અયોધ્યાઃ રામનગરીનો વિશ્વ પ્રસિદ્ધ દીપોત્સવ આગામી 19 તારીખે પોતાનો જ રેકોર્ડ તોડીને ઇતિહાસ રચશે. પહેલું, 1251 પૂજારીઓ એક સાથે સરયૂની મહાઆરતી કરશે. બીજું, રામની પૈડી ઘાટ પર 26 લાખ દીપ પ્રજવલિત કરાશે. દીપોત્સવ 18 થી 21 ઓક્ટોબર સુધી ચાલશે. અયોધ્યામાં સરયૂ નદીના કિનારે સામાન્યપણે દરરોજ 5,100 દિવડાની મહાઆરતી થાય છે. તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ વિદેશી પર્યટકો સામેલ થાય છે. ગયા વર્ષે દીપોત્સવમાં પહેલીવાર 1100 પૂજારીઓએ મહાઆરતી કરી હતી.
આ મહાઆરતીએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે 151 પૂજારીઓની સંખ્યા વધારવાની તૈયારી છે. એ જ રીતે, 2024ના દીપોત્સવમાં 25 લાખ દીપ પ્રજવલિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવાયો હતો. આ વર્ષે પણ આ રેકોર્ડ તૂટશે.
રામકથા માટે 45 મિનિટનો શો
• ભગવાન રામની કથા સંભળાવવા માટે પ્રોજેક્શન મેપિંગ, લેઝર ઇફેક્ટસ, 100થી વધુ કલાકાર 45 મિનિટનો શો કરશે. • રામના પૈડી ઘાટ પર સરયૂમાં ભગવાન રામની જીવંત ઝાંખી પ્રદર્શિત કરાશે. • રામની પૈડી ઘાટથી લઈને પૂરા શહેરને રોશન કરાશે. • રામાયણ આધારિત ભવ્ય વેક્સ મ્યૂઝિયમનું પણ અનાવરણ કરાશે.

