અંતરીક્ષમાં ઈતિહાસ રચતું ‘ઈસરો’

Thursday 02nd January 2025 01:21 EST
 
 

મુંબઈ: અંતરીક્ષ સંશોધન ક્ષેત્ર ‘ઇસરો’ એક પછી એક સિદ્ધિઓ હાસલ કરી રહ્યું છે. ચંદ્રયાન-3ના સફળ મિશન થકી ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનાર વિશ્વના પ્રથમ દેશનું બહુમાન અપાનાર ‘ઇસરો’એ હવે સોમવારે સ્પેડેક્સ (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) મિશન લોન્ચ કરીને તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. ‘ઇસરો’એ વિદાય લઇ રહેલા વર્ષની 30 ડિસેમ્બરે રાત્રે પીએસએલવી-સી60 (પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-સી60) દ્વારા સેટેલાઇટ અંતરીક્ષમાં તરતા મૂક્યાં છે.
સ્પેડેક્સ મિશન શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થયેલું 99મું સફળ મિશન છે. સ્પેડેક્સ મિશનમાં એસડીએક્સ10 - ‘ચેઝર’ અને એસડીએક્સ02 ‘ટાર્ગેટ’ એમ બે સેટેલાઈટ્સનો સમાવેશ થાય છે. અંતરીક્ષમાં તરતા મૂકાયેલા 220-220 કિલોના આ સેટેલાઇટ્સનું વર્ષના પહેલા જ સપ્તાહમાં સાતથી દસ જાન્યુઆરી દરમિયાન ડોકિંગ (બંને સેટેલાઈટ્સ એકબીજા સાથે જોડાઇ જશે) થશે. પૃથ્વીથી 475 કિમીના અંતરે હાથ ધરાનારું આ ડોકિંગ ભારત દેશ માટે અને ‘ઇસરો’ માટે સોનેરી સફળતા બની રહેશે. અત્યાર સુધીમાં રશિયા, અમેરિકા અને ચીને જ સ્પેસ ડોકિંગમાં સફળતા મેળવી છે. હવે આ યાદીમાં ભારતનું નામ ઉમેરાશે. નિષ્ણાતો કહે છે કે ‘ઇસરો’નું આ મિશન ચંદ્ર પર સમાનવ અભિયાન મોકલવા સહિતના ભારતના ભાવિ અંતરીક્ષ અભિયાનો માટે અત્યંત મહત્વનું પુરવાર થશે.
સ્પેડેક્સ મિશનના સફળ લોન્ચિંગથી ખુશખુશાલ ‘ઇસરો’ના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે વડા મથકે સાથી વિજ્ઞાનીઓ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે આ મિશન ભારતનાં ભાવિ ચંદ્રયાન-4, ગગનયાન, ઇંડિયન સ્પેસ સ્ટેશન, સમાનવ ચંદ્રયાન વગેરે મિશન્સ માટે બહુ ઉપયોગી અને માર્ગદર્શકરૂપ બની રહેશે.


comments powered by Disqus