લેસ્ટરઃ નવલી નવરાત્રિ હોય અને ગરબે ઘૂમવાની વાત હોય ત્યારે કોણ પાછું પડે? લેસ્ટરના બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરમાં વયોવૃદ્ધ મહિલાવૃંદ સુંદર ચળકતી સાડીઓ અને ઘરેણાંનો શણગાર સજીને માતા અંબાની ભક્તિના હિલોળે ચડે છે તે દર્શનીય બની રહે છે. નોંધવા જેવી વાત તો એ છે કે એક મહિલા વ્હીલચેરમાં બેસીને આવેલી છે. આ તમામ મહિલાઓ માટે સામાન્ય બાબત એ છે કે અમે ભલે વૃદ્ધ હોઈએ પરંતુ, માતાજીના ગરબા કરવાનો લહાવો તો માણી જ શકીએ છીએ. આ વિસ્તારમાં નવરાત્રિની ઊજવણી અનેક સ્થળે થાય છે, જેમાં બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર એક છે. સુરક્ષા, શક્તિ અને માતૃત્વ સાથે સંકળાયેલી દેવી માતા દુર્ગાની આરાધના- પૂજા કરવા નવરાત્રિનો આરંભ 22 સપ્ટેમ્બરથી થયો છે. આ સ્થળને વયોવૃદ્ધ મહિલાઓ એટલા માટે પસંદ કરે છે કે તે સલામત છે અને બપોરના સમયે સરખી સાહેલીઓને મળવાં, વાતચીતો કરવાં અને ગરબા ગાવા માટે યોગ્ય સ્થળ છે. 84 વર્યના સુશીલાબહેન તેજુરા રોથેલી સ્ટ્રીટન સેન્ટરમાં 40 વર્ષથી વોલન્ટીઅર તરીકે સેવા આપી રહ્યાં છે. સાડીનાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ માતા સાથે દીકરી રાજુલ પણ સેન્ટરમાં આવે છે. ચોતરફ પરિવાર, સ્નેહ અને આનંદની છોળો ઉડતી હોય તે જોવાં મળે છે. સુશીલાબહેન હવે વોલન્ટીઅર તરાકે નહિ, પરંતુ ગરબે ઘૂમવા આવે છે. તેમનો આનંદ અને ઉત્સાહ નિહાળી રાજુલ તેજુરા પણ ખુશી અનુભવે છે.
જસુબહેન મિસ્ત્રી 76 વર્ષનાં છે. તેમને હવે નવરાત્રિનો ઉત્સવ પૂર્ણ થવાના આરે હોવાનું દુઃખ છે. તેઓ દરરોજ બપોરે 12.30 કલાકે આવે છે અને સાંજના 6 વાગ્યા સુધી સેન્ટરમાં રોકાય છે. તેઓ એકલાં જ છે અને અહીં મિત્રોને મળવાની આતુરતા રહે છે. 10મો દિવસ નજીક આવવાના વિચારથી જ તેઓ રોવાં લાગે છે અને હતાશા અનુભવે છે. હમ્બરસ્ટોનના કલ્પનાબહેન પટેલ કહે છે કે, ‘નવરાત્રિ સાંસ્કૃતિક પરંપરા છે. તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થવાં ઉપરાંત, ગરબાનૃત્યના લીધે કસરત પણ થાય છે. દરરોજ અલગ અલગ રંગની સાડી પહેરીને આવવાનું હોય છે.’
ઓડબીના 64 વર્ષીય ભારતીબહેન મિસ્ત્રી યુવાન હતાં ત્યારથી અહીં નવરાત્રિમાં આવે છે. તેઓ વોલન્ટીઅર્સની બહોળી સંખ્યા વિશે કહે છે કે,‘દરેક ચેરિટી સંસ્થાને વોલન્ટીઅર્સની જરૂર રહે છે, પરંતુ અહીં લોકો વોલન્ટીઅર બનવા ઈચ્છે છે. હિન્દુ સંસ્કૃતિમાં કોમ્યુનિટીને નિઃસ્વાર્થ ભાવે અને ખાસ કરીને ધાર્મિક સમયગાળામાં સેવા આપવાનું મહત્ત્વ છે. નવરાત્રિનો ઉત્સવ સ્ત્રીઓ માટે જ્વેલરી અને નવાં વસ્ત્રો ખરીદવાની તક પૂરી પાડે છે. દરેક રાત્રે માઈભક્તો અલગ અલગ રંગના વસ્ત્રો પહેરે છે જે મા દુર્ગાના વિશિષ્ટ લક્ષણોને અનુરુપ હોય છે.’ ભારતીબહેન મિસ્ત્રી કહે છે કે ‘સ્ત્રીઓ અને ખાસ કરીને વયોવૃદ્ધ મહિલાઓને ગરબામાં ભાગ લેતાં જોવાનું ખરેખર અદ્ભૂત છે. તેઓ અક્ષમ કે નિર્બળ હોઈ શકે, પરંતુ તેઓ ગરબે ઘૂમી શકે છે. લેસ્ટરમાં મોટા ભાગના સ્થળોએ ગરબા સાંજે થતાં હોય છે. વૃદ્ધ મહિલાઓને ટ્રાન્સપોર્ટની અગવડ હોય, રાત્રે અંધારામાં જવાની ઈચ્છા ન રહે તેથી આ સ્થળ આદર્શ છે. વૃદ્ધ મહિલાઓ નવે નવ દિવસ ગરબા રમવા આવે છે.’ ભારતીબહેનના 88 વર્ષના માતાને પણ નવરાત્રિ ઉત્સવ ઘણો ગમે છે. નવરાત્રિના કારણે તેમણે હોસ્પિટલની એપોઈન્ટમેન્ટ પણ બદલાવી નાખી છે.

