24 ગામ ઉજમણી કાર્યક્રમમાં 9000 કચ્છીઓએ વિશાળ શોભાયાત્રા સાથે ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ ઉજવ્યો

Wednesday 01st October 2025 07:17 EDT
 
 

લંડનઃ રવિવાર 21 સપ્ટેમ્બરે નોર્થોલ્ટસ્થિત શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે વાર્ષિક 24 ગામ ઉજમણી કાર્યક્રમની ભારે ઉત્સાહપૂર્વક ઊજવણી કરાઈ હતી. ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ વિષય સાથેના ઈવેન્ટમાં 24 ગામોમાંથી 9000થી વધુ કચ્છી લોકો અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટરમાં ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓની આરતી પછી વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરો ગર્લ્સ એન્ડ બોઈઝ પાઈપ બેન્ડ અને બોઈઝ એન્ડ ગર્લ્સ લેઝિમ પરફોર્મર્સની આગેવાની હેઠળ 24 ગામના પ્રતિનિધિઓ અને સભ્યો સામેલ થયાં હતાં. દીપ પ્રાગટ્ય સાથે ઊજવણીનો આરંભ કરાયો હતો.
કચ્છી કોમ્યુનિટીના 40થી વધુ સ્ટોલ્સ સાથે Expoના આયોજન ઉપરાંત, વાર્ષિક મેગેઝિનને ખુલ્લું મૂકાયું હતું. ઈવેન્ટમાં સાંસદ બોબ બ્લેકમેન CBE વતી હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલના હસ્તે SKLPC UKના પ્રેસિડેન્ટ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાને ઈન્ટરનેશનલ કોન્ક્લેવ ઓફ ગુડ ગવર્નન્સ, એકસેલન્સ ઈન લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો હતો. માવજીભાઈએ આ એવોર્ડ કોમ્યુનિટી અને SKLPC મેનેજિંગ કમિટીને અર્પણ કર્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભૂજ મંદિરના સંતો-સ્વામી નિલકંઠ ચરણદાસજી અને સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસજીએ ઈન્ડિયા ગાર્ડન્સની હિમાયત સાથે પ્રભાવશાળી સંબોધનો કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના અધ્યાત્મગુરુ મહંત સ્વામી મહારાજે ભૂજ મંદિર અને ભૂજ સમાજને આશીર્વચન પાઠવ્યા હતા.
SKLPC UKના પ્રેસિડેન્ટ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાએ હૃદયસ્પર્શી સંબોધનમાં ઈન્ડિયા ગાર્ડન્સ તેમજ SKLPC UKના નવા મકાનના નિર્માણમાં ઉદાર ફાળો આપવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત અગ્રણીઓમાં સામજીભાઈ દબાસિયા (જેસામ), જીતુભાઈ હાલાઈ (પ્રાઈમ ગ્લેઝ), કિશોરભાઈ વેકરિયા (સ્ટુડિયો V આર્કિટેક્ટ્સ), સુરેશભાઈ પટેલ (મેન્ડિક વોરિંગ) સહિતનો સમાવેશ થતો હતો. સરદારધામ અમદાવાદના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, કાઉન્સિલર તારિક મહમૂદ (લેબલ એલિંગ કાઉન્સિલ), શાસ્ત્રી ધ્રુવકુમાર ભટ્ટ (ઓમ સંસ્કારધામ મંદિર-ભૂજ કચ્છ), સંજયભાઈ કારા (BAPS ટ્રસ્ટી), SLP UKના ટ્રસ્ટીઓ, કૃપેશ હિરાણી (બ્રેન્ટ અને હેરો માટે લંડન એસેમ્બલી મેમ્બર), કાઉન્સિલર ચેતનાબહેન હાલાઈ (કેન્ટન ઈસ્ટ), કાઉન્સિલર હીનાબહેન મકવાણા (સાઉથ રાયસ્લિપ), કાઉન્સિલર કાન્તિભાઈ રાબડીઆ (કેન્ટન વેસ્ટ), કાઉન્સિલર સુનીતાબહેન હિરાણી (કેન્ટન), કાઉન્સિલર જયંતિભાઈ પટેલ (ક્વીન્સબરી), હરિશભાઈ અને દીનાબહેન ભૂડિયા (સેવા યુકે), જશવંતરાય દોશી (નવનાત વણિક એસોસિયેશન) સહિતના મહેમાનો, વિવિધ મંદિરોના સ્વામીઓ અને ટ્રસ્ટીઓ તેમજ હરિભક્તો તથા સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
SKLPCના સ્ટેન્ડમાં મેનેજિંગ કમિટીના સભ્યો આખો દિવસ હાજર રહ્યા હતા તેમજ ક્રિકેટ ક્લબ, શનિવારી સ્કૂલ, એડવેન્ચર્સ, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ ટુર્નામેન્ટ્સ તેમજ વડીલ સંમેલન અને કોમ્યુનિટીના જરૂરતમંદો અને અશક્તો માટે ટીફિન સેવા – માનવ સેવા સહિતની સામાજિક પ્રવૃત્તિ વિશે જાગૃતિ ઉભી કરવા માહિતી આપી હતી. વિવિધ વાનગી તૈયાર કરવામાં અને તેમના વાસણોની લોન આપવા બદલ હરિભક્તોનો આભાર મનાયો હતો.
સ્ટેનમોર મંદિર દ્વારા 700થી વધુ સ્વયંસેવકો માટે ગાંઠિયા, મરચા અને સંભારાની વ્યવસ્થા કરાઈ હતી. સ્વામિનારાયણ મંદિર વૂલીચ, કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઈસ્ટ લંડન અને કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરો તેમજ તમામ ગામના સભ્યોએ સંયુક્તપણે 8000થી વધુ લોકો માટે કોમ્યુનિટી લંચની વ્યવસ્થા હતી. સમૂહ ભોજનની વ્યવસ્થા નવનિર્માણ થઈ રહેલાં ઈન્ડિયા ગાર્ડન્સનાં વિશાળ હોલમાં કરાઈ હતી.
કોમ્યુનિટી લંચ સ્પોન્સર કરનારા ઉદાર દાતાઓ, SKLPC મેનેજિંગ કમિટી, બળદિયા સર્વોદળ કમિટી, વેકરિયા નિયાણીઓ, કમલા અને મીના વેકરિયા, અમરતબહેન અને દેવજીભાઈ કાનજી કેરાઈ અને પરિવાર (બળદિયા), માધાપરના શ્રીયા, ક્રિસ્ટલ અને જેનિશા વેકરિયા, કમલા કિરીટ અને મીના અરવિંદ વેકરિયા, નારણભાઈ અને રાધા હિરાણીનો આભાર વ્યક્ત કરાયો હતો. ઈવેન્ટમાં ઉપસ્થિત લોકોએ ટીમના વોલન્ટીઅર્સ દ્વારા સ્થળ પર જ બનાવાયેલી દાબેલી, ભજિયા, ચિપ્સ અને ચીલી પનીર સહિતની અનેક વાનગીઓને ફાસ્ટ ફૂડ્સ સ્ટોલ પર માણી હતી.
કચ્છ પ્રદર્શનમાં વર્ષોથી ચાલતી આવેલી કચ્છ ફેશન્સ વિશે માહિતી અપાઈ હતી. તૈયાર વસ્ત્રો, ચરખા-સૂતર કાંતતા રેંટિયાનું પ્રદર્શન તેમજ કચ્છની પ્રખ્યાત ભાનદાની, પુટ લૂમિંગ અને અજરકની કામગીરી વિશે પણ વોલન્ટીઅર્સ દ્વારા માહિતી અપાઈ હતી. બાળકો માટે કિડ્ઝ ઝોનમાં બાઉન્સી કેસલ્સ, બિસ્કિટના ડેકોરેશન્સ અને ફેસ પેઈન્ટિંગ સહિત ઘણી રમતોનો સમાવેશ કરાયો હતો. બધા બાળકોને ગાર્ડનિંગ કિટ્સ અને પ્રિન્ટેબલ જર્નલ્સની ભેટ અપાઈ હતી. ઈન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્રીકરણ કાર્ય ચાલી રહ્યું છે, જ્યાં સ્ટીલનું કામકાજ લગભગ પૂર્ણ થઈ ગયું છે. વધુ વિગતો જાણવા અને દાન આપવા માટે વેબસાઈટ www.sklpc.comની મુલાકાત લેવા વિનંતી છે. ઉજમણીના કન્વીનરો કિરણભાઈ દેવરાજ પિંડોરિયા, નીરાબહેન મોહન હિરાણી, માવજીભાઈ ધનજી જાદવા વેકરિયા અને વૈશાલી વરસાણીએ ઈવેન્ટને સફળ બનાવવાની જહેમત ઉઠાવનારા તમામ સલાહકારો, ટીમ્સ લીડર્સ અને 700 વોલન્ટીઅર્સ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus