ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પર અસહિષ્ણુ લખાણો લખી તોફાની તત્વોએ સમગ્ર વિશ્વનું મસ્તક શરમથી ઝૂકાવી દીધું છે. આ ઘટના અહિંસાના વિચાર સામે હિંસાત્મક હુમલો જ છે. લંડનસ્થિત ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનમાં સોમવારે ગાંધીજીની પ્રતિમા પર ‘ગાંધી, મોદી, હિન્દુસ્તાન આતંકવાદી’નું અપમાનજનક ચિતરામણ કે ગ્રેફિટી રાષ્ટ્રપિતાના અહિંસા અને સત્યના મૂલ્યો અને સિદ્ધાંતો પર હુમલો છે. ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનના જે સ્થળે બે દિવસ પછી રાષ્ટ્રપિતાના જન્મદિન બીજી ઓક્ટોબરે પુષ્પાંજલિ કરાવાની હતી ત્યાં કોઈ જાતની ઉશ્કેરણી વિના જ અહિષ્ણુ તોફાની તત્વોએ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના ત્રણ દિવસ પહેલા અપમાનજનક સૂત્રો લખીને પોતાની ઓકાતનું પ્રદર્શન કર્યું છે. ભારતીય હાઈ કમિશનનું કહેવું છે કે, આ શરમજનક ઘટનાને ગંભીરતાથી લેવાઇ છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને પ્રતિમાનું સમારકામ અને રક્ષણ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. હાઈ કમિશને આ માત્ર પ્રતિમાનું અપમાન નથી, પરંતુ મહાત્મા ગાંધીના અહિંસા અને શાંતિના સિદ્ધાંતો પર પણ હુમલો છે તેમ જણાવી નારાજગી વ્યક્ત કરી છે. બરાબર છે પરંતુ, માત્ર નારાજગી વ્યક્ત કરવાથી શું વળશે? હાઈ કમિશને સ્થાનિક અધિકારીઓને જાણ કર્યા પછી જ તેઓઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસ તપાસ કરાશે તેવી હૈયાધારણ આપી છટકી જ ગયા છે.
અપમાનજનક ચિતરામણમાં ગાંધીજીની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર હિન્દુસ્તાનને આતંકી દર્શાવવામાં આવ્યા છે. આમ, ગાંધીજીના જન્મદિનની ઊજવણી પહેલા જ તોફાની તત્વોએ પોતાની ભારતવિરોધી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. ગાંધીજી અને ભારતીય સંસ્કૃતિનાં સનાતન મૂલ્યોની ધરોહર ઘણા તત્વોને માફક આવતી નથી. પાકિસ્તાનતરફી અથવા ખાલિસ્તાનવાદી તત્વો હંમેશાં ભારત તરફ અસહિષ્ણુતા દર્શાવતાં રહ્યા છે. દર વર્ષે ભારતીય હાઈ કમિશન ખાતે સ્વાતંત્ર્યદિન કે પ્રજાસત્તાક દિવસની ઊજવણી કરાતી હોય ત્યારે આવા તત્વોની તોફાની સક્રિયતા અને બ્રિટિશ પોલીસની અગમ્ય નિષ્ક્રિયતા સ્પષ્ટપણે દેખાતી આવી છે.
પ્રખ્યાત પોલિશ-ભારતીય શિલ્પકાર ફ્રેડા બ્રિલિયન્ટ દ્વારા યુનિવર્સિટી કોલેજ લંડનની બાજુમાં આવેલા પાર્ક, ટેવિસ્ટોક સ્ક્વેરમાં આવેલી ગાંધીજીની આ કાંસ્યપ્રતિમાનું સર્જન ઈન્ડિયા લીગના પીઠબળ સાથે 1968માં કરાયું હતું. હકીકત એવી છે કે ગાંધીજીએ 1888 થી1891 સુધી UCLમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને તેમણે લંડનમાં વીતાવેલા સમયનું મહામૂલૂં સંભારણું છે. પરંપરાગત ધોતીમાં બેઠેલા ગાંધીજીની પ્રતિમા તેમની સાદગી અને અહિંસાના મૂલ્યોને ઊજાગર કરે છે. શિલ્પીએ ગાંધીજીના વ્યક્તિત્વ અને તેમના શાંતિપ્રિય સ્વભાવને ધ્યાનમાં રાખીને ચિંતનાત્મક મુદ્રામાં આ પ્રતિમા ડિઝાઇન કરેલી છે. દર વર્ષે, 2 ઓક્ટોબર, ગાંધીજયંતીના દિવસે પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ, ભજનગાન અને સ્મૃતિસભાઓ સહિત ઉજવણીનું આયોજન કરાતું આવે છે. બ્રિટિશ અને ભારતીય સમાજના અગ્રણીઓ અને ગાંધીભક્તો શાંત અને પવિત્ર વાતાવરણમાં ગાંધીજીના મૂલ્યો અને સ્મૃતિઓને વાગોળે છે.
ભારત, મોદીજી અથવા હિન્દુત્વના મૂલ્યો, કોઈને પણ નિશાન બનાવવા હોય ત્યારે ગાંધીજીની પ્રતિમાઓ સાથે છેડછાડ કરવાનું સામાન્ય બની ગયું છે. વિશ્વભરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સાથે છેડછાડ કે તોડફોડની અનેક ઘટનાઓ નોંધાયેલી છે. ગાંધીજીએ અસહકારની પ્રથમ લડત લડી હતી તે દક્ષિણ આફ્રિકામાં, 2003 (ડરબન) અને 2015 (જોહાનિસબર્ગ)માં, વિરોધીઓએ GandhiMustFall અભિયાનના ભાગરૂપે ગાંધીજીની પ્રતિમાને જાતિવાદી ગણાવીને તેને હટાવવાની હાકલ કરવા સાથે તોડફોડ પણ કરી હતી. નેધરલેન્ડ્સમાં 2020માં ગાંધીપ્રતિમા પર લાલ રંગે જાતિવાદી શબ્દ લખાયા હતા જ્યારે. 2021માં ઓસ્ટ્રેલિયાના મેલ્બોર્નમાં ગાંધીપ્રતિમાના અનાવરણના બીજા જ દિવસે તોડફોડ કરાઈ હતી. આપણે જોયું છે કે ભાગલાવાદી પરિબળો સામે સખ્ત પગલાં ભરવાની માગણીઓ સંદર્ભે બ્રિટિશ સરકાર દ્વારા કોઈ મજબૂત કાર્યવાહી કરવામાં આવતી નથી. દર વખતે કોઈ પણ પ્રસંગે યુકે-ભારતના ઐતિહાસિક અને વિશિષ્ટ સંબંધોની દુહાઈ આપતા બ્રિટિશ રાજકારણીઓ પણ ભારતવિરોધી ઘટનાઓની નિંદા કરવા આગળ આવતા નથી કે સરકારને આગ્રહ પણ કરતા નથી. તાજેતરમાં એશિયા ક્રિકેટ કપમાં ભારતના હાથે પાકિસ્તાનનો નામોશીપૂર્ણ પરાજય થયો તેને પચાવી નહિ શકતા ભારતવિરોધી તત્વોનું આ કૃત્ય હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહિ.
