ગ્રેગોરિયન પંચાગનું 2024નું વર્ષ સમાપ્ત થયું અને આપણે સૌ 2025ના નવા વર્ષમાં પ્રવેશી ચૂક્યાં છીએ. એક પછી એક વર્ષો ઇતિહાસમાં ધરબાઇ રહ્યાં છે અને તેની સાથે મધુરી અને કડવી યાદો પણ ભૂતકાળમાં દફન થઇ રહી છે. 2024નું વર્ષ અનેક અપેક્ષાઓને અધુરી છોડીને પસાર થઇ ગયું છે. કોરોના મહામારી બાદ વૈશ્વિક ભૂરાજકીય વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થાને માંડ માંડ કળ વળી હતી ત્યાં 2024ના વર્ષના ઘટનાક્રમોએ તેના પર પાણી ફેરવી દેવામાં કોઇ કસર બાકી રાખી નથી. ઘણાને આશા હતી કે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવશે પરંતુ તેમ થયું નથી. ઉલટાનું સ્થિતિ વધુ ગંભીર બની અને રશિયા અને યુક્રેન સમર્થક પશ્ચિમના દેશો વીતેલા વર્ષમાં સામસામે આવી ગયાં. 2023માં ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ શરૂ થયેલો સંઘર્ષ વધુ વકર્યો અને તેમાં લેબેનોનના હિઝબુલ્લા અને યમનના હૂથી આતંકવાદીઓ દ્વારા પ્રોક્સી વોર લડી રહેલા ઇરાન પણ ઝંપલાવ્યું. આ બંને લોહિયાળ સંઘર્ષોમાં હજારો માનવ જિંદગીઓ હોમાઇ ચૂકી છે. 2024માં યથાવત રહેલાં સંઘર્ષોનો 2025માં અંત આવે તેવી કોઇ સંભાવના હાલ પુરતી દેખાઇ રહી નથી. ઉલટાનું ક્ષિતિજ પર વધુ સંઘર્ષો ડોકિયાં કરવા લાગ્યાં છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પરની ચિનગારી હવે ભયાનક આગનું સ્વરૂપ ધારણ કરવા લાગી છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ગમે ત્યારે વિશ્વયુદ્ધમાં તબદિલ થઇ શકે છે. આશા રાખીએ કે 2025નું નવું વર્ષ વિશ્વમાં અમન અને શાંતિ લઇને આવે. સત્તાધીશો પ્રમાણિક અને નિસ્વાર્થ બનીને સમગ્ર માનવજાતના હિતમાં નિર્ણયો લે. જો તેમ નહીં થાય તો 2025નું વર્ષ પણ લોહિયાળ જ બની રહેશે.
બ્રિટનની વાત કરીએ તો જુલાઇ 2024માં દેશમાં સત્તા પરિવર્તન બાદ નવી રચાયેલી લેબર પાર્ટીની સ્ટાર્મર સરકાર પાસે લોકોને ઘણી આશા હતી પરંતુ થોડા જ મહિના અને ઓટમ બજેટ બાદ બ્રિટિશ જનતાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. દેશના અર્થતંત્રની ગાડી માંડ માંડ પાટા પર ચડી હતી પરંતુ ચાન્સેલર રીવ્ઝના બજેટમાં કરાયેલી આકરી જોગવાઇઓના કારણે તે ફરી એકવાર ગોથાં ખાવા લાગી છે. ફુગાવાનો દર સતત વધી રહ્યો છે અને સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પ્રારંભથી બ્રિટિશ જનતાની કેડ પર લદાયેલા નવા કરવેરા કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસને વધુ વકરાવવા જઇ રહ્યાં છે. મોંઘવારી જનતાને પીડવાનું જારી રાખશે તે વાતમાં કોઇ શંકા હાલ તો દેખાઇ રહી નથી. કહે છે ને કે ગાજ્યા મેઘ વરસતા નથી. સ્ટાર્મર સરકારની સ્થિતિ પણ કંઇક એવી જ બની રહી છે. વીતેલા વર્ષની સરખામણીમાં નવા વર્ષમાં વડાપ્રધાન સ્ટાર્મર અને તેમની ટીમ વધુ કશું ઉકાળે તેવી આશાનું કિરણ હાલપુરતું તો ક્ષિતિજ પર પણ દેખાઇ રહ્યું નથી. 2025નું વર્ષ હાલપુરતું તો બ્રિટન માટે ધૂંધળું જ જણાઇ રહ્યું છે. સમસ્યાઓથી ગ્રસ્ત બ્રિટિશ સિસ્ટમને સુધારવાનું કામ સ્ટાર્મર સરકાર માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેવાનું છે.
ભારત માટે 2014 પછીનો સમયગાળો ઘણો નસીબવંતો રહ્યો છે. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યો છે. વિશ્વના અગ્રણી દેશો પણ ભારતની આણ સ્વીકારતાં થયાં છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરી રહેલી ભાજપ સરકાર 2025માં પણ આ વિકાસગાથા જારી રાખી શકે છે કે કેમ તે જોવું રહ્યું. 2024ના છેલ્લા બે ત્રિમાસિકમાં ભારતના જીડીપી વૃદ્ધિદરમાં નોંધપાત્ર અને ચોંકાવનારો ઘટાડો થયો છે જે મોદી સરકાર માટે વર્ષ 2025નો સૌથી મોટો પડકાર બની શકે છે. તે ઉપરાંત ભારતીય ઉપખંડમાં બદલાઇ રહેલી ભૂરાજકીય સ્થિતિ 2025માં ભારતીય નેતૃત્વ માટે નવા અને ગંભીર પડકારોના સંકેત આપી રહી છે. 2024માં ચીન સાથેના સરહદી વિવાદોના ઉકેલમાં નોંધપાત્ર પ્રગતિ થઇ શકી અને બંને દેશની સેનાઓ પીછેહઠ કરીને બફર ઝોનથી પાછળ ચાલી ગઇ પરંતુ ખંધો ચીન તેની આડોડાઇ છોડવાનું નામ લઇ રહ્યો નથી. એકતરફ શાંતિની વાતો અને બીજીતરફ તે ભારતને ઘેરવા માટે એલએસી પર મોટાપાયે સૈનિક માળખાઓનું નિર્માણ કરી રહ્યો છે. 2025માં ચીન ભારતને કનડવાનું જારી રાખશે તે વાસ્તવિકતા આપણે સ્વીકારી લેવી જોઇએ. ભારતીય ઉપખંડમાં સૌથી વિશ્વાસપાત્ર સાથીદેશ ગણાતા બાંગ્લાદેશમાં પણ 2024માં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી જુવાળ ચરમ પર પહોંચ્યો છે. બાંગ્લાદેશના નવા શાસકો ભારતના પરંપરાગત દુશ્મન પાકિસ્તાનના ખોળામાં જઇ બેસી ગયાં છે. જે ભારત અને વિશેષ કરીને ઉત્તર-પૂર્વ ભારતની સુરક્ષા પર ગંભીર જોખમ સર્જી શકે છે. નવા વર્ષમાં ભારતીય નેતૃત્વે બાંગ્લાદેશના મામલે અત્યંત સાવધાનીપુર્વક કૂટનીતિક વ્યૂહરચના અપનાવવી પડશે.
આમ 2025નું નવું વર્ષ નવી આશાઓની સાથે સાથે જૂનાની સાથે નવા પડકારો પણ લઇને આવી પહોંચ્યું છે. આશા રાખીએ કે 2025નું નવું વર્ષ બ્રિટન, ભારત અને સમગ્ર વિશ્વ માટે સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ લઇને આવે.
