ન્યૂ ઓર્લિઅન્સઃ અમેરિકાના ન્યૂ ઓર્લિઅન્સમાં એક દુઃખદ ઘટના બની. અહીં સવારે 3:15 વાગ્યે નાઇટ લાઇફ અને વાઇબ્રન્ટ કલ્ચર માટે જાણીતા બોરબન સ્ટ્રીટ અને ઇબર્વિલે ક્રોસરોડ પર એક પૂરપાટ આવતી ટ્રકે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને ટક્કર મારી દીધી. જે બાદ આ શખ્સે નીચે ઉતરી અંધાધૂંધ ફાયરિંગ પણ કર્યું. આ ઘટનામાં 12 લોકોનાં મોત થયાં અને 30થી વધુ લોકો ગંભીરપણે ઘવાયા હતા.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે ટ્રક ડ્રાઇવરે નીચે ઉતરતાં જ ભીડ પર ગોળીબાર કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવતાં રસ્તા પર દોડતા લોકો વચ્ચે ગોળીઓનો અવાજ આવી રહ્યો છે અને રસ્તા પર ઘાયલ લોકોને પણ જોઈ શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે ન્યૂ ઓર્લિઅન્સ પોલીસ દ્વારા સંદિગ્ધ પર પણ ગોળી ચલાવવામાં આવી.
એફબીઆઇ દ્વારા તપાસ શરૂ
એક્સિડેન્ટ અને ફાયરિંગની ઘટના બાદ આ સમગ્ર વિસ્તારમાં ઇમર્જન્સીની સ્થિતિ વચ્ચે સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ ઘટના અંગે એફબીઆઇ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે, સ્થાનિક પોલીસના કહેવા મુજબ આ આતંકી હુમલો નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ આરોપી કોણ છે અને તેની પાછળ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે. ન્યૂ ઓર્લિઅન્સ પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે, કારણ કે ઘાયલ થનારા 30 પૈકી અનેક લોકોની સ્થિતિ અતિ નાજુક છે.

