ધર્મધજા સાથે સતત આગળ વધતા ગુજરાત સમાચાર અને તેના પ્રકાશક તંત્રી સી.બી. પટેલ દ્વારા કાયમ વિવિધ ધર્મ અને સંપ્રદાયને પૂરતું મહત્ત્વ આપવામાં આવે છે, ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિર અંગે પ્રકાશ પાડતાં વિશેષ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતના 39મા અધ્યાયનું 19 ડિસેમ્બરે ગુરુવારે આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કરાવતાં ડો. સંત વલ્લભસ્વામીએ જણાવ્યું કે, 58થી 60 ર્ષ પહેલાં ગુજરાત છોડી યૂરોપમાં વસવાટ કરવો અને ગુજરાતી તરીકે ગુજરાતીઓ માટે કામ કરવાનો જેને સૌભાગ્ય મળ્યું તે સી.બી. પટેલને અભિનંદન છે. તેમણે આપણને સૌને એકત્ર કર્યા છે. 200 વર્ષના અલ્પ સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વના દરેક ખંડમાં ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો અને સંશોધકોએ આ બાબત પર વિચારવિમર્શ કરી કયા કારણોસર આ સંપ્રદાય અલ્પકાળમાં ખૂબ ત્વરિત ગતિએ વિકસી રહ્યો છે તેનાં તત્ત્વો-સત્ત્વ શોધી સમાજને આપવાં જોઈએ, જેથી તમામ જાતિ, જ્ઞાતિ, સમાજ અને તમામ વર્ગની પ્રગતિ થાય.
આજે સંપ્રદાયના બહુ મોટા વિદ્વાનોના મુખે સંપ્રદાયનું તત્ત્વ અને સત્ત્વ જાણી લોકો સમક્ષ મૂકવાનું કામ થઈ રહ્યું છે, તેના માટે હું આનંદ વ્યક્ત કરું છું. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત હોય ત્યારે અયોધ્યા, તેની પાસેનું ગામ છપૈયા ત્યાં ભગવાનનું પ્રગટ થવું, મહત્ત્વનું છે કે જે વર્ષમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર 500 વર્ષના અંતે વિશાળ રામમંદિરની પ્રતિષ્ઠા થતી હોય અને એ જ વર્ષમાં વડતાલ મંદિરનાં 200 વર્ષ પૂર્ણ થતાં હોય તે મોટો સંયોગ છે. દ્વિશતાબ્દીની ઉજવણીનું આમંત્રણ આપવા અમે લંડન જતા હોઈએ ત્યારે બળવંતભાઈ જાની દ્વારા અમને પૂરતો સહયોગ આપવામાં આવ્યો. હું આદરણીય બળવંતભાઈની વિનંતી કરું છું તે તેઓ આગળની માહિતી આપે.
બળવંતભાઈ જાનીઃ વડતાલની ગઈકાલ, આજ અને આવતીકાલના વિષયને અનુસંધાને તેની પ્રાચીનતા, અત્યારનો ભવ્ય વૈભવ અને હવે પછી શું થવાનું છે તે જાણવા જેવું છે. ઉલ્લેખનીય છે કે, સહજાનંદ સ્વામીએ સ્થાપેલા વડતાલ મંદિરના શુદ્ધ ચાંદીમાંથી બનાવેલા રૂ. 200ના સિક્કા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, આ લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપા જ છે. સી.બી. પટેલ એક રીતે કહીએ તો તમે ભગવાન સ્વામિનારાયણના વડતાલ ધામના વિસ્તારક છો. ઇસ્કોન મંદિર પણ તમારા દ્વારા ચલાવેલી લડત બાદ જ આકાર પામી શક્યું છે. લોકોની માગણી અને લાગણીને સામે લાવ્યા એટલે જ લંડનમાં ઇસ્કોન મંદિરની ધર્મપતાકા ફરકી રહી છે.
બળવંતભાઈએ લાલજીભગતને આમંત્રણ આપતાં વડતાલ ધામને સ્પર્ષતું પદ રજૂ કરવાની સાથે તેનું મહત્ત્વ સમજાવવા કહ્યું.
લાલજી ભગતઃ લાલજી ભગતે સુંદર પદને લલકારી પોતાના વક્તવ્યની શરૂઆત કરી. જે બાદ તેમણે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણ સામવેદી બ્રાહ્મણ હતા. સંગીતનો ઉદભવ જ સામવેદમાંથી થયો છે. સૂર, તાલ અને ભાવનો ત્રિવેણી સંગમ એટલે જ સંગીત. સૂર એટલે એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિ. સ્વામિનારાયણ ભગવાને કેટલાય જીવને પ્રેરણા કરીને તેમને સેવા, ભક્તિ અને વૈરાગ્યની અભિવ્યક્તિ આપી.
લાલજી ભગત દ્વારા સંગીતનું મહાત્મ્ય જાણ્યા બાદ માધવપ્રિયદાસજીને મૂળ સંપ્રદાયની ઓળખ આપતાં કહ્યું કે, ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણીના વેશમાં 7 વર્ષ ભારત ભ્રમણ કર્યું. તેમણે પોતાનું ભગવાનપણું ભૂલી જઈ તેમણે ભારતનો
અભ્યાસ કર્યો અને અને ધર્મક્ષેત્રમાં સુધારાની આવશ્યકતા અંગે નિર્ણય કર્યો. તેમને અનુસારે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપના કરી.
મૂળ આ સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે, કારણ કે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના પરમ સખા. ભગવાન કૃષ્ણએ ધામમાં જતા પહેલાં પોતાનું સમગ્ર જ્ઞાન ઉદ્ધવજીને આપી કહ્યું, ‘ઉદ્ધવ આ મારો આખો જન્મ ખેડવામાં ગયો, વાવવા માટે ફરી આવવું પડશે.’ એટલે કે આપણે ફરી મળીશું એવો સંકેત આપ્યો. એ જ ઉદ્ધવજી રામાનંદ સ્વામીરૂપે પ્રગટ થયા, જેમણે રામાનુજાચાર્ય પાસેથી વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરી. રામાનુજાચાર્ચએ કહ્યું, આપ દક્ષિણ ભારતમાં નહીં પશ્ચિમ ભારતમાં ભાગવત ધર્મનો પ્રચાર કરો. તમે વૃંદાવન જાઓ, ભગવાન કૃષ્ણ તમારું વિશેષ માર્ગદર્શન કરશે.
આમ રામાનંદ સ્વામી વૃંદાવન પધાર્યા, જ્યાં ભગવાને તેમને દર્શન આપ્યાં. આ સમયે શ્રીકૃષ્ણએ તેમને મંત્રો આપ્યાં, જે સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનાં હતા. રામાનંદ સ્વામીએ જ્યારે શરીર છોડવાનું થયું ત્યારે સંપ્રદાયની ધુરા નીલકંઠવર્ણી એટલે ભગવાન સ્વામિનારાયણને સોંપી. ભગવાન સ્વામિનારાયણે મૂળ ઉદ્ધવ સંપ્રદાયનો અત્યંત વિસ્તાર કર્યો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય નામ થયું.
માધવપ્રિયદાસજી બાદ ભાનુપ્રકાશદાસજીએ સંપ્રદાય અંગે વધુ જ્ઞાન પિરસતાં કહ્યું, ભગવાન સ્વામિનારાયણે પોતાના 212 શ્લોકમાં જે વિધેયાત્મક અને નિષેધાત્મક આદેશો કર્યા છે. વિધેયાત્મક આદેશોમાં 2 વસ્તુને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે, જેમાંથી એક છે મોટામાં મોટું પુણ્ય કરવું હોય તો સદવિદ્યાની પ્રવૃત્તિ છે. જ્યારે બીજી વસ્તુ છે રોગપીડિત વ્યક્તિની સેવા કરવી. આ બંને વસ્તુમાં કોઈ ભેદભાવ વિના કાર્ય કરવા આદેશ કરાયો છે. ધર્મને સમાજ અભિમુખ કરવાનો આદેશ કરતાં ભગવાને કહ્યું છે કે, ધર્મને માત્ર મંદિરો પૂરતો સીમિત ન રાખી સમાજના છેવાડાના માનવી સુધી લઈ જવો જોઈએ. છેવાડાના માણસને પણ સંસ્કારયુક્ત શિક્ષણ આપવું જોઈએ.
ગુરુકુળ પરંપરા અંગે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ નાર મુકામના શુકદેવ પ્રસાદજી સ્વામીએ કહ્યું કે, જીવમાત્રનું ભલું કેમ કરી શકાય એ ભગવાન સ્વામિનારાયણના કાર્યનો એક ભાગ છે. આજે હજારો-લાખો ભક્તો જનહિતાય માટે અનેકવિધ પ્રવૃત્તિ કરે છે. આજે આપણે સંપ્રદાય દ્વારા અનેક હોસ્પિટલો, ગૌશાળા, સરસ્વતી મંદિર- ગુરુકુળો પણ ચાલે છે. જો કે ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલી અમુક બાબતો છે, જે આપણા સૌ સાથે જોડાયેલી છે અને સ્પર્ષે છે અને દિશા આપનારી છે.
વડતાલનાં સેવાકાર્યો જાણ્યા બાદ સ્વરૂપ જીવનદાસજીએ સંપ્રદાયનાં શાસ્ત્રો અને સાહિત્ય અંગે જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોનો એક વૈભવ અને પરંપરા છે, જેના આધારે આપણે કહી શકીએ કે આ એક વૈદિક અને સનાતન સંપ્રદાય છે. આ જ ભવ્ય પરંપરામાં ભગવાન સ્વામિનારાયણનું સંવત 1837માં પ્રાગટ્ય થયું અને આ જ ભવ્ય અને દિવ્ય પરંપરામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાસ્યનું લખાણ કર્યું. આ પરથી આપણે કહી શકીએ કે સ્વાવમિનારાયણ સંપ્રદાય વૈદિક અને સનાતન સંપ્રદાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનો પૌરાણિક વૈભવ પણ અતુલ્ય છે. તપાસ કરીએ તો જણાશે કે 1 લાખ ચોપાઈ ધરાવતો ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપલબ્ધ છે. શ્રીહરિચરિતામૃતસાગરનું કદ અને વજન માપીએ તો એક આખો રૂમ ભરાય એટલો વિરાટ ગ્રંથ છે. ગિનિસ બુકમાં પણ તેનો રેકોર્ડ નોંધાયેલો છે.
સ્વરૂપજીવનદાસજી બાદ લંડનમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરમાં મહત્ત્વની ભૂમિકા ધરાવનારા પ્રવીણભાઈ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, વડતાલ ધામની દ્વિશતાબ્દી પ્રસંગ ઐતિહાસિક હતો. તે ઇતિહાસમાં ક્યારેય ભુલાશે નહીં. આ પ્રસંગે જુવાનિયા સંતોએ જે ભાગ ભજવ્યો તે બેમિસાલ હતો. ભુજના મહંત સ્વામી અને ધર્મનંદન સ્વામીએ અગત્યનની વાત કરી કે બંને ગાદીના હરિભક્તો એકત્ર થઈને રહેજો, સંપ્રદાયને આપણે ફેલાવવાનો છે, વિભાગો નથી પાડવાના. આપણા દ્વારા છપૈયાને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તેટલું લોજ ગામને નથી અપાતું, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી લોજ ગામે ન ગયા હોત તો આજે સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્પન્ન ન થયો હોત. ભગવાન નીલકંઠવર્ણીએ લોજ ગામમાં રહી સંતોને આદર્શ આપવાની સાથે યોગા અને સંપ્રદાયની વિજ્ઞાનતા શીખવાડી ત્યારથી સંપ્રદાયની શરૂઆત થઈ. જૂનાગઢના વડીલ સંતોને મારી વિનંતી છે કે આપણે લોજ ગામને મહત્ત્વ આપીએ.
સમાપન પ્રસંગે ડો. સંત વલ્લભસ્વામીએ જણાવ્યું કે, અમારી અપેક્ષા છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય સી.બી. પટેલ આપના માધ્યમે સમગ્ર યૂરોપમાં વસતા લોકો સુધી પહોંચી રહ્યું છે તેનું પુણ્ય ફળ હરિકૃષ્ણ મહારાજ – લક્ષ્મીનારાયણ દેવ આપને આપે.
કાર્યક્રમના સમાપને સી.બી. પટેલે પોતાના વિચારો પ્રગટ કરતાં કહ્યું કે, કાર્યક્રમમાં હાજર તમામ વક્તાઓ દ્વારા સુંદર જ્ઞાન પિરસવામાં આવ્યું. આજની વાત સ્વામિનારાયણ સંપ્રદાયની નથી તે સમગ્ર વિશ્વની સૌથી જૂની સનાતન પરંપરાની છે.
અનેક વિવિધ આચાર્યોની પણ વાત કરી. પ્રવીણભાઈએ કરેલી વાત પ્રમાણે મને પણ લાગે છે કે લોજ ગામનું મહત્ત્વ દર્શાવાતું નથી, જે લક્ષ્યમાં લેવી જોઈએ.

