તેઓ હતા તો સમગ્ર દેશના લોકપ્રિય કવિ-રાજનેતા, પણ અટલબિહારી વાજપેયીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં ગુજરાતનું એક વિશેષ સ્થાન હતું, તે તેમના વિચારો અને ઘટનાઓના ફલક પર યાદ કરીએ તો તે પ્રસ્તુત ગણાશે.
ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતીએ ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રબળ ઈચ્છા હતી કે આ પ્રસંગે અટલજીનો સંદેશ તો હોવો જ જોઈએ. મુશ્કેલ એટલા માટે હતું કે જિંદગી આખી પરિશ્રમ અને પુરુષાર્થની દીર્ઘ યાત્રા પછીના આ દિવસોમાં શરીર જવાબ માંગતુ થયું હતું. બીમાર અટલજી પર તબીબોના ઘણા બંધન હતાં , રંજન ભટ્ટાચાર્ય સાથે સંપર્ક કરીને અટલજીનો સંદેશો મેળવ્યો, તેમાનું એક વાક્ય હતરું:”ગુજરાત તો દેશનો કોહિનૂર છે!”
છેક 1951થી, જનસંઘના ભારતના રાજકીય આકાશમાં પ્રાદુર્ભાવ સમયથી વાજપેયી ગુજરાતને માટે પ્રિય બની ગયેલા. તેમની સભાઓમાં લોકો ઉમટતા, ત્યારે તે કહેતા:ભીડ તો હોતી હૈ, બસ, મત નહિ મિલતે! કોંગ્રેસનો દબદબો હતો. એવું કહેવામાં આવતું કે કોંગ્રેસ કોઈ વૃક્ષ કે વીજળીનો થાંભલો ઉમેદવાર બનાવે તો તે પણ જીતી જાય. એકવાર વઢવાણના અભ્યાસશિબિર (હા, ત્યારે જનસંઘની વિશેષતા એ રહી કે તેના નેતા-કાર્યકર્તાઓના અભ્યાસ શિબિરો થતાં. સૌ એક વિદ્યાર્થિની જેમ હાથમાં “એકાત્મ માનવવાદ” પુસ્તકની સાથે બેસતા, વાજપેયી, દીનદયાળ ઉપાધ્યાય કે સુંદરસિંહ ભાંડારી “વર્ગ” લેતા!) દરમિયાન કહેવાયું કે લોકતંત્રમાં સાચો નાગરિક ઉમેદવાર હોવો જોઈએ અને જિતવો જોઈએ. આપણે થાંભલો કે વૃક્ષ ઊભાં રાખવાં નથી. 1952 માં પહેલી લોકસભા ચુંટણી થઈ ત્યારે ભાવનગરમાં કાર્યકર્તા સંમેલન હતું. પક્ષે વાજપેયીને મોકલ્યા હતા. તદ્દન યુવાન અટલજીને જોઈને એક વયોવૃદ્ધ કાર્યકર્તા બોલી ઉઠયા: અરે, આ તો સાવ નાનકડા છે!’ અટલજી તે સાંભળી ગયા, અને કહ્યું”હાં , આજ તો મૈં છોટા હૂં , કલ બડા હો જાઉંગા!”
આ “બડા” બનવાની સફર સામાન્ય નહોતી. ડૉક્ટર મુખરજી જેવા પ્રચંડ વટવૃક્ષ નેતાના કાશ્મીરમાં અચાનક અવસાન પછી પક્ષમાં લોકોને જાણીતા તેવા નેતાઓ ક્યાં હતા? આર્થિક અભાવ. “નેહરુ એટલે કોંગ્રેસ, અને કોંગ્રેસ એટલે દેશ” ની માન્યતા. આવા સંજોગોમાં જનસંઘે જે થોડાક નેતાઓનું દમદાર નેતૃત્વ સર્જ્યુ તેમ વાજપેયી, દીનદયાળ ઉપાધ્યાય, બલરાજ મધોક ,સુંદરસિંહ ભાંડારી , પ્રેમનાથ ડોગરા વગેરે હતા. વાજપેયી પહેલીવાર લખનૌમાં હારી ગયા, બીજીવાર ત્રણ બેઠકો પર ઊભા રાખ્યા તેમાંની એક પર જીત્યા. જન આંદોલનો અને વ્યાપક પ્રવાસ એ સમયે મુખ્ય એજન્ડા. એકવાર ગણતરી કરવામાં આવી તો અટલજી અને દીનદયાળ ઉપાધ્યાયે આખા દેશમાં વર્ષે બે વાર છેક નાના નાના નગરો સુધીનો પ્રવાસ કર્યો હતો! પ્રવાસ પણ કેવો? વિમાન સફર તો કોઈક વાર. રેલવેમાં, થોડી સગવડ હોય તો બીજો વર્ગ નહીં તો ભીડવાળો ત્રીજો વર્ગ. કોઈ થોડાક સંપન્ન કાર્યકર્તા હોય તો તેની જૂની ખખડધજ મોટરકાર આપે. 1967માં એવી એક જૂની ગાડી અને તેના માલિક સારથિ છાબડીયા સાથે અટલજીનો પ્રવાસ થયો હતો અને સૌરાષ્ટ્રના સાત શહેરો તેમ જ વચ્ચે આવતાં ગામડાઓના લોકો સાથે રાજમાર્ગ પર વાર્તાલાપ થયો. બીજીવાર એક મોટરકારમાં અમદાવાદથી ધંધુકા, ભાવનગર, અમરેલી, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, જેતપુર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને છેલ્લું અમદાવાદનું કાંકરિયા મેદાન.. માત્ર બે દિવસમાં આટલી સભાઓ! તેની વચ્ચે, કુતિયાણાની સભામાં સાંજ થઈ ગઈ હતી. સભા પૂરી થયા પછી આગળ જવા નીકળ્યા તો વચ્ચે તેમણે મને કહ્યું: શામ ક સૂરજ કિતના સુંદર થા, દેખા થા તુમને? જનસભાનો મંચ, લોકોને ઉદબોધન અને તેની સાથે સૂર્યાસ્તનું સૌંદર્ય! ત્રણેનું આવો કવિ-રાજનેતા જ કરી શકે!
ગુજરાત પ્રત્યેનો તેમનો વિશેષ લગાવ રહ્યો. 1968 પૂર્વે ગાંધીધામમાં જનસંઘના પ્રાદેશિક અધિવેશનમાં આવ્યાં હતા. મારી વય બાવીસ વર્ષની. સાધના -તંત્રી તરીકે તરવરાટ અને ઉત્સુકતા અટલજીની વિશેષ મુલાકાતનો! પત્રકાર તરીકેનો એ પહેલો સાક્ષાત્કાર બરાબર યાદ છે, (પછી તો ઘણા વર્ષ પછી તેમના પરની દીર્ઘ ફિલ્મ “મેરી અનુભૂતિ”માટે દિલ્હીના નિવાસસ્થાન 6, રાયસીના રોડ પર સળંગ ચાર કલાકની મુલાકાત લીધી હતી. એવી જ બીજી મુલાકાત અજબ હતી. એજ ફિલ્મ માટે બીજો ઇન્ટરવ્યૂ લેવાની તૈયારી હતી, ત્યાંજ ખબર આવ્યાં કે કોઈ કાર્યકર્તાનું અવસાન થયું છે અને સ્મશાનયાત્રા નીકળે છે. સ્મશાનઘાટે પહોંચવું હતું, કાર તૈયાર હતી. મને કહે કે ચલો. ગાડીમે બાત કાર લેંગે. કમાન્ડોને બીજી ગાડીમાં આવવાનું જણાવ્યું, અને સ્મશાન આવતા-જતાં તે મુલાકાત થઈ !)
ગાંધીધામમાં પણ એવું જ બન્યું. યજમાન સિંધી નેતાને ત્યાંથી અધિવેશન તરફ જવા નીકળ્યા તો તે સમયે મને કારમાં સાથે બેસાડી દીધો.” ચલો, હમારે સાથ!” એ વાક્ય યાદ રહી ગયું એટલા માટે કે છેક તેમની વિદાયના 2018ના વર્ષ સુધી 50 વર્ષનો અમારો સ્નેહ-સંબંધ રહ્યો. તેમની વય, અનુભવ, પ્રતિષ્ઠા, વ્યક્તિત્વ-બધી રીતે ઘણો નાનો હોવા છતાં ભાગ્યશાળી રહ્યો, અને તેમની સ્મૃતિમાં “આપણા અટલજી, સ્મૃતિ, રાજનીતિ અને કવિતા” નામે બૃહદ્ ગ્રંથ કર્યો, હવે તે હિન્દીમાં પ્રકાશિત થઈ રહ્યો છે.
મને લાગે છે કે ગુજરાતમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં, અને મજબૂત કાર્યકર્તા નિર્માણમાં આ નેતાઓએ મોટો ભાગ ભજવ્યો છે. રાષ્ટ્રીય મહામંત્રી અને પછી રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય છેક જુનાગઢ જિલ્લાના નાનકડા નગર માણાવદર સુધી પહોંચ્યા હતા, કારણ તે હતું કે તેમના પક્ષના એક સંનિષ્ઠ કાર્યકર્તા ગોરધનભાઈ ચૌહાણની અસામાજિક તત્વોએ હત્યા કરી હતી. સાવ સામાન્ય, સાઈકલની દુકાન ચલાવતા ગોરધાનભાઈના પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે ગયા, સાંજે સભા ભરી અને પછી જુનાગઢ તરફ જતી શાપુર-સરાડીય નેરોગેજ રેલવેના ત્રીજા વર્ગમાં જવા રવાના થયા!
વાજપેયી એકવાર સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. બપોર થયો, પણ હજુ ભાવનગર તો દૂર હતું. તે દિવસોમાં આજની જેમ હાઇ વે પર હોટેલો નહોતી. વાજપેયીને એસિડિટી હતી એટલે કોઈપણ રીતે કશુંક ખાવાની જરૂર હતી. દૂર સુધી કોઈ હોટેલ નહિ. હવે? રસ્તામાં એક નાનું ઘર આવ્યું. એક વૃદ્ધ મહિલા રહેતા હતા. તેમને વાત કરી. અટલજી નામથી પણ જાણે નહિ. પણ કોઈક મોટા નેતા એટલે ઘરમાં જે કાઇ હતું તેમાંથી રોટલો બનાવ્યો, સાથે દૂધ. અટલજી તેના આંગણે ખાટલા પર બેસીને જમ્યા.
1968 નો કચ્છ કરાર વિરોધી સત્યાગ્રહ, શ્યામજી કૃષ્ણવર્માના માંડવીમાં જન્મ-સ્થળના દર્શન, કચ્છ ભૂકંપ સમયે સમગ્ર સેવ-શક્તિનો ઉપયોગ, અનામત તરફેણ-વિરોધનાં આંદોલનને શાંત કરવાનો પ્રયાસ, 1974 નું નવનિર્માણ આંદોલન અને તે પછી ગુજરાતમાં પ્રથમ કોંગ્રેસ વિરોધી જનતા મોરચાનું નિર્માણ અને સરકારની રચના, 1990 પછી ગુજરાતમાં ભાજપ સરકારો, તેના પ્રશ્નો નિવારવાના પ્રયાસો.. આ બધામાં અટલજીએ ગુજરાત પ્રત્યેનો અનુબંધ વ્યક્ત કર્યો તે વાત એક અલગ લેખ માંગી લે છે.

