ભારત મનમોહનનું ઋણ ક્યારેય ચૂકવી શકશે નહીં

Thursday 02nd January 2025 00:58 EST
 

2024નો ભારત દેશ 1991માં નાણાપ્રધાન બનેલા અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાનપદે રહેલા વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી એવા ડો. મનમોહનસિંહનું ઋણ ક્યારેય ચૂકવી શકશે નહીં. ભારતને લાયસન્સ અને પરમિટરાજમાંથી મુક્તિ અપનાવનારા મનમોહનસિંહે 2024ના વર્ષની સાથે ફાની દુનિયાને પણ અલવિદા કહી દીધી.
કહે છે ને કે તમારી પાસે જેટલી વધુ સત્તા આવે છે તેટલા જ અવરોધો પણ તમારી સામે આવીને ઊભાં રહે છે. મનમોહનસિંહનું જીવન અને કાર્યો પણ લોકશાહીના આ કડવા સત્ય સાથે વણાયેલાં રહ્યાં. આ એક એવું સત્ય અને પદાર્થપાઠ છે જેને ક્યારેય કોઇ જાણી શક્તું નથી. અવિભાજિત પંજાબના ગાહ ગામમાં જન્મેલા મનમોહને દેશના વિભાજન બાદ વિસ્થાપિત થયાં છતાં જિંદગીમાં પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં ક્યારેય પાછું વળીને જોયું નહોતું. વિશ્વ અને બ્રિટનની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ બાદ વતન પરત આવેલા ડોક્ટર સાહેબે ભારતીય અર્થતંત્રમાં તમામ ઉચ્ચ હોદ્દાઓને શોભાયમાન કર્યાં અને આખરે દેશના વડાપ્રધાન પણ બન્યાં.
ડો. મનમોહનના જીવનમાં જૂન 1991 અને મે 2004 અત્યંત ઐતિહાસિક બની રહ્યાં. જૂન 1991માં બ્યુરોક્રેટમાંથી સીધા નાણા પ્રધાન બનેલા ડો. સિંહે ન કેવળ નાદારીના આરે પહોંચેલા ભારતીય અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવી પરંતુ દેશના વિકાસ આડે રહેલા તમામ મોટા અવરોધોને હટાવીને દેશને એક નવી દિશા આપી. ભારતીય અર્થતંત્ર તેમનું આ ઋણ ક્યારેય ભૂલી શકશે નહીં. મે 2004માં દેશના વડાપ્રધાન બનેલા મનમોહનસિંહે સતત એક દાયકા સુધી દેશને નેતૃત્વ આપીને વિકાસની ગાડીને પૂરવેગમાં દોડતી કરી દીધી હતી. 2024માં આપણે જે વિકાસ અને સમૃદ્ધિના ફળ ચાખી રહ્યાં છીએ તેનું બીજ આ પ્રખર અર્થશાસ્ત્રીએ જ વાવ્યું હતું. પોતાના શાસનકાળના અંત ભાગમાં આ મૃદુભાષી નેતાએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેનાથી તેમની સમગ્ર કારકિર્દી ખરડાઇ જાય તેવી કોઇ સંભાવના નથી. દેશ તેના આ વીર સપૂતના ઋણને ક્યારેય ભૂલી શકશે નહીં.


comments powered by Disqus