પ્રગતિ સાધવામાં પ્રતિભા, કઠોર મહેનત અને પ્રતિબદ્ધતાનું મૂલ્ય આંકી શકતા ન હોઈએ તો આપણે શેનું મૂલ્યાંકન કરીએ છીએ?’
વિનિતા મારવાહે સૂચવ્યું હતું કે નેટવર્કિંગ ગ્રૂપ્સ અને સ્કોલરશિપ્સ થકી બહેતર સામાજિક ગતિશીલતાને આગળ વધારી શકાશે જેના પરિણામે, ઘણી તકો ઉભી થશે. દરમિયાન, પ્રિયાનીતે કૌશલ્ય આધારિત શીખવાની બાબતને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પરિવર્તનના અનેક ચહેરાઃ ઓડિયન્સ સાથે વાર્તાલાપ
ઓડિયન્સ સાથે વાર્તાલાપ કરતા પેનલે વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા વાસ્તવિક ફેરફાર કેવી રીતે સર્જાય, તેને ટકાવી શકાય અને સપોર્ટ કરી શકાય તેના વિશે તપાસ કરી હતી.
ફહીમે વાર્તાલાપનો આરંભ કરતા કહ્યું હતું કે ગુણવત્તા આવશ્યક છે ત્યારે પણ અસમાન સ્ટાર્ટિંગ પોઈન્ટ્સની ગણતરીના સંદર્ભમાં સિદ્ધાંતને લાગુ કરવો જોઈએ. આ પશ્ચાદભૂના આધારે નોકરીઓ આપવાની વાત નથી પરંતુ, દરેકને શરૂઆતમાં વાજબી તક મળે તેની ચોકસાઈ કરવાની બાબત છે. પ્લેઈંગ ફિલ્ડ યોગ્ય સ્તરથી ઘણે દૂર રહે છે. ક્વોલિટી એજ્યુકેશન, મેન્ટોરિંગની સુવિધાની વાત આવે ત્યારે તે મુખ્યત્વે સોશિયો-ઈકોનોમિક સ્ટેટસ અથવા વંશીયતા પર આધારિત રહે છે.
જસવીર સિંહે ભૂતકાળમાં રચનાત્મક ભેદભાવ થકી તેમને મદદ મળવા વિશે અંગત રજૂઆત કરી હતી. તેમણે એ સમયને યાદ કર્યો હતો જ્યારે સંભવિત ઉમેદવારોથી ભરચક ખંડમાં એક સીનિયર એક્ઝિક્યુટિવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ શારીરિક વર્ણ સાથેના સમલિંગી માણસને પસંદ કરવા ઈચ્છે છે અને તેઓ આ નિર્ણય બાબતે પારદર્શી હતા. આવા નિવેદનો વિવાદાસ્પદ હોઈ શકે પરંતુ, તેમણે પ્રામાણિકતાની કદર કરી હતી. અસમાનતાના નિરાકરણ બાબતે ખુલ્લાં હોવું તે પણ મેરિટ છે. વિનિતાએ ઉમેર્યું હતું કે પોઝિટિવ એક્શનને કૃપા તરીકે નહિ પણ શક્ય બનાવનાર તરીકે નિહાળવી જોઈએ.
DEIના પ્રયાસો સામે વધતા પ્રતિકારના સંદર્ભે કેવી રીતે આગળ વધતા રહેવું તેની ચર્ચા કરતાં પ્રિયાનીતે લોકોને ખુદના પ્રભાવવર્તુળ પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. પરિવર્તન હંમેશાં ભૂકંપની સમાન હોતું નથી. ‘જો તમે એક વ્યક્તિની મદદ કરશો તો પણ તે પ્રગતિ છે’, તેમ તેમણે જણાવ્યું હતું. વ્યક્તિઓ શું કરી શકે તેના તરફ ચર્ચા આગળ વધી ત્યારે પેનલિસ્ટોએ સાચા જોડાણના મૂલ્યનું મહત્ત્વ, સહભાગી અનુભવો તેમજ માત્ર પ્રતીકાત્મક નહિ પરંતુ, સક્રિય, માહિતગાર અને સાતત્યપૂર્ણ સપોર્ટ સંદર્ભે સાદા છતાં શક્તિશાળી સૂચનો કર્યા હતા. એક કાર્યથી શું તફાવત સર્જી શકાય તેવા પ્રશ્નના ઉત્તરમાં પ્રિયાનીતે સૂચવ્યું હતું કે ફોર્મલ ડીગ્રીઓ મેરિટનું એક માત્ર માપ ન હોય તેવા એન્ટ્રી લેવલની વધુ ભૂમિકાઓ અને એપ્રેન્ટિસશિપ્સનું સર્જન કરી શકાય. ફહીમ ખાને સ્કૂલ મીલ્સ, યુથ ક્લબ્સ અને મેન્ટોરિંગ જેવી યુથ પ્રોવિઝન ફંડિંગને પુનઃ શરૂ કરવાની હિમાયત કરી હતી જેનાથી નાની વયે જ રચનાત્મક ઘડતર થઈ શકે.
વિનિતાએ નાની વયથી અને ખાસ કરીને છોકરીઓ માટે STEM એજ્યુકેશન દાખલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ABPLના ચેરમેન સી.બી. પટેલે ચર્ચાનું સમાપન કરતા કહ્યું હતું કે આ પેનલ ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન સંદર્ભે સૌથી સારી પેનલ્સમાં એક રહી હતી જે વિચારપૂર્ણ, ખુલ્લા દિલની તેમજ સંમતિ અને અસંમતિની ઈચ્છા ધરાવતી હતી. તેમણે નવેન્દુ મિશ્રા અને RAF પર્સોનેલનો તેમની ભાગીદારી અને પ્રયાસો બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક દેશ તરીકે બ્રિટન હંમેશાં સ્વસુધારક રહ્યો છે જેથી તેના રાજકારણ સંબંધિત મોટા ભાગની ચિંતા અનાવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘ડાઈવર્સિટીના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ, રોમનું નિર્માણ એક દિવસમાં થયું ન હતું, અને હજુ પણ સમાપ્ત થયું નથી. આ પ્રયાસો ચાલી જ રહ્યા છે.’
પેનલચર્ચા પછી નેટવર્કિંગ, ડ્રિન્ક્સ અને હળવા નાસ્તાનો કાર્યક્રમ આગળ વધ્યો હતો.
(ફોટો સૌજન્યઃ વિનીત જોહરી)